” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” એટ્લાન્ટીકની સફરે ” – અનાયાસ ઝીંઝુવાડિયા

road at night

 

અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર આખું પરસેવે રેબઝેબ હોય છે. બાજુમાં જુએ છે તો પ્રિયાનો હસતો ચહેરો ગાડી ચલાવતો દેખાય છે. સામે જ ગાડીમાં ઉપરની બાજુએ રહેલા નાના કાચમાં પોતાનો ભયભીત ચહેરો અને આંખો જુએ છે. મોઢા પરથી પરસેવો લૂછતા હળવેકથી પ્રિયાને પૂછે છે :
‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?’
પ્રિયાને થોડો ઝાટકો લાગે છે પણ ગાડી ચલાવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને કહે છે :
‘આર્યાન !! કેમ આમ પૂછે છે ? આપણે એટ્લાન્ટીક સીટી જઈ રહ્યા છીએ. કોઈક સપનામાં ખોવાઇ ગયો કે શું ?’ પણ એના આ વાક્યો પૂરા થતાં સુધીમાં એને આર્યાનની આંખોમાં રહેલો ભય સ્પષ્ટ રીતે દેખાઈ ગયો હોય છે.
‘કંઈ નહીં.’ આર્યાન કહે છે.

પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે, ‘સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે.’ આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં-જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે. પ્રિયા ‘ગાર્ડન સ્ટેટ પાર્ક-વે’ ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે. એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં જ આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે. પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે. એ રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે. પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે. એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે :
‘શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ?’
આર્યાન પાણીની બોટલ લઈને ગાડીમાંથી બહાર નીકળે છે અને મોઢું ધોવે છે. પ્રિયા પણ ગાડીમાંથી બહાર નીકળી રૂમાલથી એનો ચહેરો લૂછી આપે છે. પ્રિયા એને સીટ પર બેસાડે છે અને પાછી ગાડી ચાલુ કરે છે. આર્યાન સ્તબ્ધ બની ગયો છે. ….એને આંખ સામે હજુ પણ એ ખડખડાટ હસતા ધૂંધળા ચહેરા દેખાય છે જેમાં એક ચહેરો એનો પોતાનો પણ હોય છે. ત્યાં જ અચાનક એક ચીસ સંભળાય છે અને પછી છેલ્લે ખાલી એટલું જ દેખાય છે કે એ જમીન પર પડ્યો છે અને મોઢામાંથી તથા માથામાંથી લોહીની ધારા વહે છે. એની આંખોથી લોહીના ખાબોચીયામાં પડેલા એ જ બધા હસતા ચહેરાઓને અત્યારે લોહીમાં લથપથ પડેલા તે જોઈ રહ્યો છે અને એ ધૂંધળા દ્રશ્યમાં એની આંખો બંધ થઈ જાય છે…..’

એટલામાં જ પ્રિયા ‘તાજમહાલ કસીનો’ના પાર્કીંગમાં ગાડીને પાર્ક કરે છે. અંદર જતાં જતાં એ આર્યાનને કહે છે, ‘હવે મૂડમાં આવી જા. એ લોકો તને ત્રણ વર્ષથી મળવા માંગે છે તો છેક આજે મેળ પડ્યો છે. તને એમને મળીને બહુ જ મજા આવશે.’
આર્યાન કહે છે : ‘હા પ્રિયા, તું કેમ ચિંતા કરે છે ? પણ હા, ન તો મેં એમને ક્યારેય જોયા છે, ન તો એમના નામ કે કોઇ જ બાબતની મને ખબર છે !’ પ્રિયા આર્યાનના હાથમાં હાથ નાખી હળવેકથી હસતાં બોલે છે, ‘અરે કંઈ જ વાંધો નહીં, હમણાં અંદર જઈને પરીચય કરવાનો જ છે ને.’ અને બંન્ને આમ જ વાતો કરતાં કરતાં કસીનોના દરવાજામાં પ્રવેશ કરે છે. એ દુનિયા જ કંઈક અલગ છે. ચારેય બાજુ રોનક જ રોનક ! કોઈક હસતું તો કોઈક રોતું તો કોઈક ગંભીર. અહીં તમને જીદંગીમાં કુદરતે મનુષ્યમાં મૂકેલા બધા ભાવ જોવા મળી જાય. લોકો જીદંગીના જુગારની બાજી જીતવા નસીબને જુગાર પર લગાવા અહીં આવે છે. જેમાંથી દરરોજ કેટલાય લોકો નસીબના એ દાવ જીતતા હોય છે તો કેટલાક હારતા હોય છે. જેમ જેમ આર્યાન અને પ્રિયા અંદર ચાલતા જાય છે ત્યાં જ આર્યાનને પાછા પેલા કાલ્પનિક આછા-ધૂંધળા ચહેરા દેખાય છે કે જેમાં આવા જ એક કસીનોમાં એ જ ચહેરા એક ટેબલને ફરતે બેઠા છે એમાંનો એક ચહેરો તો એને સ્પષ્ટ દેખાય છે જે એનો હોય છે અને હાથમાં બિયર હોય છે તથા બધાં હસતા હોય છે.

આર્યાન વિચારોમાં જ ચાલતા ચાલતા અચાનક ઊભો રહી ગયો છે જેનું એને પોતાને કે પ્રિયાને ધ્યાન રહેતું નથી અને પ્રિયા આગળ નીકળી જાય છે. હજી આર્યાન કંઈક સમજી શકે તે પહેલા એને બૂમ સંભળાય છે, ‘આર્યાન….. !!!!’ આર્યાન સ્તબ્ધાવસ્થામાંથી બહાર આવે છે અને જે દિશામાંથી પ્રિયાની બૂમ સંભળાય છે એ જ દિશામાં ચાલ્યો જાય છે. કસીનોની વચ્ચોવચ્ચ એક બાર છે જેનો એક ખૂણો અંધકારમય છે અને ત્યાં આરામથી બેસવાની વ્યવસ્થા છે. આર્યાન પ્રિયા પાસે પહોંચે છે. પ્રિયા એને આગળ દસ-બાર લોકો બેઠા છે ત્યાં લઈ જાય છે. ત્યાં અંધારાના કારણે દૂરથી કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા, પણ જેવા નજીક જાય છે કે તરત પ્રિયા કહે છે :
‘મિત્રો ! આ છે મારા પતિ…. આર્યાન’
જેવો પહેલો બેઠેલો માણસ આર્યાન જોડે હાથ મેળવવા ઊભો થાય છે ત્યાં જ ‘બાર-કાઉન્ટર’ પરથી આવી રહેલા આછા પ્રકાશમાં એનો ચહેરો આર્યાનને દેખાય છે અને આર્યાન સ્તબ્ધ થઈ જાય છે. આર્યાન જેવો હાથ મેળવવા આગળ કરે છે ત્યાં જ સામેની વ્યક્તિ પૂછે છે :
‘કેમ છે આર્યાન ? મારું નામ…..’
‘સપન….. સપન શાહ….’ હજુ એ કંઈ બોલે એ પહેલા જ આર્યાન બોલી ઊઠે છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ? એ પછી આર્યાન બધા જોડે હાથ મેળવે છે અને બધાના નામ બોલતો જાય છે : ‘આકાશ… આકાશ દોશી, મિહિર દરજી , પંકિત….પંકિત સુતરીયા , જીમીલ દેસાઈ, જયેશ…. જયેશ પટેલ, તેજસ……તેજસ શાહ’

આર્યાન એક અજીબ આશ્ચર્યથી બધા સામે જોઈ રહ્યો છે તથા પ્રિયા અને એના મિત્રો આર્યાન સામે એટલા જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આર્યાન છેલ્લે બોલે છે : ‘હું ક્યાંકને ક્યાંક તમને લોકોને મળી ચૂક્યો છું…’ કોઈને કંઈજ ખબર નથી પડતી કે શું પુછવું કે શું કહેવું ? પ્રિયા આર્યાનને લઈને વચ્ચેના સોફા પર બેસી જાય છે. કદાચ પ્રિયા જેટલો આધાત કોઇને નહીં લાગ્યો હોય. એટલામાં જ આ સ્તબ્ધતા અને આશ્ચર્યભર્યા વાતાવરણને તોડવા સપન હસતાં-હસતાં મજાકમાં કહે છે : ‘વાહ પ્રિયા વાહ !! તેં તો અમારી બહુ જ વાતો કરી લાગે છે કે આર્યાન પહેલીવાર મળતો હોવા છતાં અમને નામ સાથે ઓળખી ગયો !’ પ્રિયા સપનની વાતને આધાર આપતું સ્મિત ચહેરા પર આપે છે કે જેથી બધા હસવા માંડે છે અને વાતાવરણ થોડું હળવું થાય છે પણ પ્રિયાને અંદરથી હજી એ જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે આર્યાન આ બધાને કેવી રીતે ઓળખે છે ?

બધા કેટલાય સમય પછી મળ્યા હોવાથી ખૂબ વાતો કરતા હોય છે જ્યારે આર્યાન હજુ પણ બધાને જોઈને આશ્ચર્યમાંથી બહાર નથી આવ્યો. એ ખાલી બધાની વાતોમાં સ્મિત આપીને ‘હા ! હા !’ કરતો રહેતો. પણ મનમાં એને પણ પ્રિયાની જેમ એજ પ્રશ્ન હેરાન કરતો હતો કે ન તો મને પ્રિયાએ એમનાં નામ કીધાં છે ન તો મને એમના ફોટા ક્યારેય બતાવ્યા છે, ન તો ક્યારેય એમના વિશે કોઈ વાત થઈ છે, તો પછી મને એમના નામ આવડ્યા ક્યાંથી ? એટલામાં સપન બોલે છે :
‘ચાલો, આજે ત્રણ વર્ષે મળવાની ખુશીમાં તમને બધાને આપણા જૂના દિવસોની એક વાત યાદ કરાવું. ખાસ કરીને આર્યાન-પ્રિયા અને બાકીના અમારા સાતની પત્નીઓને તો આ વાત ખબર નહીં જ હોય. આ વાત છે મારી, એટલે કે અમારા આઠ જણાની. અમે સાત અને એક આઠમો જેનું નામ છે બડ્ડી (buddy).’ બધા હાથમાં ગ્લાસ લઈને વાર્તા સાંભળવા ગોઠવાઈ જાય છે. સપન આગળ બોલે છે : ‘આ વાત છે આપણા આઠ મિત્રોની કે જે ભારતથી જોડે આવ્યા હતા, રહ્યા’તા જોડે, હસ્યા’તા જોડે અને રોયા’તા પણ જોડે !’ સપન ત્યાં બેઠેલા બાકીના છ મિત્રોને સંબોધીને કહે છે : ‘મિત્રો, જો તમને યાદ હોય તો આ વાત છે એ દિવસની જ્યારે આપણે બધા રાત્રે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા. જી હાં, આ વાત છે આપણી એટ્લાન્ટીક સીટીની સફરની… એ દિવસે સાંજે બડ્ડી , પંકિત અને તેજસ જર્સી સીટીની ઈન્ડિયન સ્ટ્રીટ પર ‘બંગાળી’ નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હતાં. રાતના સાડા નવ થયા હતા. હું, આકાશ, જીમીલ અને જયેશ સીધા નોકરીએથી ત્યાં આવ્યા હતા….’

બધા ધ્યાનમગ્ન થઈને યાદો વાગોળવામાં મશગૂલ થઇ રહ્યાં હતાં જ્યારે બીજી બાજુ આર્યાન એકીટશે વાત સાંભળતા સપન સામે જ જોઇ રહ્યો હતો. સપન વાતને આગળ વધારતા કહે છે, ‘એ રાતે જમવાનું પતાવતા આપણને અગિયાર વાગ્યા હતા. બધા જમીને જેવા રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા, એવો જ બડ્ડી બોલ્યો હતો કે કાલે તો બધાને રજા છે ને તો આજે એટલે કે અત્યારે જ એટ્લાન્ટીક સીટી જઈએ તો કેવું રહે ? બધાને તો જોઈતું હતું ને વૈદે કીધું જેવી સ્થિતિ હતી. થોડી જ વારમાં નક્કી થયું કે બધા એટ્લાન્ટીક સીટી જવા રવાના થશે.’ પંકિત હાથમાં રહેલા ગ્લાસમાંથી ચુસકી મારી બોલ્યો, ‘હા અને પછી આકાશ, જયેશ અને મિહિર નુવાર્ક-એરપોર્ટ પર ગાડી ભાડે લેવા ગયા અને આપણે બધા ઘરે ગયા હતા. રાતના બાર વાગ્યે ઘરે ગાડી આવી ગઈ અને શરૂઆત થઈ એ અદ્દભુત સફરેની…’

જીમીલ ત્યાંથી વાત આગળ વધારતા કહે છે : ‘એ દિવસે જયેશ ગાડી ચલાવતો હતો. સપન એની બાજુની સીટ પર બેઠો હતો. પાછળ આકાશ, તેજસ અને બડ્ડી. જ્યારે છેક પાછળ હું, મિહિર અને પંકિત બેઠા હતા. ‘બોલો અંબે માતની જય….’ ના નારાથી ગાડી ચાલુ થઈ અને જર્સી સીટીના સીપ એવન્યુથી રૂટ ૪૪૦ તથા રૂટ વન એન્ડ નાઈન પર થઈ પિસ્તાળીસ મીનીટમાં તો ગાર્ડન સ્ટેટ પાર્ક-વે પર પહોંચી ગઈ.’ મીહીર બે ઘૂંટ ભરતા બોલે છે, ‘મસ્ત ઠંડક ભરી એ રાત હતી. ધીમા ધીમા મસ્તી અને જોશ ભર્યા ગીતો વાગતાં હતાં. બધા જૂની-જૂની વાતો યાદ કરી એકબીજા જોડે મસ્તી કરતા હતા……’ પ્રિયા તથા બીજા બધાની પત્નીઓ આ વાતમાં ખૂબ જ રસ લઈને સાંભળી રહી હતી.

ત્યાં જ આર્યાન ગ્લાસમાંથી એક ઘૂંટ ભરીને બોલે છે : ‘બડ્ડી શાંતીથી બેઠો-બેઠો ગીત ગુણગુણાવતો હોય છે અને એટલામાં તેજસ અંતાક્ષરી ચાલુ કરે છે…..’ આર્યાનના મોઢે આ વાક્ય સાંભળતા ત્યાં બેઠેલા બાકીના બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાત તો સાત મિત્રો અને બડ્ડીની હતી, તો આર્યાનને ક્યાંથી ખબર પડી ? પ્રિયા તો આર્યાનને આઘાતથી જ જોઈ રહી હોય છે કારણકે પહેલા બધાનાં નામ અને હવે એમની વાર્તા ? આર્યાન વાતને આગળ વધારતાં કહે છે :
‘અંતાક્ષરી ચાલુ કર્યા પછી તો એક પછી એક અવ્વલ દરજ્જાના બાથરૂમ ગાયકોના બેસૂરા રાગોના અવાજ સૂમસામ ગાર્ડન સ્ટેટ પાર્ક-વેના સન્નાટામાં પ્રસરે છે. બધા એ રાતે એમની વિડમ્બણાઓ ભૂલાવી મદમસ્ત બનીને અલગ અલગ સૂરો આલાપવામાં મશગૂલ હતા. જયેશ પણ જુવાનીના જોશના મસ્તીભર્યા એ રંગમાં ગાડીને ૧૧૦ માઇલ/કલાકની ઝડપથી દોડાવતો હતો. આમ ને આમ મસ્તીભર્યા વાતાવરણમાં એકાદ કલાક બીજો નીકળી ગયો. કોઈકને નોકરીની ચિંતા તો કોઈકને અમેરીકામાં ટકી રેહવાની ચિંતા. પણ એ રાત જ અલગ હતી. બધા મિત્રો દુઃખના રંગો ભૂલાવી મસ્તી અને આનંદના મેધ-ધનુષમાં આનંદપૂર્વક મોજીલા બની નાચતા હતા. ધીમે ધીમે આ યૌવન રંગે રંગાયેલું વાતાવરણ શાંત પડ્યું અને ધીમે ધીમે બધાને ઊંઘ ચઢી. સપન આગળની સીટમાં જાગતો બેઠેલો અને બડ્ડી સન્નાટામાં કોઈક વિચારમાં ખોવાયેલો ઝડપના કાંટા સામે જોતો હતો જે ૧૦૦ માઇલ/કલાકની સ્પીડ નીચે ઉતરતો જ નથી ! થોડીવારમાં સપન પણ ઊંધી ગયો અને બડ્ડીની આંખો ક્યારે બંધ થઈ ગઈ એ એને પણ ખબર ન રહી. જયેશ એકલો ગીતો સાંભળતો મંઝીલ તરફ આગળ વધી રહ્યો હતો. બધા એમની કાલનું ભવિષ્ય કેવું હશે એના સપનાઓમાં ખોવાઈ ગયા હતા. ત્રીસેક માઈલનું અંતર કાપ્યું હશે ત્યાં જ ચીચીચી….ઈઈઈ…સસસસ…. એવો જોરથી ગાડીમાંથી અવાજ આવ્યો. બધા એકદમ ગભરાઈને બેબાકળા બનીને ઝબકીને જાગી ગયા. પરંતુ જેવી આંખો ખૂલી એવો જ જીવ જાણે તાળવે ચોંટી ગયો. સામે દેખાતા દ્રશ્ય પર કોઈ પણ આંખને વિશ્વાસ નથી આવતો. એમની આગળ માત્ર ૧૫૦ ફૂટ દૂર એક કાળા રંગની હોન્ડા-સીવીક એની આગળ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયેલી દેખાય છે અને એ કાળા રંગની ગાડીની પાછળ એમની ગાડી છે જે ફક્ત સો-એક ફૂટ જ દૂર છે. જયેશે બ્રેક મારી ત્યારે એ ૧૨૦ માઇલ/કલાકની ઝડપે ચાલી રહી હતી અને આટલી ઝડપે બ્રેક મારવાના કારણે ગાડી આખી રસ્તા પર ઘસડાતી અને લસરાતી એ કાળા રંગની ગાડી અને ટ્રક તરફ આગળ વધી રહી હતી. બધાની આંખો પહોળી અને મોઢાં ખુલ્લા રહી ગયા હતાં અને મૃત્યુ ખાલી સો ફૂટની દૂરી પર દેખાઈ રહ્યું હતું જે એમની તરફ સતત આગળ વધી રહ્યું હતું…’

‘સોનેરી કાલના સપનાના ઊગતા સૂરજને એ સોળ આંખો આથમતી જોઈ રહી હતી. મીહીર અને જીમીલ ભયના માર્યા સીટની પાછળ ભરાઈને મોઢું નીચે નાખીને બેસી ગયા હતા. તેજસ અને આકાશના મોઢામાંથી ‘જયેશશશઅઅઅ…..’નામની ચીસ નીકળી ગઈ હતી. સપન અને જયેશની આંખોમાં મૃત્યુની અણધારી પળ નજીક આવતી દેખાતી હતી. જ્યારે બડ્ડી તો સાવ સ્તબ્ધ થઈને જાણે સમય રોકાઈ ગયો હોય એમ એમની ગાડીને મૃત્યુની ખીણ તરફ ઘસડાતી જોઈ રહ્યો હતો. પણ અચાનક કોણ જાણે એ આઠમાંથી કોના નસીબની રેખાઓ કામ કરી ગઈ અને જયેશે દબાવેલી બ્રેકના પરીણામ રૂપે એમની ગાડી અકસ્માતવાળી ગાડીથી દસેક ફૂટના અંતરે લોહચુંબકની જેમ રસ્તા સાથે ચોંટી ગઈ. જયેશના જીવમાં જીવ આવ્યો અને માથું સ્ટિયરીંગ પર મૂકી બેસી ગયો. સપને હાશનો શ્વાસ લઈને માથું સીટ ઉપર ટેકવી દીધું. બધા હજી સુમ્મ થઈને રહી ગયા હતા. આકાશ અને બડ્ડી ગાડીમાંથી બહાર નીકળ્યા અને બહારનું દ્રશ્ય જોતાજ બંન્નેના રૂંવાડા ઊભા થઈ ગયા. આગળની ગાડી એમની ગાડીથી દસેક ફૂટ જ દૂર હતી જ્યારે પેલી ગાડીનો એવો જોરદાર અકસ્માત થયો હતો કે કાળી ગાડી આગળ ટ્રકમાં આખી ઘૂસી ગઇ હતી અને લગભગ ૧૦-૧૫ફૂટ જ ભાગ બહાર દેખાતો હતો. એન્જિનના અવાજો સિવાયએ અંધારાના સન્નાટામાં કોઈ જ અવાજો ન હતા. બડ્ડી સિગારેટ કાઢીને સળગાવા જાય છે તોય મૃત્યુને દસફૂટથી જોયેલી કંપારીમાં એના હાથ હજુ પણ ધ્રુજતા હતા. આકાશ ૯૧૧ (અમેરિકન પોલીસ માટેનો ફોનનંબર) કરે તે પહેલાં જ એમ્બ્યુલન્સ અને પોલિસની ગાડીઓ ત્યાં આવી ચઢી હતી. થોડીક બધાની પુછતાછ કરી અને બરોબર તપાસ કરી કે કોઈને સારવારની જરૂર છે કે નહીં ? ત્યારબાદ દસ જ મિનિટમાં એ બધા પાછા રવાના થયા એટ્લાન્ટીકના પથ પર. ત્યારબાદ ચાલીસ મિનિટમાં એ રાતે બધા એમની મંઝીલે પહોંચી ગયા હતા. પરંતુ એટલાન્ટીક સીટી પહોંચ્યા પછી પણ બધા ચૂપચાપ હતા. આંખોમાંથી મૃત્યુની ઝલક હજી જતી ન હતી.’

આર્યાન આટલું બોલી અટકે છે. સપન અને મિહિરની સામે જુએ છે. બધા બહુ જ ગંભીર અને સ્તબ્ધ દેખાય છે. આર્યાન એક નવો ગ્લાસ લાવે છે અને ઘૂંટડો ભરીને વાત આગળ વધારે છે : ‘એ દિવસે મિહિર અને બડ્ડી બંન્ને ‘બાર- કાઉન્ટર’ પર જાય છે બે બિયર લે છે અને છેલ્લા બે વર્ષોમાં ન કરી હોય એવી જીદંગીની હકીકતોની ખુલાસાપૂર્વક વાતો એ દિવસે કરે છે. ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધે છે એમ બધા મૃત્યુની નજીકથી જોયેલી ક્ષણો ભૂલાવા કસીનોની રંગતમાં ખોવાવા માંડે છે. એમ ને એમ સવારના આઠ વાગે છે. રવિવારની સવારના એ સૂરજને જોવાની ખુશી જેટલી એ દિવસે એમને હતી કદાચ આ પહેલા ક્યારેય એમણે અનુભવી ન હતી. થોડો ઘણો નાસ્તો કરીને બધા ગાડી લઇને સાઉથ-જર્સી જવા રવાના થયા જ્યાં બહુ જ સુંદર દરિયાકિનારે એમણે આખો દિવસ ગાળ્યો. પાણીમાં ન્હાયા અને ખૂબ મસ્તી કરી. એમની આ જ મસ્તીમાં ગઈકાલની અકસ્માતવાળી વાત ક્યાંય ભૂતકાળ બનતી જતી હતી. રાત્રે નવ વાગે બધા પાછા ગાડીમાં ગોઠવાયા અને જર્સી-સીટી પાછા આવા રવાના થયા. જયેશ થાક્યો હોવાથી બડ્ડીએ ગાડી ચલાવાનું નક્કી કર્યું. બધાની આંખોમાં હવે થાક હતો. શનિવાર સવારથી આજે રવિવારની રાતના સાડાનવ વાગ્યા હતા અને હજી કોઈએ આરામ કે સરખી ઊંઘ લીધી નહોતી. થોડી જ વારમાં બધા ઊંધવા માંડ્યા અને ગાડીમાં છેલ્લે બડ્ડી પોતે અને એના કિશોરકુમાર સાહેબના ગીતો જ જાગતા હતા ! બડ્ડી ગીતો ગાતાં-ગાતાં ગાડીને રમરમાટ રસ્તા પર ચલાવી મૂકી હતી. કલાકમાં ૧૦૦એક માઇલ પછી બડ્ડી ફ્રેશ થવા માટે ગાડીને ઊભી રાખે છે. મોઢું ધુએ છે, બિયર પીએ છે અને સીગરેટ સળગાવે છે. ત્યાં સુધીમાં બાકીના બધા પણ ફ્રેશ થઇ જાય છે અને બધા પાછા ગાડીમાં ગોઠવાય છે.’

‘રાતના અગિયાર વાગ્યા હતા અને 140 માઈલ બાકી હતા. બધા થોડીવાર ગીતો સાંભળતા વાતો કરે છે પણ અંતે થાકનો વિજય થતા પાછા સૂઈ જાય છે. બડ્ડીને પણ હવે થાક રંગ બતાવતો હોય છે એને આંખો થોડી-થોડી બળવા લાગે છે. એ એક બીજી સિગારેટ સળગાવે છે અને બારી ખોલીને તે પીએ છે. પણ ૧૫-૨૦ મિનિટમાં સહનશક્તિ સાથ છોડી દે છે અને એની આંખો બંધ થઇ જાય છે. એને એ ધ્યાન પણ નથી હોતું કે ગાડી એ વખતે ગાર્ડન-સ્ટેટ પાર્ક-વે પર ૧૩૦ માઈલ/કલાકની ઝડપે ચાલતી હતી ! એ જેવી આંખો બંધ કરે છે એવામાંજ અચાનક એને ગઈકાલનું દ્રશ્ય દેખાવા માંડે છે….. એ લોહીલુહાણ કાળી ગાડીમાંથી કઢાતી લાશો…. એના અને મૃત્યુ વચ્ચેનં ખાલી દસ ફૂટનું એ અંતર…. આ બધું જોઈ એના હદયના ધબકારાની ગતી વધી જાય છે અને અચાનક જોરથી કોઇક ગાડીનો હોર્ન સંભળાય છે. બડ્ડીની આંખો ખુલે છે તો પોતાની ગાડીને ૧૩૦ માઇલ/કલાકની ઝડપે જુએ છે પણ એને કંઈક સમજણ પડે કે એ કંઈ વિચારીને કશુંક કરે એ પહેલાં ગાડી રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર એ જ ગતિએ અથડાય છે અને હવામાં ઊછળે છે. એને કંઈ જ સમજવાનો કે વિચારવાનો સમય નથી મળતો. એ જોરદાર ઝટકાથી બધા ગભરાઈને ઊઠી જાય છે પણ બહુ જ મોડું થઈ ગયું હોય છે. બધાની આંખો પહોળી થઈ જાય છે અને મોઢામાંથી ચીસો નીકળી જાય છે. ગાડી હવામાં પચાસેક ફૂટ ઊછળે છે અને બધાને કંઈ પણ ખબર પડે એ પહેલાં ગાડી હવામાં જ બે-ત્રણ ગુલાંટી ખાઈને ઊંધી થઈને નીચે પડે છે. બડ્ડી રસ્તાની એક બાજુએ ગાડીથી થોડેક દૂર ઊંધો પડ્યો હોય છે. એને એના મોઢાની નીચે લોહીનું ખાબોચિયું ભરાયેલું દેખાય છે અને એના માથામાંથી લોહીનો રેલો કપાળ અને આંખો પરથી થઈ ખાબોચિયું બનાવતો દેખાય છે. એને એના મિત્રો ગાડીની આજુબાજુ એની જેમ જ કણસતા અને લોહીલુહાણ દેખાતાં હતાં. ગાડી ઊંધી પડી પડી બળતી હતી. ધીમે ધીમે શરીર અને શ્વાસ બંન્ને સાથ છોડવા માંડે છે. એની પાંપણો ભારે થાય છે અને એને છેલ્લે પ્રિયા કે જે એની જીવનસંગીની બનવાની હોય છે એનો માસૂમ ઉદાસ ચહેરો દેખાય છે અને કાનમાં એના અવાજના વાકયો ગૂંજે છે : “આર્યાન ! તું મને એકલો મૂકીને ક્યાં જાય છે ? હું શું કરીશ તારા વગર ?” અને બધું જ જાણે કે અંધકારમાં વિલિન થઇ જાય છે.’

આર્યાન આ વાક્યો બોલતા બોલતા ચૂપ થઈ જાય છે એની આંખોમાંથી આંસુઓ નીકળતા હોય છે. એ જ્યારે માથું ઊંચુ કરીને જુએ છે તો આજુબાજુની દરેક વ્યક્તિ રડતી હોય છે. આર્યાન બધાની સામે જુએ છે અને કહે છે : ‘મિત્રો, મને એ ખરાબ ડ્રાઈવિંગ માટે માફ કરી દેજો હું ખૂબ જ…. ખૂબ જ દિલગીર છું… આ એ વાક્ય છે જે હું એ રાતે ચાહતા હોવા છતાં પણ બોલી શક્યો નહીં….’ અને આર્યાનની આંખોમાંથી આંસુઓની ચોધાર વર્ષા થવા માંડી. બધા આર્યાનની નજીક આવ્યા અને કહ્યું : ‘બડ્ડી, તું આજે પણ માફી માંગતા સારો નથી લાગતો. ચાલ, આજે ત્રણ વર્ષે મળ્યો છે તો ગળે લાગી જા…..’ અને બધા એને ભેટી પડે છે.

બધા આજે ખુશ છે કે આર્યાન એટલે કે બડ્ડીની યાદશક્તિ આજે ત્રણ વર્ષે પ્રિયાના વિશ્વાસે પાછી આવી ખરી. પ્રિયા બધાનો ખુબ ખુબ આભાર માને છે કે આજે એના પતિ આર્યાનની યાદશક્તિ પાછી લાવવાના છેલ્લા પ્રયત્નમાં બધાએ એનો સાથ આપ્યો અને છેક અહીં એટલાન્ટીક સીટી સુધી આવ્યા. બધા ધીમે ધીમે જૂની યાદો સાથે હસવા અને મસ્તી કરવા માંડ્યા અને આર્યાન હસતાં-હસતાં એની પોતાની જૂની જીદંગીમાં પાછા લાવા બદલની ખુશીમાં પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો છે. ધીમેથી તે પ્રિયાની નજીક આવે છે અને કહે છે : ‘હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ મને આટલો અપાર અને અનંત પ્રેમ કરવા બદલ તારો ખુબ-ખુબ આભાર…..’

ઓગસ્ટ 24, 2009 Posted by | વાર્તા | , , , , , , , | 4 ટિપ્પણીઓ

” તારા આગમને ” – અનાયાસ ઝિંઝુવાડીયા

happy

*                                                                                                                                                                                                               

તારા આગમનના એંધાણ થયા હ્દયના દ્વારે જ્યારે આજે,

આંસુભરી લાંબી રાત વહી જાણે, ઓટ ના આગમને વિસર્યા હોય ભરતીના પાણી આજે.

*

બંધાયા છે મારા હદયથી તારા હદયના તાર જ્યારે આજે,

વર્ષો પછી મનડું ખીલ્યું મારૂં જાણે, પૂનમનો ચંદ્રમાં નીકળ્યો હોય આજે.

*

તારા અંતરના વહાલને મનડું મારૂં પામ્યું જ્યારે આજે,

મનડું મારૂં ખીલ્યું જાણે, વસંતના ફૂલોની રંગત ખીલી હોય આજે.

*

જુની યાદો ભુલાવા મન થયું મક્કમ જ્યારે આજે ,

તારી આંખોના ઉંડાણે રહું હું જાણે, દરીયાના મોજાનો  અવાજ વર્ષો સુધી શંખલામાં રહેતો હોય આજે.

*

હરીને ઇચ્છા એક વ્યક્ત કરૂં હું જ્યારે આજે,

માંગુ મારૂં જીવન પ્રેમના પાલવડે તારા જાણે, સંધ્યાના નભમાં ખીલતું કુદરત હોય આજે.

 *                                                                                                                                                                       

જૂન 3, 2009 Posted by | કાવ્ય | , , , , , , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

” પ્રેમના પાલવડે ” — અનાયાસ ઝિંઝુવાડીયા

each other

”  પ્રેમના અસ્તિત્વને શબ્દોમાં ચિતરવું એ શક્ય છે ખરૂં?ને જો સાચા અર્થમાં કહુંતો શું પ્રેમને સંપૂર્ણપણે ઊંડાણ પૂર્વક સમજવાની સમર્થતા આપણામાં છે ખરી? ”

————————————————અનાયાસ ઝિંઝુવાડિયા———————————————————————

તો બોલ તને પ્રેમ વિશે શું ખબર છે?”

સંજના રાજ ને પૂછે છે. રાજ ખૂબજ નાનું સ્મિત આપીને એમની અને ન્યૂયોર્કની આલિશાન ઇમારતો વચ્ચે રહેલી હડ્સન નદીને જોવે છે અને ન્યૂયોર્કની સુંદરતામાં વધારો કરતી રોશનીમાં ક્યાંક ખોવાઇ જાય છે.

સંજના અને રાજ ઘણા સારા મિત્રો છે. રાજ ગુજરાતી અને સંજના રાજસ્થાની છે. બંન્ને જણા દર શનિવાર સંધ્યાકાળે અહીં આવે છે. રાજને હડ્સન નદીના પટનો ભાગ બહુંજ ગમે છે જેને લોકો ન્યૂપોર્ટના નામે ઓળખે છે. ન્યૂપોર્ટથી હડ્સનના પેલે કિનારે એક જાદુઇ નગરી છે. જેનું સપનું અમેરીકા આવનારી દરેક વ્યક્તિ જોવે છે અને જાદુઇ નગરીનું નામ છે ન્યૂયોર્ક. રાજ ત્રણ વર્ષ પહેલા ભારતથી જાદુઇ નગરીમાં આવેલો. તેણે ત્યાર બાદ માસ્ટર્સ પતાવ્યું અને છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કની બહુજ મોટી કંપનીમાં ઉંચી પદવી પર કામ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારત ગયો નથી. સંજના એની સાથેજ એજ કંપનીમાં કામ કરે છે. બંન્ને વચ્ચે ખુબજ સરસ મિત્રતા છે. સંજનાને રાજ નો સ્વભાવ ખૂબજ ગમે છે. સવારથી સાંજ સુધી જોડેજ કામ કરતા હોવા છતાં બંન્ને લગભગ છેલ્લા એક વર્ષથી ન્યૂપોર્ટના કિનારે આવે છે. રાજ પણ તેમની મિત્રતાને પૂરતો ન્યાય આપતો રહ્યો છે. બંન્ને આટલા સારા મિત્રો હોવા છંતા બંન્નેમાં બહુજ વિભિન્નતા છે. સંજના રાજને દરેક વાત કરે છે. આજે એક વર્ષમાં રાજ સંજના વિશે બધુંજ જાણે છે પણ સંજના રાજના વિશે કશુંજ જાણતી નથી.કારણકે રાજ ક્યારેય સંજના અથવા તો કોઇ પણ સાથે ખુલીને અંગત વાતો કરતો નથી. સંજના હડ્સનના પાણી તરફ જોઇને રાજને પૂંછે છે

રાજ આમ અચાનક કેમ ભારત જાય છે આવતા અઠવાડિયે? ”

રાજ ન્યૂયોર્કની ઇમારતો ઝગમગ થતી બત્તીઓ તરફ જોઈને કહે છે બસ એમ સંજુ, કોઇ કારણ નથી

સંજના મોઢું મચકોડીને રાજ સામે ખોટોખોટો ગુસ્સો કરતા બોલી

અને કોઇ કારણ હશે તોય તું ક્યાં કોઇને કહેવાનો છે, જવા દે તને તો કંઇ પણ પૂંછવું નકામું છે.”

રાજ હજી પણ ઢળતી સાંજની લાલિમામાં ધીમેધીમે પોઢાઇ રહેલ ન્યૂયોર્ક સામે જોતો કંઇક પણ જવાબ આપ્યા વગર વિચારવામાં મગ્ન હતો. પાછી સંજના એની બેઠક પરથી ઊભી થઈ અને રાજનું ધ્યાન તોડવા ફરી બોલી ઉઠે છે

રાજ એક વાત તો કહે તારે દિવસમાં ઘણા બધા ફોન આવે છે પણ ઘણીવાર મને એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવે છે. મોટા ભાગનાં ફોન માં તો તું મારી સામે વાતો કરતો હોય છે પરંતું ક્યારેક ક્યારેક એવું લાગે કે તું કઈંક છુપાવા સાઈડમાં જઈને વાતો કરતો હોય છે. એવા તો કોના ફોન હોય છે કે જે તું મારાથી એટલેકે તારી સૌથી સારી મિત્રથી છુપાવા માંગતો હોય છે.”

રાજ હજી પણ ઢળતી સાંજના સૂરજ સાથેના સંગમ રૂપી ગુલાબી નભ સામે જ જોતો હોય છે. જાણે કુદરતની અનંત દુનિયામાં ખોવાઈ જ ના ગયો હોય? સંજના ને એવું લાગે છે કે કાંતો રાજ આ પ્રશ્નોના જવાબ નથી આપવા માગતો અથવા એ કોઇક વિચારમાં એટલો ડૂબેલો છે કે એને સંજનાની વાતોમાં ધ્યાન જ નથી. સંજના ધીમે-ધીમે એની પાસે જાય છે અને રાજની બાજુમાં ઊભી રહે છે અને રાજ ના ચહેરા સામે જોવે છે. ત્યારે રાજ એક-નજર સંજના સામે નાખે છે અને બીજી જ પળે એ હડ્સનના પાણીના ઊંડાણમાં ખોવાઈ જાય છે.  સંજના સમજી જાય છે કે રાજને ખબર છે કે સંજના શું પૂછી રહી છે પણ દર વખતની જેમ એ આજે પણ જવાબ આપવા માંગતો નથી.  એટલે સંજના રાજનું ધ્યાન પોતાની તરફ કરવા માટે હડ્સન નદીના કિનારા પરથી દુર-દુર સુધી દેખાતા પાણીને જોઇને અમથો એવો સવાલ કરે છે

” રાજ ચલ એતો કહે કે આ જગ્યા તને આટલી કેમ ગમે છે?… આપણે રોજ અહીં એક જ સમયે આવીયે છીયે અને રોજ અહીં નજારો પણ એક જ હોય છે તો પછી આજ જગ્યા કેમ?  મારા મતે પણ આ જગ્યા ખુબજ સુંદર છે પણ નદીના કિનારા તો બધાજ સુંદર હોય ને?”

રાજ હવે સંજના સામે જોવે છે અને હળવેકથી સ્મિત આપીને કહે છે

” તું ક્યારેય સુધરવાની નથી. તને ખબર છે કે તારા કયા પ્રશ્નોના જવાબ હું આપવાનો છું અને કયા નો નહીં તોય પ્રશ્નોતો કરવાના જ નહીં? “

” ચલ એ બધું જવા દે. હવે તું મને આજે એમ કહે તારા મતે પ્રેમની વ્યાખ્યા શું? “

સંજના રાજને એના અનંત મૌનમાંથી બહાર કાઢી બહુંજ ખુશ હતી અને ધીમેથી ઊભી થઈને ત્યાંની પટ ઊપરની રેલીંગ ઊપર હાથ ટેકવતા કહે છે

” મારા મતેતો પ્રેમ બધું જ છે. જ્યારે કોઇ તમને ગમે, તમને તેની સાથે રહેવું ગમે, એની દરેક વાતો ગમે, અને મન અને હદયમાં ખુબજ શાંતી અને હળવાશ અનુભવાય મારા માટેતો બસ એજ પ્રેમ છે. “

રાજ એકધારી નજરે સંજના સામે જોઇજ રહ્યો અને થોડા મજાક અને હાસ્યના મર્મમાં બોલ્યો

” બહુજ સરસ. તદ્દન ઉંચા દરજ્જાની તમારી તો પ્રેમની વ્યાખ્યા છે. ખુબ જ સરસ. મેડમ તમે આટલું બધું ઊંડું જ્ઞાન ધરાવતા હશો પ્રેમ માટે એની મને તો ખબર જ નહોતી. આશ્ચર્યચકિત કરી મૂક્યો મને.”

રાજ સંજના સામે જોઇને ખુજ હળવેકથી સ્મિત આપે છે. ત્યાંજ મસ્તીમાં આવીને પાછૉ કહે છે

” પણ સંજના આ બધુંતો તારા અને મારા વચ્ચે પણ લાગું પડે એમ છે એનું શું?”

આ સાંભળતાજ સંજના ખડખડાટ હસી પડે છે અને હસતા- હસતા

” પ્રેમ અને આપણી વચ્ચે? કોઇ કાળે શક્ય નથી. આપણેતો સારા મિત્રો છીએ અને એજ રહી શકીયે. પ્રેમ અને તારા જેવા નિરસ વ્યક્તિ જોડે તો થાય જ નહીં “ મસ્તીના મૂડમાં બોલી.

રાજ ઉભો થાય છે અને સંજનાના માથે હળવેકથી ટપલી મારતા કહે છે

” ગાંડી એતો મનેય ખબર છે કે આપણે મિત્રો જ છીયે અને મિત્રો જ રહેવાના. આમેય તારા જેટલી બોલકણી જોડે પ્રેમ કરીને મગજ ખરાબ કોણ કરે “ અને રાજ મસ્તીથી હસવા માંડ્યો.

સંજના આજ હળવા  મસ્તીના વાતાવરણમાં કહે છે ” કેમ કેમ કેમ ? હું કંઇ એટલી બધી ખરાબ છું?”

”  અને તું તો જવા જ દે આમેય તને ક્યાં પ્રેમ વિશે કંઇ ખબર પડે છે. તને તો તારૂં કામ અને તારૂં એકાંત એ બેજ તો વહાલું છે. તને પ્રેમ થાય એ તો શક્ય જ નથી “

રાજ એની વાતને ટાળતા હસવા માંડે છે ” ચલ એ બધી વાત જવા દે , આજે તને એક વાર્તા કહું”.

સંજના થૉડી આશ્ચર્યમાં પડે છે ” બોલ-બોલ તું અને વાર્તા કહે? અતિ-સુંદર શ્રિમાન રાજ “.

આજે રાજ કદાચ  પહેલીવાર આવી કોઇ વાત સંજનાને કહે છે. સંજના એક શ્રેષ્ઠ શ્રોતા તરીકે સામે રહેલી બેન્ચ (બાંકડા) પર બેસી જાય છે. રાજ શાંતીથી આકાશના અંધારે અજવાળું પાથરતા ચંદ્રમાં સામે જોઇ જમણા હાથમાં રહેલી કોફીનો ધૂંટડૉ ભરી ચાલું કરે છે.

સંજના પ્રથમવાર આજે રાજની આંખોમાં અલગભાવ જોઇ રહી હતી.  રાજ સંજના બાજુ ફરે છે અને ચાલુ કરે છે

” આ વાર્તા છે આર્યાન અને પ્રકૃતિની. આર્યાન એક મોજીલો અને ખુશ મીજાજ છોકરો છે. એણે જીદંગી પાસેથી નાતો ક્યારેય કંઇ માંગ્યુ છે નાતો ક્યારેય કંઇ પણ ન મળવાની ફરિયાદ કરી છે. આર્યાન ભણવામાં ખુબજ હોંશીયાર હતો. તે તદ્દન સામાન્ય કુંટુંબ માંથી આવેલ હતો. તેના પિતા એક સામાન્ય શિક્ષક હતા. તે હંમેશા જીદંગીને ખુશીથી અને શાંતીથી જીવવામાં માનતો હતો. એની ઉંમર ૨૧ વર્ષની હતી પરંતુ જીદંગીએ તેને દરેક સારા-નરસા અનુભવો કરાવ્યા હતા. “

“એક દિવસ આર્યાન કોલેજમાંથી રજા પાડીને ઘરે બેઠો હતો. બપોરના ૪ વાગ્યા હતા. આર્યાને એક મહિના પહેલાજ ટાટા (tata) કંપનીનો મોબાઇલ ફોન વસાવ્યો હતો. એ વખતે આખા ગુજરાત માં કોઇ પણ ટાટા ના મોબાઇલથી બીજા ટાટાનામોબાઇલ પર વાત મફતમાં થતી હતી. આર્યાન       સેક્ટર-૨૩, ઘ-૬ માં એક રૂમ રાખીને તેના બીજા બે મિત્રો ચિરાગ અને અંકુર સાથે રહેતો હતો. આજે કોલેજમાં રજા પાડીને એના રૂમની પાછળ આવેલી બાલ્કનીમાં ખુરશી નાખી અને પાળી પર પગ ચઢાવીને ગીતો સાંભળતો હોય છે. એટલામાં ફોન આવે છે. મોબાઇલ સ્ક્રીન પર નામ આવે છે ” અનીતા “. આર્યાન અને અનીતા મિત્રો છે અને તે આર્યાનની સ્કૂલના સમયની મિત્ર સ્નેહલની નાની બહેન હતી. આર્યાન અને સ્નેહલ ૮ વર્ષોથી મિત્રો હતા. એ બંન્ને જણા અને ત્રિપુટીનો ત્રીજો સભ્ય ઉત્સવ. અનીતા એ પણ tata નો મોબાઇલ લિધા પછી આર્યાન જોડે વાતો કરવાનો સિલસલો ચાલુ કર્યો હતો. આર્યાનને તો આમ પણ સ્નેહલ જોડેજ વાત કરવાનું ગમતું હતું છતાંય અનીતા સ્નેહલની નાની બહેન હોવાથી એ ફોન આવે તો થોડી-ઘણી વાતો કરી લેતો. આર્યાન ફોન ઉપાડે છે અને કહે છે

” બોલો અનીતા મેડમ, આજે કેમ અમને યાદ કર્યા?”

અનીતા કહે છે   ” આર્યાન શું કરે છે તું? હું તો મજામાં પણ પરીક્ષાઓની તૈયારી કરૂં છું. “

આળસ ખાતા-ખાતા આર્યાન બોલ્યો ” હું તો આ જો કોલેજમાં રજા પાડીને ઘરે મસ્તીથી આરામ ફરમાવતા ગીતો સાંભળું છું. હું અને કિશોરના ગીતોની બહાર , સમજી?

અનીતા આર્યાનની આ વાત સાંભળીને હસી પડે છે

” હા! હા! હા! તું ક્યારેય નહીં સુધરે. હવે સાંભળ હું અને મારી બીજી ફ્રેન્ડ્ઝ (બહેનપણીઓ) એક જણના ત્યાં ભણવા ભેગા થયા છીએ. પણ મારી એક ફ્રેન્ડને પરીક્ષા નથી એટલે એ કંટાળી રહી  છે. એટલે તને ફોન કર્યો છે કે જો તું નવરો (ફ્રી) હોય તો તારી થોડી વાર એની જોડે વાતો કર. એનાથી એનેય કંટાળો નહીં આવે અને તને તો નવી ફ્રેન્ડ મળશે. ” અને પાછળથી બીજી છોકરીઓનો હસવાનો અવાજ આવે છે.

આર્યાન એના દરેક મિત્ર વર્તુળમાં બહુજ પ્રતિભાશાળી હતો જો અંગ્રેજીમાં કહીએ તો cool dude અને flirty હતો. એની એક કુદરતી તકલીફ હતી કે એના મિત્ર વર્તુળમાં છોકરા કરતા છોકરીઓ વધારે હતી.  પણ હા આજ સુધી કોઇ પણ આર્યાન અને ઉત્સવ વચ્ચે આવી શેકલ નહી. આર્યાન પાણી પીતા-પીતા કહે છે

” ઑ.કે. મને તો કોઇ વાંધો નથી જો એને વાંધોના હોય તો. પણ નામ તો કહે મને “

ત્યાંજ બીજી બાજુંથી એક ખચકાટ ભર્યો અને બહુજ કોમળ અવાજ આવ્યો ” પ્રકૃતિ !!! પ્રકૃતિ પટેલ.  કેમ છે આર્યાન?”

આર્યાન મસ્તી થી કહે છે ” હું તો મસ્ત છું તમે કેમ છો મીસ્-પટેલ?” અને પ્રકૃતિ જોડે આગળ વાત વધારે છે.

એ દિવસે આર્યાન અને પ્રકૃતિ દોઢ-બે કલાક વાતો કરે છે અને બંન્ને થાકતા જ નથી.  આર્યાને આટલી લાંબી વાત ક્યારેય કોઇ જોડે નહીં કરી હોય અને નાતો પ્રકૃતિએ. ભલે આર્યાન હતો flirty સ્વાભાવનો પરંતુ ૧૫-૨૦ મિનિટથી વધારે તો ક્યારેય કોઇ જોડે વાત નહીં કરી હોય. પણ એ દિવસે ખબર નહીં બંન્ને જણા એ દિવસે વાતો કરતા થાક્યા જ નહીં. અંતે અનીતાને ઘરે જવાનું થયું ત્યારે એનો ફોન હોવાથી પ્રકૃતિએ ફોન મુકવો પડ્યો. તો આવી રીતે બંન્નેની પ્રથમ મુલાકાત તો નહીં પણ પ્રથમ વાત થઇ હતી.

ત્યાર બાદ એ વાતો નો સીલસીલો ચાલુ થઇ ગયો. જ્યારે પણ અનીતા જોડે હોય પ્રકૃતિ ત્યારે હંમેશા ખાલી ફોન પર આર્યાન જોડે જ વાતો કરતી રહેતી હતી. આમ ધીમે-ધીમે બંન્ને જણા ઘણા સારા મિત્રો બની ગયા હતા. ધીમે-ધીમે એવું થવા માંડ્યું કે બંન્ને દિવસમાં એકબીજા જોડે એક વાર વાતો ના કરે તો ચાલતું નહીં. એક થી દોઢ મહીનો જતો રહ્યો પણ બંન્ને રૂબરૂ મળ્યા નહોતા. અને એટલે જ એકબીજા ના દેખાવ વિશે બંન્ને એ ઘણી માન્યાતાઓ ખ્યાલોમાં બાંધેલી. બંન્નેની પ્રથમ મુલાકાત ધૂળેટીના દિવસે ઉત્સવના ઘરે થયેલી. એ દિવસે આર્યાન ખૂબજ હતાશ અને દુઃખી હતો. ૧-૨ દિવસ પહેલાજ એની “ગૅટ”ની પરીક્ષાનું પરીણામ આવ્યું હતું. જેમાં એ પાસ થઈ શકેલ નહીં જેથી એને હવે એમ.ફાર્મ.માં  એડમીશન મળી શકે એમ હતું નહીં. ધૂળેટી એનો સૌથી ગમતો તહેવાર હોવા છંતા આજે એ સવારનૉ ઉત્સવના ઘરે  બેઠો હતો અને આજે એને રમવાની ઇચ્છા ન હતી. બધા નીચે રંગો અને પાણીથી તરબોળ થતા હતા અને આર્યાન ત્રીજા માળે બાલ્કનીમાં બેઠો બેઠો ક્યાંક ખોવાઇને બેઠેલો હતો.

એટલા માંજ પ્રકૃતિનો ફોન આવે છે ” આર્યાન ક્યાં છે?”

આર્યાન ધીમા અને ઉદાસ  અવાજે પ્રત્યુત્તર આપે છે ” હું ઉત્સવના ઘરે છું”

પ્રકૃતિ ઉતાવળમાં કહે છે કે ” મારે આજે તને મળવું  છે. હું થોડી વારમાં આવું છું ત્યાં તને મળવા” અને ફોન મુકી દે છે.

આર્યાનનું મન હવે વિચારે ચડે છે કે પ્રકૃતિ કેવી લાગતી હશે. અને એને આવી હાલતમાં જોશે તો શું થશે? આર્યાને બાવા જેટલી દાઢી વધારી હતી અને કપડા ના પણ ઠેકાણા નહોતા. પણ પ્રકૃતિને મળવાની ઇચ્છા રોકી ના શક્યો અને પ્રકૃતિને ના પણ ના પાડી શક્યો મળવાની. એટલા માંજ ૧૫-૨૦ મિનિટમાં તો પ્રકૃતિનો ફોન આવે છે અને કહે છે

” આર્યાન જલ્દી નીચે આવ હું નીચે આવી ગઇ છું”

આર્યાન અને ઉત્સવ નીચે ઉતરતા-ઉતરતા આવતા હોય છે ત્યાંજ આર્યાનની નજર દૂર એક એક્ટીવા લઇને ઉભેલી છોકરી પર પડી.

છોકરી નમણી અને સાદા દેખાવ વાળી હતી. પ્રથમ નજરે જોતા કંઇ ખાસ આકર્ષીત વ્યક્તિત્વ આર્યાનને લાગ્યું નહીં. આર્યાનની ધારણા કરતા પ્રકૃતિ તદ્દન અલગ હતીં. સાદો ચહેરો , વાંકડીયા ખભા સુધીના વાળ ઘંઉવર્ણો વાન તથા પાતળૉ બાંધો. આર્યાન મનમાં થોડોક તો ખચકાયો

” આ છે પ્રકૃતિ?????”

બીજી બાજું પ્રકૃતિની ધારણા કરતા આર્યાન પણ તદ્દન અલગ હતો. આર્યાનનું શરીર થોડું વધી ગયું હતું અને પેટ થોડું બહાર આવતું હતું. ઉપરાંત સાદા અને લઘર-વધર વેશમાં જ હતોં. પ્રકૃતિને જ્યારે ખબર પડી કે આ બંન્ને છોકરાઓ માંથી એજ આર્યાન છે ત્યારે એને થયું કે

” આ આર્યાન?????   આતો “કાકા” જેવો લાગે છે “ અને એની ધારણાઓના પંખીઓ મનના માળામાંથી તરત જ ઉડી ગયા

બંન્નેની આટલા દિવસો સુધીની ધારણાઓ પાણીમાં ગઇ અને એકબીજાને મળવાનું જે ગાંડપણ હતું એ એકજ પળમાં શમી ગયું. ત્યાર બાદ બંન્ને મળ્યા. આર્યાન પ્રકૃતિના કહેવા પર ધૂળેટી રમ્યો. થોડીવારમાં  પ્રકૃતિને કુટુંબના બીજા સભ્યો જોડે બહાર જવાનું હોવાથી એ ત્યાંથી જતી રહી. પણ એ મુલાકાત પછી આર્યાન અને પ્રકૃતિ ને એવું થયું કે હવે વાત થાય તો ઠીક છે નહીંતર કંઇ નહીં. પણ એમ-નેમ ૨ દિવસ ગયા પણ બંન્નેથી રેહવાયું નહીં અને બંન્નેની ફોન અને મેસેજ દ્વારા વાતો પાછી ચાલું થઇ.  ખબર નહીં શું પણ બંન્ને જણા વાતો કરતા તો ક્યારેય ખૂટતીજ નહીં અને પાછો એજ સીલસીલો ચાલું થયો જે પહેલા જેવો હતો. હવે બીજી બાંજુ અનીતાને ઇર્ષા થવા માંડી અને એણે પ્રકૃતિ અને આર્યાનના કાન ભરવાનું ચાલું કર્યું અને ઝઘડા કરાવ્યા. અને પરીણામે બંન્ને વચ્ચેનો વાતોનો એ દોર બંધ થયો. ૨-૩ મહિના આમજ વિતી ગયા અને આર્યાનનું ભણવાનું પત્યું.

આર્યાન અમદાવાદ ઘરે બેઠો હતો અને એક બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને આર્યાન થોડોક ખચકાતા ઉપાડે છે અને ત્યાંજ બીજી બાજુથી કોઇક છોકરીનો ખચકાતો અવાજ આવે છે

” આર્યાન કેમ છે? હું પૂજા બોલું છું, પ્રકૃતિની ખાસ મિત્ર.”

આર્યાન પેહલા થોડૉ આશ્ચર્યમાં પડે છે એ એને શું કામ પડ્યું પણ છેવટે પૂછે છે

” શું કામ પડ્યું મારૂં આજે? કેમની આ નકામા માણસની આજે યાદ આવી? “

પૂજા થૉડું અચકાતા બોલે છે “આર્યાન પ્રકૃતિનો કોઇ વાંક નથી”

અને ધીમે-ધીમે આર્યાનને સમજાવે છે કે કેવી રીતે અનીતાએ રમત રમીને બંન્નેને અલગ કર્યા અને એમની આટલી સારી મિત્રતામાં ભંગાણ કર્યું.

આર્યાન કંઇક વિચારીને કહે છે       ” પૂજા મારે પ્રકૃતિ જોડે વાત કરવી છે. મારે કંઇક પૂછવું છે “

પૂજા થોડી ખચકાઈ અને વિચારતા બોલી   ” હું કહિશ એને આર્યાન અને એ તને જરૂર ફોન કરશે બસ તું ગુસ્સેના થતો એ ગભરાય છે તારાથી”

પણ એના અધૂરા વાક્યમાં જ આર્યાન બોલ્યો ” પૂજા તું કહે કે ના કહે મને ખબર છે કે પ્રકૃતિ તારી બાજું માં જ બેઠી છે અને ક્યારની આપણી વાતો સાંભળે છે”

પૂજા થોડી હેતબાઇ ગઇ અને પ્રકૃતિને ફોન આપે છે. પ્રકૃતિ થોડી ખુશી અને થોડી ગભરામણમાં ફોન લે છે અને આર્યાનને કહે છે

” sorry આર્યાન, મેં ખોટો અનીતા પર વિશ્વાસ કર્યો અને તને ના કહેવાનું કીધું. please i am extremely sorry.”

આર્યાન ઊંડો શ્વાસ લેછે અને પૂછે છે   ” તે મને ક્યારેય કેમના પૂછ્યું? આપણી મિત્રતા પર આટલોજ વિશ્વાસ ખાલી? “

અને પાછો ગુસ્સો કરે છે અને ના બોલવાનું બોલે છે. પ્રકૃતિ રોવા મંડે છે અને ફોન મૂકી દે છે. પાછા ૧-૨ મહિના જતા રહે છે એમ-ને-એમ. આર્યાન usa આવવાની તૈયારી કરવામાં પડી જાય છે. એક દિવસ સાંજે પ્રકૃતિનો sms આવે છે

” do you remember me?” આર્યાન ખુબજ શાંત અને ઠંડા મને પ્રકૃતિને ફોન કરે છે

” sorry dear, i am really sorry . મારે આમ વારે ધડિયે તારા પર ગુસ્સે થવા જેવું નહોતું.  sorry for hurting you. “

એ દિવસે સાંજે અનીતાએ બંન્ને જણાને એકબીજા વિષે કેવી ખોટી વાતો કહીને ચડાવ્યા હતા એની ચર્ચાઓ થઈ અને ખુલાસા કર્યા અને                             ઘણાદિવસો પછી૨/૩ કલાક વાતો કરી. એ દિવસે બંન્નેના મનને એક અજબની શાંતી થઈ અને ખુબજ ખુશીથી વાતો કરી. એ પછી  રોજની જેમ વાતો થવા માંડી અને આર્યાન અને પ્રકૃતિ  દરેક વાત એકબીજાને કહેવા લાગ્યા.  આર્યાન પ્રકૃતિને બહુજ સરસ મિત્ર માનતો હતો પરંતુ પ્રકૃતિનું વર્તન ધીમે-ધીમે બદલાવા માંડ્યું.  આર્યાનને લાગ્યું કે પ્રકૃતિ મિત્રતાથી કંઇક આગળ વધી રહી છે. આર્યાનની જીદંગીમાં આ પહેલા પણ આવું ૫/૬ વાર બનેલું હતું કે સારી મિત્રતા પછી સામેના પાત્રએ જીદંગીભર સાથી બનવાની તૈયારી બતાવી હોય.  પરંતુ આર્યાન દર વખતે ના પાડતો અને મિત્રતાને મિત્રતાના માપમાં જ રાખતો.  પણ આજે પ્રથમ વાર એજ ઘટના જ્યારે પ્રકૃતિ સાથે થઈ રહી છે તો ના જાણે કેમ એને ગમ્યું. એણે આ વાત ઉત્સવ અને એની ગર્લફ્રેન્ડને કિધી કે પહેલીવાર આવું અજુગતો અનુભવ થાય છે

અને બંન્ને જણા ખુશ થઈને કહેતા કે ” Mr. Aaryan , you are in love “. પણ આર્યાન એ વાતને નકારતો.

ધીમે-ધીમે એને પ્રકૃતિમાં બધું ગમવા માંડ્યું. એનો અવાજ, એની આંખો , એની માસુમ હંસી ,              એની મસ્તીભરી આંખોની ચંચળતા…….. બધુંજ. ધીમેધીમે એણે પોતાની બોલવાની કળાથી પ્રકૃતિની આસપાસ લાગણીનું એવું વાતાવરણ ઉભું કર્યું કે

એક દિવસ પ્રકૃતિએ ના છુટકે આર્યાનને પુછ્યું   ” Aaryan i love you… Do you love me? “.

સંજના ફટાક દઈને બાંકડા ઉપરથી ઊભી થઈને કહે છે   ” રાજ WOW!!!! યાર great . આર્યાને તો ફટાફટ હા જ પાડી દીધી હશે નહીં? “ રાજ હસે છે અને કહે છે       ” ના એવું કંઈ જ ન બન્યું. ઉલટું આર્યાને એ વખતે કોઇ જ જવાબ ના આપ્યો “

આર્યાન થોડો સ્તબ્ધ થઈ ગયો કારણકે એણે આટલું જલ્દી પ્રકૃતિ પૂછશે એવું સ્પનેય નોતું ધાર્યું.

એણે પ્રકૃતિને હા ન પાડતા કહ્યું કે

” આપણે એક દિવસ રૂબરૂ મળીએ અને મારે તને ઘણું બધું કહેવું છે પછી નિર્ણય લઈએ તો કેવું રહે ? પ્રકૃતિ થોડી દુઃખી થઈ અને નિરાશ મને હા પાડી અને બંન્ને જણાએ  ૧૫-ઓગસ્ટ ના મળવાનું નક્કી કર્યું.  આર્યાનના મનમાં ઘણા એવા કારણો હતા કે જેનાથી એણે આ પહેલા  પણ બધાને ના પાડી હતી.

અને એ કારણો આ વખતે પણ એને રોકતા હતાં. પણ આ વખતે દર વખતની જેમ સીધી ના ન પાડી

અને નક્કી કર્યું કે પ્રકૃતિને એ બધું જણાવશે અને પછી પ્રકૃતિ જે નિર્ણય લે એ અંતિમ રહેશે.

૧૫-ઓગસ્ટની સવારે ૧૧ વાગે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ધનંજય ટાવર પાસે આવેલા

CCD (cafe coffe day) માં મળવાનું નક્કી થયું હતું.  આર્યાન ત્યાં પહોંચે છે ત્યારે પ્રકૃતિ પહેલેથીજ આવીને બેઠી હોય છે. આર્યાન એને દુરથી જ જોવે છે  અને એની માસુમ હંસી અને પ્રેમાળ આંખો જોઇને મનમાં ડર લાગે છે કે એ જે આજે કહેવાનો છે એના પછી જો પ્રકૃતિ જો ના પાડશે તો?

આર્યાન એની સામે જઈને બેસે છે. પ્રકૃતિ હળવેકથી સુંદર સ્મીત આપીને આર્યાનને એની બાજુંમા આવીને બેસવાનું કહે છે.  આર્યાન જીદંગીમાં ઘણી છોકરીઓ સાથે ફર્યો છે પણ આજે જેવો ખચકાટ એ જે અનુભવે છે એવો એણે ક્યારેય નથી અનુભવ્યો.

આજે પ્રકૃતિ ખાલી એની બાજુંમા બેસવા બોલાવતી હોવા છતાં એના હદયના ધબકારાની ગતી અચાનક વધવા માંડે છે.  છતાંય એ ઊભો થાય છે અને પ્રકૃતિની બાજુંમા જઈને બેસે છે. પ્રકૃતિનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં લે છે

અને હદયની ગતીના આવેગો ખુબજ વધી જાય છે. અને બીજી જ પળે પ્રકૃતિ એનો બીજો હાથ એ બંન્ને હાથ ઉપર મુકે છે અને શાંતીથી પંપાળે છે  ત્યારે લાગણીના દરેક તરંગો અને હદયની ગતી શાંત પડતી જણાય છે. અને આર્યાન એની જીદંગીમાં આવી અનંત લાગણીનો  અનુભવ પ્રથમ વાર કરે છે જે કદાચ સૌથી સારો હતો. પ્રકૃતિ પ્રેમથી આર્યાનની આંખોમાં આંખ નાખી અને ખુબજ પ્રેમાળ સ્મીત આપતા પૂછે છે ” બોલ આર્યાન, શું કહેવું છે? જે પણ મનમાં હોય એ ખચકાયા વગર કહીદે આજે અને પૂછીલે. સહેજ પણ ગભરાવાની જરૂર નથી”

આર્યાનમાં આ જોઇને હિંમત આવે છે. પ્રકૃતિના બંન્ને હાથને પોતાન હાથમાં લેતા વાત ચાલું કરે છે ” પ્રકૃતિ તું મને પણ ગમે છે. જીદંગીમાં પ્રથમવાર હું કોઇ છોકરીને ના પાડવાનું કોઇજ કારણ શોધી શક્યો નથી.  અને એટલેજ આજે તને મારી જીદંગીની દરેક એ હકિકત કહેવા માંગું છું જે તારે જાણવી જરૂરી છે અને જે મેં આજ સુધી કોઇને ક્યારેય  કહી નથી.  એ પછી નિર્ણય તારો જ હશે. મારી તો હા જ છે પણ મને એ ડર છે કે આ સાંભળ્યા પછી તારો નિર્ણય બદલાઈ શકે છે.  પણ હું તને છેતરવા નથી માંગતો એટલે કહું છું”

આર્યાન એ પછી એની જીદંગીની અતિથી ઇતી સુધી કહિ સંભળાવે છે. આર્યાન આ બધી વાતો એટલે કહેતો હતોકારણકે   એ પ્રકૃતિને એની જીદંગી કેટલી અલગ છે, આર્યાન જે દેખાતો હોય છે એ નથી, એની જીદંગીની હકિકતો, જવાબદારીઓ,  ગંભીરતા અને સમસ્યાઓ કે જેનાથી આર્યાન આજ હસતા અને મસ્તીવાળા ચહેરા સાથે ૨૪ વર્ષથી લડે છે એનું ભાન કરાવા માંગતો હતો.

આર્યાન ૪-૫ કલાક આખી વાત કરે છે અને પ્રકૃતિને છેલ્લે કહે છે ” જો પ્રકૃતિ હું જીદંગીમાં એક જ વાર પ્રેમ કરી શકીશ એટલે તું જે પણ નિર્ણય લે એ વિચારીને લેજે.  આ બધું તને એટલે કહ્યું કે પાછળથી તને ક્યાંક બહારથી ખબર પડે અને તને એવું ના લાગે કે મેં તને છેતરી.  હું એક પારદર્શી કાચ જેવો જીદંગીભરનો પ્રેમાળ સંબંધ ઈચ્છું છું. તારી હા હશેતો મારા જેટલો ખુશ વ્યક્તિ દુનિયામાં  કોઇ નહીં હોય. અને ક્યાંય પણ ખચકાટ હોય તો પ્રેમથીના પાડજે એનાથી આપણી મિત્રતાને કંઇ નહિં થાય.  આર્યાન મિત્ર હોવા છતાં પણ તારી જોડે દરેક પરિસ્થીઓમાં તારી જોડે તને સાથ આપવા માટૅ તારી બાજું માં જ હશે.”

પ્રકૃતિ શાંતીથી આર્યાન સામે જોવે છે. ખુબજ ખુશ , આંખોમાં લાગણી અને વિશ્વાસ સાથે આર્યાનને કહે છે ” હું તૈયાર છું અને તું મારી જોડે હોઇશ તો દુનિયામાં જીદંગીના કોઇ પણ તોફાનમાં તારો સાથ આપીશ.  તે મને ન છેતરીને પ્રામાણિક પણે આજે જે દરેક હકિકત કહી દિધી જેનાથી હું ૧% પણ વાકેફ નહોતી  એનાથી તારા પરનો વિશ્વાસ ને તારા માટેનો પ્રેમ ખુબજ વધ્યો છે અને I love you so much. ”

અને આર્યાનના આંખોમાં ખુશીના પાણી દેખાઇ આવે છે . આમ ચાલુ થાય છે પ્રેમની અનંત દુનિયાની શરૂઆતની.

રાજ સંજનાને કહે છે બસ thats the end.  સ્ંજના ખુબજ ઢીલી થઈ ગઈ હોય છે અને કહે છે ” રાજ આ કેટલો સરસ પ્રેમ, નાતો દેખાવ પર આધારીત, નાતો કોઇ બંધિશ. ખાલી પવિત્ર અનંત પ્રેમ.” આર્યાન આકાશ સામે જોઇને ક્યાંક ખોવાઈ ગયો હતો અને ખાલી ભારે સ્વરે એટલું જ કહે છે

“હા. ખાલી પવિત્ર અનંત પ્રેમ . લાગણીઓના દરિયામાં ખાલી એક વિશ્વાસના સઢે ચાલતી પ્રેમની નાવડીના એ બે જ મુસાફરો હતા. “

સંજના રાજ સામે જોઇને પૂછે છે    “રાજ સાચું બોલતો એ પછી શું થયું?” ખુલ્લા આકાશના વાદળોમાં ખોવાયેલા ચંદ્રમાની કળા પરથી આંખો હટાવીરાજ સંજનાની સામે જોવે છે  ત્યારે સંજનાને આર્યાનની આંસુઓમાં ડૂબેલી આંખો દેખાય છે.  સંજનાની સામે એકિટ્શે જોવે છે અને આંખમાંથી આંસુના વહેણ લાગણીની ધારા સમાન નીકળતા હોય છે અને                                  સંજનાને એ પોતાનું state id card હાથમાં આપે છે એમાં નામ લખ્યું હોય છે ” Mr. Aaryaan Raj “ અને સંજના સ્તબ્ધ થઈ જાય છે અને રાજની સામે જોવે છે એજ વખતે આર્યાનના ફોનની રીંગ વાગે છે અને આર્યાન ફોન ઉપાડતા બોલે છે

” હા પ્રકૃતિ બોલ…..હા હું આવતા અઠવાડિયે આવું જ છું…….”

અને ફોન પર વાતો કરતો-કરતો દૂર ચાલતો જાય છે. સંજના હજી પણ સ્તબધતા સાથે મૂર્તીની જેમ આર્યાનને  જોતી બેઠી હોય છે અને એની આંખોમાંથી હડ્સનના નીરની જેમ શાંત પ્રવાહે આંસુના વહેણની ધારા ચાલું હોય છે.

મે 5, 2009 Posted by | વાર્તા | , , , | 10 ટિપ્પણીઓ