” એટ્લાન્ટીકની સફરે ” – અનાયાસ ઝીંઝુવાડિયા

અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર આખું પરસેવે રેબઝેબ હોય છે. બાજુમાં જુએ છે તો પ્રિયાનો હસતો ચહેરો ગાડી ચલાવતો દેખાય છે. સામે જ ગાડીમાં ઉપરની બાજુએ રહેલા નાના કાચમાં પોતાનો ભયભીત ચહેરો અને આંખો જુએ છે. મોઢા પરથી પરસેવો લૂછતા હળવેકથી પ્રિયાને પૂછે છે :
‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?’
પ્રિયાને થોડો ઝાટકો લાગે છે પણ ગાડી ચલાવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને કહે છે :
‘આર્યાન !! કેમ આમ પૂછે છે ? આપણે એટ્લાન્ટીક સીટી જઈ રહ્યા છીએ. કોઈક સપનામાં ખોવાઇ ગયો કે શું ?’ પણ એના આ વાક્યો પૂરા થતાં સુધીમાં એને આર્યાનની આંખોમાં રહેલો ભય સ્પષ્ટ રીતે દેખાઈ ગયો હોય છે.
‘કંઈ નહીં.’ આર્યાન કહે છે.
પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે, ‘સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે.’ આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં-જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે. પ્રિયા ‘ગાર્ડન સ્ટેટ પાર્ક-વે’ ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે. એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં જ આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે. પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે. એ રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે. પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે. એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે :
‘શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ?’
આર્યાન પાણીની બોટલ લઈને ગાડીમાંથી બહાર નીકળે છે અને મોઢું ધોવે છે. પ્રિયા પણ ગાડીમાંથી બહાર નીકળી રૂમાલથી એનો ચહેરો લૂછી આપે છે. પ્રિયા એને સીટ પર બેસાડે છે અને પાછી ગાડી ચાલુ કરે છે. આર્યાન સ્તબ્ધ બની ગયો છે. ….એને આંખ સામે હજુ પણ એ ખડખડાટ હસતા ધૂંધળા ચહેરા દેખાય છે જેમાં એક ચહેરો એનો પોતાનો પણ હોય છે. ત્યાં જ અચાનક એક ચીસ સંભળાય છે અને પછી છેલ્લે ખાલી એટલું જ દેખાય છે કે એ જમીન પર પડ્યો છે અને મોઢામાંથી તથા માથામાંથી લોહીની ધારા વહે છે. એની આંખોથી લોહીના ખાબોચીયામાં પડેલા એ જ બધા હસતા ચહેરાઓને અત્યારે લોહીમાં લથપથ પડેલા તે જોઈ રહ્યો છે અને એ ધૂંધળા દ્રશ્યમાં એની આંખો બંધ થઈ જાય છે…..’
એટલામાં જ પ્રિયા ‘તાજમહાલ કસીનો’ના પાર્કીંગમાં ગાડીને પાર્ક કરે છે. અંદર જતાં જતાં એ આર્યાનને કહે છે, ‘હવે મૂડમાં આવી જા. એ લોકો તને ત્રણ વર્ષથી મળવા માંગે છે તો છેક આજે મેળ પડ્યો છે. તને એમને મળીને બહુ જ મજા આવશે.’
આર્યાન કહે છે : ‘હા પ્રિયા, તું કેમ ચિંતા કરે છે ? પણ હા, ન તો મેં એમને ક્યારેય જોયા છે, ન તો એમના નામ કે કોઇ જ બાબતની મને ખબર છે !’ પ્રિયા આર્યાનના હાથમાં હાથ નાખી હળવેકથી હસતાં બોલે છે, ‘અરે કંઈ જ વાંધો નહીં, હમણાં અંદર જઈને પરીચય કરવાનો જ છે ને.’ અને બંન્ને આમ જ વાતો કરતાં કરતાં કસીનોના દરવાજામાં પ્રવેશ કરે છે. એ દુનિયા જ કંઈક અલગ છે. ચારેય બાજુ રોનક જ રોનક ! કોઈક હસતું તો કોઈક રોતું તો કોઈક ગંભીર. અહીં તમને જીદંગીમાં કુદરતે મનુષ્યમાં મૂકેલા બધા ભાવ જોવા મળી જાય. લોકો જીદંગીના જુગારની બાજી જીતવા નસીબને જુગાર પર લગાવા અહીં આવે છે. જેમાંથી દરરોજ કેટલાય લોકો નસીબના એ દાવ જીતતા હોય છે તો કેટલાક હારતા હોય છે. જેમ જેમ આર્યાન અને પ્રિયા અંદર ચાલતા જાય છે ત્યાં જ આર્યાનને પાછા પેલા કાલ્પનિક આછા-ધૂંધળા ચહેરા દેખાય છે કે જેમાં આવા જ એક કસીનોમાં એ જ ચહેરા એક ટેબલને ફરતે બેઠા છે એમાંનો એક ચહેરો તો એને સ્પષ્ટ દેખાય છે જે એનો હોય છે અને હાથમાં બિયર હોય છે તથા બધાં હસતા હોય છે.
આર્યાન વિચારોમાં જ ચાલતા ચાલતા અચાનક ઊભો રહી ગયો છે જેનું એને પોતાને કે પ્રિયાને ધ્યાન રહેતું નથી અને પ્રિયા આગળ નીકળી જાય છે. હજી આર્યાન કંઈક સમજી શકે તે પહેલા એને બૂમ સંભળાય છે, ‘આર્યાન….. !!!!’ આર્યાન સ્તબ્ધાવસ્થામાંથી બહાર આવે છે અને જે દિશામાંથી પ્રિયાની બૂમ સંભળાય છે એ જ દિશામાં ચાલ્યો જાય છે. કસીનોની વચ્ચોવચ્ચ એક બાર છે જેનો એક ખૂણો અંધકારમય છે અને ત્યાં આરામથી બેસવાની વ્યવસ્થા છે. આર્યાન પ્રિયા પાસે પહોંચે છે. પ્રિયા એને આગળ દસ-બાર લોકો બેઠા છે ત્યાં લઈ જાય છે. ત્યાં અંધારાના કારણે દૂરથી કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા, પણ જેવા નજીક જાય છે કે તરત પ્રિયા કહે છે :
‘મિત્રો ! આ છે મારા પતિ…. આર્યાન’
જેવો પહેલો બેઠેલો માણસ આર્યાન જોડે હાથ મેળવવા ઊભો થાય છે ત્યાં જ ‘બાર-કાઉન્ટર’ પરથી આવી રહેલા આછા પ્રકાશમાં એનો ચહેરો આર્યાનને દેખાય છે અને આર્યાન સ્તબ્ધ થઈ જાય છે. આર્યાન જેવો હાથ મેળવવા આગળ કરે છે ત્યાં જ સામેની વ્યક્તિ પૂછે છે :
‘કેમ છે આર્યાન ? મારું નામ…..’
‘સપન….. સપન શાહ….’ હજુ એ કંઈ બોલે એ પહેલા જ આર્યાન બોલી ઊઠે છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ? એ પછી આર્યાન બધા જોડે હાથ મેળવે છે અને બધાના નામ બોલતો જાય છે : ‘આકાશ… આકાશ દોશી, મિહિર દરજી , પંકિત….પંકિત સુતરીયા , જીમીલ દેસાઈ, જયેશ…. જયેશ પટેલ, તેજસ……તેજસ શાહ’
આર્યાન એક અજીબ આશ્ચર્યથી બધા સામે જોઈ રહ્યો છે તથા પ્રિયા અને એના મિત્રો આર્યાન સામે એટલા જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આર્યાન છેલ્લે બોલે છે : ‘હું ક્યાંકને ક્યાંક તમને લોકોને મળી ચૂક્યો છું…’ કોઈને કંઈજ ખબર નથી પડતી કે શું પુછવું કે શું કહેવું ? પ્રિયા આર્યાનને લઈને વચ્ચેના સોફા પર બેસી જાય છે. કદાચ પ્રિયા જેટલો આધાત કોઇને નહીં લાગ્યો હોય. એટલામાં જ આ સ્તબ્ધતા અને આશ્ચર્યભર્યા વાતાવરણને તોડવા સપન હસતાં-હસતાં મજાકમાં કહે છે : ‘વાહ પ્રિયા વાહ !! તેં તો અમારી બહુ જ વાતો કરી લાગે છે કે આર્યાન પહેલીવાર મળતો હોવા છતાં અમને નામ સાથે ઓળખી ગયો !’ પ્રિયા સપનની વાતને આધાર આપતું સ્મિત ચહેરા પર આપે છે કે જેથી બધા હસવા માંડે છે અને વાતાવરણ થોડું હળવું થાય છે પણ પ્રિયાને અંદરથી હજી એ જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે આર્યાન આ બધાને કેવી રીતે ઓળખે છે ?
બધા કેટલાય સમય પછી મળ્યા હોવાથી ખૂબ વાતો કરતા હોય છે જ્યારે આર્યાન હજુ પણ બધાને જોઈને આશ્ચર્યમાંથી બહાર નથી આવ્યો. એ ખાલી બધાની વાતોમાં સ્મિત આપીને ‘હા ! હા !’ કરતો રહેતો. પણ મનમાં એને પણ પ્રિયાની જેમ એજ પ્રશ્ન હેરાન કરતો હતો કે ન તો મને પ્રિયાએ એમનાં નામ કીધાં છે ન તો મને એમના ફોટા ક્યારેય બતાવ્યા છે, ન તો ક્યારેય એમના વિશે કોઈ વાત થઈ છે, તો પછી મને એમના નામ આવડ્યા ક્યાંથી ? એટલામાં સપન બોલે છે :
‘ચાલો, આજે ત્રણ વર્ષે મળવાની ખુશીમાં તમને બધાને આપણા જૂના દિવસોની એક વાત યાદ કરાવું. ખાસ કરીને આર્યાન-પ્રિયા અને બાકીના અમારા સાતની પત્નીઓને તો આ વાત ખબર નહીં જ હોય. આ વાત છે મારી, એટલે કે અમારા આઠ જણાની. અમે સાત અને એક આઠમો જેનું નામ છે બડ્ડી (buddy).’ બધા હાથમાં ગ્લાસ લઈને વાર્તા સાંભળવા ગોઠવાઈ જાય છે. સપન આગળ બોલે છે : ‘આ વાત છે આપણા આઠ મિત્રોની કે જે ભારતથી જોડે આવ્યા હતા, રહ્યા’તા જોડે, હસ્યા’તા જોડે અને રોયા’તા પણ જોડે !’ સપન ત્યાં બેઠેલા બાકીના છ મિત્રોને સંબોધીને કહે છે : ‘મિત્રો, જો તમને યાદ હોય તો આ વાત છે એ દિવસની જ્યારે આપણે બધા રાત્રે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા. જી હાં, આ વાત છે આપણી એટ્લાન્ટીક સીટીની સફરની… એ દિવસે સાંજે બડ્ડી , પંકિત અને તેજસ જર્સી સીટીની ઈન્ડિયન સ્ટ્રીટ પર ‘બંગાળી’ નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હતાં. રાતના સાડા નવ થયા હતા. હું, આકાશ, જીમીલ અને જયેશ સીધા નોકરીએથી ત્યાં આવ્યા હતા….’
બધા ધ્યાનમગ્ન થઈને યાદો વાગોળવામાં મશગૂલ થઇ રહ્યાં હતાં જ્યારે બીજી બાજુ આર્યાન એકીટશે વાત સાંભળતા સપન સામે જ જોઇ રહ્યો હતો. સપન વાતને આગળ વધારતા કહે છે, ‘એ રાતે જમવાનું પતાવતા આપણને અગિયાર વાગ્યા હતા. બધા જમીને જેવા રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા, એવો જ બડ્ડી બોલ્યો હતો કે કાલે તો બધાને રજા છે ને તો આજે એટલે કે અત્યારે જ એટ્લાન્ટીક સીટી જઈએ તો કેવું રહે ? બધાને તો જોઈતું હતું ને વૈદે કીધું જેવી સ્થિતિ હતી. થોડી જ વારમાં નક્કી થયું કે બધા એટ્લાન્ટીક સીટી જવા રવાના થશે.’ પંકિત હાથમાં રહેલા ગ્લાસમાંથી ચુસકી મારી બોલ્યો, ‘હા અને પછી આકાશ, જયેશ અને મિહિર નુવાર્ક-એરપોર્ટ પર ગાડી ભાડે લેવા ગયા અને આપણે બધા ઘરે ગયા હતા. રાતના બાર વાગ્યે ઘરે ગાડી આવી ગઈ અને શરૂઆત થઈ એ અદ્દભુત સફરેની…’
જીમીલ ત્યાંથી વાત આગળ વધારતા કહે છે : ‘એ દિવસે જયેશ ગાડી ચલાવતો હતો. સપન એની બાજુની સીટ પર બેઠો હતો. પાછળ આકાશ, તેજસ અને બડ્ડી. જ્યારે છેક પાછળ હું, મિહિર અને પંકિત બેઠા હતા. ‘બોલો અંબે માતની જય….’ ના નારાથી ગાડી ચાલુ થઈ અને જર્સી સીટીના સીપ એવન્યુથી રૂટ ૪૪૦ તથા રૂટ વન એન્ડ નાઈન પર થઈ પિસ્તાળીસ મીનીટમાં તો ગાર્ડન સ્ટેટ પાર્ક-વે પર પહોંચી ગઈ.’ મીહીર બે ઘૂંટ ભરતા બોલે છે, ‘મસ્ત ઠંડક ભરી એ રાત હતી. ધીમા ધીમા મસ્તી અને જોશ ભર્યા ગીતો વાગતાં હતાં. બધા જૂની-જૂની વાતો યાદ કરી એકબીજા જોડે મસ્તી કરતા હતા……’ પ્રિયા તથા બીજા બધાની પત્નીઓ આ વાતમાં ખૂબ જ રસ લઈને સાંભળી રહી હતી.
ત્યાં જ આર્યાન ગ્લાસમાંથી એક ઘૂંટ ભરીને બોલે છે : ‘બડ્ડી શાંતીથી બેઠો-બેઠો ગીત ગુણગુણાવતો હોય છે અને એટલામાં તેજસ અંતાક્ષરી ચાલુ કરે છે…..’ આર્યાનના મોઢે આ વાક્ય સાંભળતા ત્યાં બેઠેલા બાકીના બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાત તો સાત મિત્રો અને બડ્ડીની હતી, તો આર્યાનને ક્યાંથી ખબર પડી ? પ્રિયા તો આર્યાનને આઘાતથી જ જોઈ રહી હોય છે કારણકે પહેલા બધાનાં નામ અને હવે એમની વાર્તા ? આર્યાન વાતને આગળ વધારતાં કહે છે :
‘અંતાક્ષરી ચાલુ કર્યા પછી તો એક પછી એક અવ્વલ દરજ્જાના બાથરૂમ ગાયકોના બેસૂરા રાગોના અવાજ સૂમસામ ગાર્ડન સ્ટેટ પાર્ક-વેના સન્નાટામાં પ્રસરે છે. બધા એ રાતે એમની વિડમ્બણાઓ ભૂલાવી મદમસ્ત બનીને અલગ અલગ સૂરો આલાપવામાં મશગૂલ હતા. જયેશ પણ જુવાનીના જોશના મસ્તીભર્યા એ રંગમાં ગાડીને ૧૧૦ માઇલ/કલાકની ઝડપથી દોડાવતો હતો. આમ ને આમ મસ્તીભર્યા વાતાવરણમાં એકાદ કલાક બીજો નીકળી ગયો. કોઈકને નોકરીની ચિંતા તો કોઈકને અમેરીકામાં ટકી રેહવાની ચિંતા. પણ એ રાત જ અલગ હતી. બધા મિત્રો દુઃખના રંગો ભૂલાવી મસ્તી અને આનંદના મેધ-ધનુષમાં આનંદપૂર્વક મોજીલા બની નાચતા હતા. ધીમે ધીમે આ યૌવન રંગે રંગાયેલું વાતાવરણ શાંત પડ્યું અને ધીમે ધીમે બધાને ઊંઘ ચઢી. સપન આગળની સીટમાં જાગતો બેઠેલો અને બડ્ડી સન્નાટામાં કોઈક વિચારમાં ખોવાયેલો ઝડપના કાંટા સામે જોતો હતો જે ૧૦૦ માઇલ/કલાકની સ્પીડ નીચે ઉતરતો જ નથી ! થોડીવારમાં સપન પણ ઊંધી ગયો અને બડ્ડીની આંખો ક્યારે બંધ થઈ ગઈ એ એને પણ ખબર ન રહી. જયેશ એકલો ગીતો સાંભળતો મંઝીલ તરફ આગળ વધી રહ્યો હતો. બધા એમની કાલનું ભવિષ્ય કેવું હશે એના સપનાઓમાં ખોવાઈ ગયા હતા. ત્રીસેક માઈલનું અંતર કાપ્યું હશે ત્યાં જ ચીચીચી….ઈઈઈ…સસસસ…. એવો જોરથી ગાડીમાંથી અવાજ આવ્યો. બધા એકદમ ગભરાઈને બેબાકળા બનીને ઝબકીને જાગી ગયા. પરંતુ જેવી આંખો ખૂલી એવો જ જીવ જાણે તાળવે ચોંટી ગયો. સામે દેખાતા દ્રશ્ય પર કોઈ પણ આંખને વિશ્વાસ નથી આવતો. એમની આગળ માત્ર ૧૫૦ ફૂટ દૂર એક કાળા રંગની હોન્ડા-સીવીક એની આગળ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયેલી દેખાય છે અને એ કાળા રંગની ગાડીની પાછળ એમની ગાડી છે જે ફક્ત સો-એક ફૂટ જ દૂર છે. જયેશે બ્રેક મારી ત્યારે એ ૧૨૦ માઇલ/કલાકની ઝડપે ચાલી રહી હતી અને આટલી ઝડપે બ્રેક મારવાના કારણે ગાડી આખી રસ્તા પર ઘસડાતી અને લસરાતી એ કાળા રંગની ગાડી અને ટ્રક તરફ આગળ વધી રહી હતી. બધાની આંખો પહોળી અને મોઢાં ખુલ્લા રહી ગયા હતાં અને મૃત્યુ ખાલી સો ફૂટની દૂરી પર દેખાઈ રહ્યું હતું જે એમની તરફ સતત આગળ વધી રહ્યું હતું…’
‘સોનેરી કાલના સપનાના ઊગતા સૂરજને એ સોળ આંખો આથમતી જોઈ રહી હતી. મીહીર અને જીમીલ ભયના માર્યા સીટની પાછળ ભરાઈને મોઢું નીચે નાખીને બેસી ગયા હતા. તેજસ અને આકાશના મોઢામાંથી ‘જયેશશશઅઅઅ…..’નામની ચીસ નીકળી ગઈ હતી. સપન અને જયેશની આંખોમાં મૃત્યુની અણધારી પળ નજીક આવતી દેખાતી હતી. જ્યારે બડ્ડી તો સાવ સ્તબ્ધ થઈને જાણે સમય રોકાઈ ગયો હોય એમ એમની ગાડીને મૃત્યુની ખીણ તરફ ઘસડાતી જોઈ રહ્યો હતો. પણ અચાનક કોણ જાણે એ આઠમાંથી કોના નસીબની રેખાઓ કામ કરી ગઈ અને જયેશે દબાવેલી બ્રેકના પરીણામ રૂપે એમની ગાડી અકસ્માતવાળી ગાડીથી દસેક ફૂટના અંતરે લોહચુંબકની જેમ રસ્તા સાથે ચોંટી ગઈ. જયેશના જીવમાં જીવ આવ્યો અને માથું સ્ટિયરીંગ પર મૂકી બેસી ગયો. સપને હાશનો શ્વાસ લઈને માથું સીટ ઉપર ટેકવી દીધું. બધા હજી સુમ્મ થઈને રહી ગયા હતા. આકાશ અને બડ્ડી ગાડીમાંથી બહાર નીકળ્યા અને બહારનું દ્રશ્ય જોતાજ બંન્નેના રૂંવાડા ઊભા થઈ ગયા. આગળની ગાડી એમની ગાડીથી દસેક ફૂટ જ દૂર હતી જ્યારે પેલી ગાડીનો એવો જોરદાર અકસ્માત થયો હતો કે કાળી ગાડી આગળ ટ્રકમાં આખી ઘૂસી ગઇ હતી અને લગભગ ૧૦-૧૫ફૂટ જ ભાગ બહાર દેખાતો હતો. એન્જિનના અવાજો સિવાયએ અંધારાના સન્નાટામાં કોઈ જ અવાજો ન હતા. બડ્ડી સિગારેટ કાઢીને સળગાવા જાય છે તોય મૃત્યુને દસફૂટથી જોયેલી કંપારીમાં એના હાથ હજુ પણ ધ્રુજતા હતા. આકાશ ૯૧૧ (અમેરિકન પોલીસ માટેનો ફોનનંબર) કરે તે પહેલાં જ એમ્બ્યુલન્સ અને પોલિસની ગાડીઓ ત્યાં આવી ચઢી હતી. થોડીક બધાની પુછતાછ કરી અને બરોબર તપાસ કરી કે કોઈને સારવારની જરૂર છે કે નહીં ? ત્યારબાદ દસ જ મિનિટમાં એ બધા પાછા રવાના થયા એટ્લાન્ટીકના પથ પર. ત્યારબાદ ચાલીસ મિનિટમાં એ રાતે બધા એમની મંઝીલે પહોંચી ગયા હતા. પરંતુ એટલાન્ટીક સીટી પહોંચ્યા પછી પણ બધા ચૂપચાપ હતા. આંખોમાંથી મૃત્યુની ઝલક હજી જતી ન હતી.’
આર્યાન આટલું બોલી અટકે છે. સપન અને મિહિરની સામે જુએ છે. બધા બહુ જ ગંભીર અને સ્તબ્ધ દેખાય છે. આર્યાન એક નવો ગ્લાસ લાવે છે અને ઘૂંટડો ભરીને વાત આગળ વધારે છે : ‘એ દિવસે મિહિર અને બડ્ડી બંન્ને ‘બાર- કાઉન્ટર’ પર જાય છે બે બિયર લે છે અને છેલ્લા બે વર્ષોમાં ન કરી હોય એવી જીદંગીની હકીકતોની ખુલાસાપૂર્વક વાતો એ દિવસે કરે છે. ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધે છે એમ બધા મૃત્યુની નજીકથી જોયેલી ક્ષણો ભૂલાવા કસીનોની રંગતમાં ખોવાવા માંડે છે. એમ ને એમ સવારના આઠ વાગે છે. રવિવારની સવારના એ સૂરજને જોવાની ખુશી જેટલી એ દિવસે એમને હતી કદાચ આ પહેલા ક્યારેય એમણે અનુભવી ન હતી. થોડો ઘણો નાસ્તો કરીને બધા ગાડી લઇને સાઉથ-જર્સી જવા રવાના થયા જ્યાં બહુ જ સુંદર દરિયાકિનારે એમણે આખો દિવસ ગાળ્યો. પાણીમાં ન્હાયા અને ખૂબ મસ્તી કરી. એમની આ જ મસ્તીમાં ગઈકાલની અકસ્માતવાળી વાત ક્યાંય ભૂતકાળ બનતી જતી હતી. રાત્રે નવ વાગે બધા પાછા ગાડીમાં ગોઠવાયા અને જર્સી-સીટી પાછા આવા રવાના થયા. જયેશ થાક્યો હોવાથી બડ્ડીએ ગાડી ચલાવાનું નક્કી કર્યું. બધાની આંખોમાં હવે થાક હતો. શનિવાર સવારથી આજે રવિવારની રાતના સાડાનવ વાગ્યા હતા અને હજી કોઈએ આરામ કે સરખી ઊંઘ લીધી નહોતી. થોડી જ વારમાં બધા ઊંધવા માંડ્યા અને ગાડીમાં છેલ્લે બડ્ડી પોતે અને એના કિશોરકુમાર સાહેબના ગીતો જ જાગતા હતા ! બડ્ડી ગીતો ગાતાં-ગાતાં ગાડીને રમરમાટ રસ્તા પર ચલાવી મૂકી હતી. કલાકમાં ૧૦૦એક માઇલ પછી બડ્ડી ફ્રેશ થવા માટે ગાડીને ઊભી રાખે છે. મોઢું ધુએ છે, બિયર પીએ છે અને સીગરેટ સળગાવે છે. ત્યાં સુધીમાં બાકીના બધા પણ ફ્રેશ થઇ જાય છે અને બધા પાછા ગાડીમાં ગોઠવાય છે.’
‘રાતના અગિયાર વાગ્યા હતા અને 140 માઈલ બાકી હતા. બધા થોડીવાર ગીતો સાંભળતા વાતો કરે છે પણ અંતે થાકનો વિજય થતા પાછા સૂઈ જાય છે. બડ્ડીને પણ હવે થાક રંગ બતાવતો હોય છે એને આંખો થોડી-થોડી બળવા લાગે છે. એ એક બીજી સિગારેટ સળગાવે છે અને બારી ખોલીને તે પીએ છે. પણ ૧૫-૨૦ મિનિટમાં સહનશક્તિ સાથ છોડી દે છે અને એની આંખો બંધ થઇ જાય છે. એને એ ધ્યાન પણ નથી હોતું કે ગાડી એ વખતે ગાર્ડન-સ્ટેટ પાર્ક-વે પર ૧૩૦ માઈલ/કલાકની ઝડપે ચાલતી હતી ! એ જેવી આંખો બંધ કરે છે એવામાંજ અચાનક એને ગઈકાલનું દ્રશ્ય દેખાવા માંડે છે….. એ લોહીલુહાણ કાળી ગાડીમાંથી કઢાતી લાશો…. એના અને મૃત્યુ વચ્ચેનં ખાલી દસ ફૂટનું એ અંતર…. આ બધું જોઈ એના હદયના ધબકારાની ગતી વધી જાય છે અને અચાનક જોરથી કોઇક ગાડીનો હોર્ન સંભળાય છે. બડ્ડીની આંખો ખુલે છે તો પોતાની ગાડીને ૧૩૦ માઇલ/કલાકની ઝડપે જુએ છે પણ એને કંઈક સમજણ પડે કે એ કંઈ વિચારીને કશુંક કરે એ પહેલાં ગાડી રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર એ જ ગતિએ અથડાય છે અને હવામાં ઊછળે છે. એને કંઈ જ સમજવાનો કે વિચારવાનો સમય નથી મળતો. એ જોરદાર ઝટકાથી બધા ગભરાઈને ઊઠી જાય છે પણ બહુ જ મોડું થઈ ગયું હોય છે. બધાની આંખો પહોળી થઈ જાય છે અને મોઢામાંથી ચીસો નીકળી જાય છે. ગાડી હવામાં પચાસેક ફૂટ ઊછળે છે અને બધાને કંઈ પણ ખબર પડે એ પહેલાં ગાડી હવામાં જ બે-ત્રણ ગુલાંટી ખાઈને ઊંધી થઈને નીચે પડે છે. બડ્ડી રસ્તાની એક બાજુએ ગાડીથી થોડેક દૂર ઊંધો પડ્યો હોય છે. એને એના મોઢાની નીચે લોહીનું ખાબોચિયું ભરાયેલું દેખાય છે અને એના માથામાંથી લોહીનો રેલો કપાળ અને આંખો પરથી થઈ ખાબોચિયું બનાવતો દેખાય છે. એને એના મિત્રો ગાડીની આજુબાજુ એની જેમ જ કણસતા અને લોહીલુહાણ દેખાતાં હતાં. ગાડી ઊંધી પડી પડી બળતી હતી. ધીમે ધીમે શરીર અને શ્વાસ બંન્ને સાથ છોડવા માંડે છે. એની પાંપણો ભારે થાય છે અને એને છેલ્લે પ્રિયા કે જે એની જીવનસંગીની બનવાની હોય છે એનો માસૂમ ઉદાસ ચહેરો દેખાય છે અને કાનમાં એના અવાજના વાકયો ગૂંજે છે : “આર્યાન ! તું મને એકલો મૂકીને ક્યાં જાય છે ? હું શું કરીશ તારા વગર ?” અને બધું જ જાણે કે અંધકારમાં વિલિન થઇ જાય છે.’
આર્યાન આ વાક્યો બોલતા બોલતા ચૂપ થઈ જાય છે એની આંખોમાંથી આંસુઓ નીકળતા હોય છે. એ જ્યારે માથું ઊંચુ કરીને જુએ છે તો આજુબાજુની દરેક વ્યક્તિ રડતી હોય છે. આર્યાન બધાની સામે જુએ છે અને કહે છે : ‘મિત્રો, મને એ ખરાબ ડ્રાઈવિંગ માટે માફ કરી દેજો હું ખૂબ જ…. ખૂબ જ દિલગીર છું… આ એ વાક્ય છે જે હું એ રાતે ચાહતા હોવા છતાં પણ બોલી શક્યો નહીં….’ અને આર્યાનની આંખોમાંથી આંસુઓની ચોધાર વર્ષા થવા માંડી. બધા આર્યાનની નજીક આવ્યા અને કહ્યું : ‘બડ્ડી, તું આજે પણ માફી માંગતા સારો નથી લાગતો. ચાલ, આજે ત્રણ વર્ષે મળ્યો છે તો ગળે લાગી જા…..’ અને બધા એને ભેટી પડે છે.
બધા આજે ખુશ છે કે આર્યાન એટલે કે બડ્ડીની યાદશક્તિ આજે ત્રણ વર્ષે પ્રિયાના વિશ્વાસે પાછી આવી ખરી. પ્રિયા બધાનો ખુબ ખુબ આભાર માને છે કે આજે એના પતિ આર્યાનની યાદશક્તિ પાછી લાવવાના છેલ્લા પ્રયત્નમાં બધાએ એનો સાથ આપ્યો અને છેક અહીં એટલાન્ટીક સીટી સુધી આવ્યા. બધા ધીમે ધીમે જૂની યાદો સાથે હસવા અને મસ્તી કરવા માંડ્યા અને આર્યાન હસતાં-હસતાં એની પોતાની જૂની જીદંગીમાં પાછા લાવા બદલની ખુશીમાં પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો છે. ધીમેથી તે પ્રિયાની નજીક આવે છે અને કહે છે : ‘હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ મને આટલો અપાર અને અનંત પ્રેમ કરવા બદલ તારો ખુબ-ખુબ આભાર…..’
” પ્રેમના પાલવડે ” — અનાયાસ ઝિંઝુવાડીયા

” પ્રેમના અસ્તિત્વને શબ્દોમાં ચિતરવું એ શક્ય છે ખરૂં? અને જો સાચા અર્થમાં કહુંતો શું પ્રેમને સંપૂર્ણપણે ઊંડાણ પૂર્વક સમજવાની સમર્થતા આપણામાં છે ખરી? ”
————————————————અનાયાસ ઝિંઝુવાડિયા———————————————————————
” તો બોલ તને પ્રેમ વિશે શું ખબર છે?” …
સંજના રાજ ને પૂછે છે. રાજ ખૂબજ નાનું સ્મિત આપીને એમની અને ન્યૂયોર્કની આલિશાન ઇમારતો વચ્ચે રહેલી હડ્સન નદીને જોવે છે અને ન્યૂયોર્કની સુંદરતામાં વધારો કરતી રોશનીમાં ક્યાંક ખોવાઇ જાય છે.
સંજના અને રાજ ઘણા સારા મિત્રો છે. રાજ ગુજરાતી અને સંજના રાજસ્થાની છે. બંન્ને જણા દર શનિવાર સંધ્યાકાળે અહીં આવે છે. રાજને હડ્સન નદીના પટનો આ ભાગ બહુંજ ગમે છે જેને લોકો ન્યૂપોર્ટના નામે ઓળખે છે. ન્યૂપોર્ટથી હડ્સનના પેલે કિનારે એક જાદુઇ નગરી છે. જેનું સપનું અમેરીકા આવનારી દરેક વ્યક્તિ જોવે છે અને એ જાદુઇ નગરીનું નામ છે ન્યૂયોર્ક. રાજ ત્રણ વર્ષ પહેલા ભારતથી આ જાદુઇ નગરીમાં આવેલો. તેણે ત્યાર બાદ માસ્ટર્સ પતાવ્યું અને છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કની બહુજ મોટી કંપનીમાં ઉંચી પદવી પર કામ કરે છે. એ છેલ્લા ત્રણ વર્ષથી ભારત ગયો નથી. સંજના એની સાથેજ એજ કંપનીમાં કામ કરે છે. બંન્ને વચ્ચે ખુબજ સરસ મિત્રતા છે. સંજનાને રાજ નો સ્વભાવ ખૂબજ ગમે છે. સવારથી સાંજ સુધી જોડેજ કામ કરતા હોવા છતાં બંન્ને લગભગ છેલ્લા એક વર્ષથી ન્યૂપોર્ટના આ કિનારે આવે છે. રાજ પણ તેમની આ મિત્રતાને પૂરતો ન્યાય આપતો રહ્યો છે. બંન્ને આટલા સારા મિત્રો હોવા છંતા બંન્નેમાં બહુજ વિભિન્નતા છે. સંજના રાજને દરેક વાત કરે છે. આજે એક જ વર્ષમાં રાજ સંજના વિશે બધુંજ જાણે છે પણ સંજના રાજના વિશે કશુંજ જાણતી નથી.કારણકે રાજ ક્યારેય સંજના અથવા તો કોઇ પણ સાથે ખુલીને અંગત વાતો કરતો જ નથી. સંજના હડ્સનના પાણી તરફ જોઇને રાજને પૂંછે છે
” રાજ આમ અચાનક કેમ ભારત જાય છે આવતા અઠવાડિયે? ”
રાજ ન્યૂયોર્કની ઇમારતો ઝગમગ થતી બત્તીઓ તરફ જોઈને કહે છે ” બસ એમ જ સંજુ, કોઇ જ કારણ નથી”
સંજના મોઢું મચકોડીને રાજ સામે ખોટો-ખોટો ગુસ્સો કરતા બોલી
” અને કોઇ કારણ હશે તોય તું ક્યાં કોઇને કહેવાનો છે, જવા દે તને તો કંઇ પણ પૂંછવું જ નકામું છે.”
રાજ હજી પણ ઢળતી સાંજની લાલિમામાં ધીમે-ધીમે પોઢાઇ રહેલ ન્યૂયોર્ક સામે જ જોતો કંઇક પણ જવાબ આપ્યા વગર વિચારવામાં મગ્ન હતો. પાછી સંજના એની બેઠક પરથી ઊભી થઈ અને રાજનું ધ્યાન તોડવા ફરી બોલી ઉઠે છે
” રાજ એક વાત તો કહે તારે દિવસમાં ઘણા બધા ફોન આવે છે પણ ઘણીવાર મને એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવે છે. મોટા ભાગનાં ફોન માં તો તું મારી સામે જ વાતો કરતો હોય છે પરંતું ક્યારેક ક્યારેક એવું લાગે કે તું કઈંક છુપાવા સાઈડમાં જઈને વાતો કરતો હોય છે. એવા તો કોના ફોન હોય છે કે જે તું મારાથી એટલેકે તારી સૌથી સારી મિત્રથી છુપાવા માંગતો હોય છે.”
રાજ હજી પણ ઢળતી સાંજના સૂરજ સાથેના સંગમ રૂપી ગુલાબી નભ સામે જ જોતો હોય છે. જાણે કુદરતની અનંત દુનિયામાં ખોવાઈ જ ના ગયો હોય? સંજના ને એવું લાગે છે કે કાંતો રાજ આ પ્રશ્નોના જવાબ નથી આપવા માગતો અથવા એ કોઇક વિચારમાં એટલો ડૂબેલો છે કે એને સંજનાની વાતોમાં ધ્યાન જ નથી. સંજના ધીમે-ધીમે એની પાસે જાય છે અને રાજની બાજુમાં ઊભી રહે છે અને રાજ ના ચહેરા સામે જોવે છે. ત્યારે રાજ એક-નજર સંજના સામે નાખે છે અને બીજી જ પળે એ હડ્સનના પાણીના ઊંડાણમાં ખોવાઈ જાય છે. સંજના સમજી જાય છે કે રાજને ખબર છે કે સંજના શું પૂછી રહી છે પણ દર વખતની જેમ એ આજે પણ જવાબ આપવા માંગતો નથી. એટલે સંજના રાજનું ધ્યાન પોતાની તરફ કરવા માટે હડ્સન નદીના કિનારા પરથી દુર-દુર સુધી દેખાતા પાણીને જોઇને અમથો એવો સવાલ કરે છે
” રાજ ચલ એતો કહે કે આ જગ્યા તને આટલી કેમ ગમે છે?… આપણે રોજ અહીં એક જ સમયે આવીયે છીયે અને રોજ અહીં નજારો પણ એક જ હોય છે તો પછી આજ જગ્યા કેમ? મારા મતે પણ આ જગ્યા ખુબજ સુંદર છે પણ નદીના કિનારા તો બધાજ સુંદર હોય ને?”
રાજ હવે સંજના સામે જોવે છે અને હળવેકથી સ્મિત આપીને કહે છે
” તું ક્યારેય સુધરવાની નથી. તને ખબર છે કે તારા કયા પ્રશ્નોના જવાબ હું આપવાનો છું અને કયા નો નહીં તોય પ્રશ્નોતો કરવાના જ નહીં? “
” ચલ એ બધું જવા દે. હવે તું મને આજે એમ કહે તારા મતે પ્રેમની વ્યાખ્યા શું? “
સંજના રાજને એના અનંત મૌનમાંથી બહાર કાઢી બહુંજ ખુશ હતી અને ધીમેથી ઊભી થઈને ત્યાંની પટ ઊપરની રેલીંગ ઊપર હાથ ટેકવતા કહે છે
” મારા મતેતો પ્રેમ બધું જ છે. જ્યારે કોઇ તમને ગમે, તમને તેની સાથે રહેવું ગમે, એની દરેક વાતો ગમે, અને મન અને હદયમાં ખુબજ શાંતી અને હળવાશ અનુભવાય મારા માટેતો બસ એજ પ્રેમ છે. “
રાજ એકધારી નજરે સંજના સામે જોઇજ રહ્યો અને થોડા મજાક અને હાસ્યના મર્મમાં બોલ્યો
” બહુજ સરસ. તદ્દન ઉંચા દરજ્જાની તમારી તો પ્રેમની વ્યાખ્યા છે. ખુબ જ સરસ. મેડમ તમે આટલું બધું ઊંડું જ્ઞાન ધરાવતા હશો પ્રેમ માટે એની મને તો ખબર જ નહોતી. આશ્ચર્યચકિત કરી મૂક્યો મને.”
રાજ સંજના સામે જોઇને ખુજ હળવેકથી સ્મિત આપે છે. ત્યાંજ મસ્તીમાં આવીને પાછૉ કહે છે
” પણ સંજના આ બધુંતો તારા અને મારા વચ્ચે પણ લાગું પડે એમ છે એનું શું?”
આ સાંભળતાજ સંજના ખડખડાટ હસી પડે છે અને હસતા- હસતા
” પ્રેમ અને આપણી વચ્ચે? કોઇ કાળે શક્ય નથી. આપણેતો સારા મિત્રો છીએ અને એજ રહી શકીયે. પ્રેમ અને તારા જેવા નિરસ વ્યક્તિ જોડે તો થાય જ નહીં “ મસ્તીના મૂડમાં બોલી.
રાજ ઉભો થાય છે અને સંજનાના માથે હળવેકથી ટપલી મારતા કહે છે
” ગાંડી એતો મનેય ખબર છે કે આપણે મિત્રો જ છીયે અને મિત્રો જ રહેવાના. આમેય તારા જેટલી બોલકણી જોડે પ્રેમ કરીને મગજ ખરાબ કોણ કરે “ અને રાજ મસ્તીથી હસવા માંડ્યો.
સંજના આજ હળવા મસ્તીના વાતાવરણમાં કહે છે ” કેમ કેમ કેમ ? હું કંઇ એટલી બધી ખરાબ છું?”
“ અને તું તો જવા જ દે આમેય તને ક્યાં પ્રેમ વિશે કંઇ ખબર પડે છે. તને તો તારૂં કામ અને તારૂં એકાંત એ બેજ તો વહાલું છે. તને પ્રેમ થાય એ તો શક્ય જ નથી “
રાજ એની વાતને ટાળતા હસવા માંડે છે ” ચલ એ બધી વાત જવા દે , આજે તને એક વાર્તા કહું”.
સંજના થૉડી આશ્ચર્યમાં પડે છે ” બોલ-બોલ તું અને વાર્તા કહે? અતિ-સુંદર શ્રિમાન રાજ “.
આજે રાજ કદાચ પહેલીવાર આવી કોઇ વાત સંજનાને કહે છે. સંજના એક શ્રેષ્ઠ શ્રોતા તરીકે સામે રહેલી બેન્ચ (બાંકડા) પર બેસી જાય છે. રાજ શાંતીથી આકાશના અંધારે અજવાળું પાથરતા ચંદ્રમાં સામે જોઇ જમણા હાથમાં રહેલી કોફીનો ધૂંટડૉ ભરી ચાલું કરે છે.
સંજના પ્રથમવાર આજે રાજની આંખોમાં અલગભાવ જોઇ રહી હતી. રાજ સંજના બાજુ ફરે છે અને ચાલુ કરે છે
” આ વાર્તા છે આર્યાન અને પ્રકૃતિની. આર્યાન એક મોજીલો અને ખુશ મીજાજ છોકરો છે. એણે જીદંગી પાસેથી નાતો ક્યારેય કંઇ માંગ્યુ છે નાતો ક્યારેય કંઇ પણ ન મળવાની ફરિયાદ કરી છે. આર્યાન ભણવામાં ખુબજ હોંશીયાર હતો. તે તદ્દન સામાન્ય કુંટુંબ માંથી આવેલ હતો. તેના પિતા એક સામાન્ય શિક્ષક હતા. તે હંમેશા જીદંગીને ખુશીથી અને શાંતીથી જીવવામાં માનતો હતો. એની ઉંમર ૨૧ વર્ષની હતી પરંતુ જીદંગીએ તેને દરેક સારા-નરસા અનુભવો કરાવ્યા હતા. “
“એક દિવસ આર્યાન કોલેજમાંથી રજા પાડીને ઘરે બેઠો હતો. બપોરના ૪ વાગ્યા હતા. આર્યાને એક મહિના પહેલાજ ટાટા (tata) કંપનીનો મોબાઇલ ફોન વસાવ્યો હતો. એ વખતે આખા ગુજરાત માં કોઇ પણ ટાટા ના મોબાઇલથી બીજા ટાટાનામોબાઇલ પર વાત મફતમાં થતી હતી. આર્યાન સેક્ટર-૨૩, ઘ-૬ માં એક રૂમ રાખીને તેના બીજા બે મિત્રો ચિરાગ અને અંકુર સાથે રહેતો હતો. આજે કોલેજમાં રજા પાડીને એના રૂમની પાછળ આવેલી બાલ્કનીમાં ખુરશી નાખી અને પાળી પર પગ ચઢાવીને ગીતો સાંભળતો હોય છે. એટલામાં ફોન આવે છે. મોબાઇલ સ્ક્રીન પર નામ આવે છે ” અનીતા “. આર્યાન અને અનીતા મિત્રો છે અને તે આર્યાનની સ્કૂલના સમયની મિત્ર સ્નેહલની નાની બહેન હતી. આર્યાન અને સ્નેહલ ૮ વર્ષોથી મિત્રો હતા. એ બંન્ને જણા અને ત્રિપુટીનો ત્રીજો સભ્ય ઉત્સવ. અનીતા એ પણ tata નો મોબાઇલ લિધા પછી આર્યાન જોડે વાતો કરવાનો સિલસલો ચાલુ કર્યો હતો. આર્યાનને તો આમ પણ સ્નેહલ જોડેજ વાત કરવાનું ગમતું હતું છતાંય અનીતા સ્નેહલની નાની બહેન હોવાથી એ ફોન આવે તો થોડી-ઘણી વાતો કરી લેતો. આર્યાન ફોન ઉપાડે છે અને કહે છે
” બોલો અનીતા મેડમ, આજે કેમ અમને યાદ કર્યા?”
અનીતા કહે છે ” આર્યાન શું કરે છે તું? હું તો મજામાં પણ પરીક્ષાઓની તૈયારી કરૂં છું. “
આળસ ખાતા-ખાતા આર્યાન બોલ્યો ” હું તો આ જો કોલેજમાં રજા પાડીને ઘરે મસ્તીથી આરામ ફરમાવતા ગીતો સાંભળું છું. હું અને કિશોરના ગીતોની બહાર , સમજી?
અનીતા આર્યાનની આ વાત સાંભળીને હસી પડે છે
” હા! હા! હા! તું ક્યારેય નહીં સુધરે. હવે સાંભળ હું અને મારી બીજી ફ્રેન્ડ્ઝ (બહેનપણીઓ) એક જણના ત્યાં ભણવા ભેગા થયા છીએ. પણ મારી એક ફ્રેન્ડને પરીક્ષા નથી એટલે એ કંટાળી રહી છે. એટલે તને ફોન કર્યો છે કે જો તું નવરો (ફ્રી) હોય તો તારી થોડી વાર એની જોડે વાતો કર. એનાથી એનેય કંટાળો નહીં આવે અને તને તો નવી ફ્રેન્ડ મળશે. ” અને પાછળથી બીજી છોકરીઓનો હસવાનો અવાજ આવે છે.
આર્યાન એના દરેક મિત્ર વર્તુળમાં બહુજ પ્રતિભાશાળી હતો જો અંગ્રેજીમાં કહીએ તો cool dude અને flirty હતો. એની એક કુદરતી તકલીફ હતી કે એના મિત્ર વર્તુળમાં છોકરા કરતા છોકરીઓ વધારે હતી. પણ હા આજ સુધી કોઇ પણ આર્યાન અને ઉત્સવ વચ્ચે આવી શેકલ નહી. આર્યાન પાણી પીતા-પીતા કહે છે
” ઑ.કે. મને તો કોઇ વાંધો નથી જો એને વાંધોના હોય તો. પણ નામ તો કહે મને “
ત્યાંજ બીજી બાજુંથી એક ખચકાટ ભર્યો અને બહુજ કોમળ અવાજ આવ્યો ” પ્રકૃતિ !!! પ્રકૃતિ પટેલ. કેમ છે આર્યાન?”
આર્યાન મસ્તી થી કહે છે ” હું તો મસ્ત છું તમે કેમ છો મીસ્-પટેલ?” અને પ્રકૃતિ જોડે આગળ વાત વધારે છે.
એ દિવસે આર્યાન અને પ્રકૃતિ દોઢ-બે કલાક વાતો કરે છે અને બંન્ને થાકતા જ નથી. આર્યાને આટલી લાંબી વાત ક્યારેય કોઇ જોડે નહીં કરી હોય અને નાતો પ્રકૃતિએ. ભલે આર્યાન હતો flirty સ્વાભાવનો પરંતુ ૧૫-૨૦ મિનિટથી વધારે તો ક્યારેય કોઇ જોડે વાત નહીં કરી હોય. પણ એ દિવસે ખબર નહીં બંન્ને જણા એ દિવસે વાતો કરતા થાક્યા જ નહીં. અંતે અનીતાને ઘરે જવાનું થયું ત્યારે એનો ફોન હોવાથી પ્રકૃતિએ ફોન મુકવો પડ્યો. તો આવી રીતે બંન્નેની પ્રથમ મુલાકાત તો નહીં પણ પ્રથમ વાત થઇ હતી.
ત્યાર બાદ એ વાતો નો સીલસીલો ચાલુ થઇ ગયો. જ્યારે પણ અનીતા જોડે હોય પ્રકૃતિ ત્યારે હંમેશા ખાલી ફોન પર આર્યાન જોડે જ વાતો કરતી રહેતી હતી. આમ ધીમે-ધીમે બંન્ને જણા ઘણા સારા મિત્રો બની ગયા હતા. ધીમે-ધીમે એવું થવા માંડ્યું કે બંન્ને દિવસમાં એકબીજા જોડે એક વાર વાતો ના કરે તો ચાલતું નહીં. એક થી દોઢ મહીનો જતો રહ્યો પણ બંન્ને રૂબરૂ મળ્યા નહોતા. અને એટલે જ એકબીજા ના દેખાવ વિશે બંન્ને એ ઘણી માન્યાતાઓ ખ્યાલોમાં બાંધેલી. બંન્નેની પ્રથમ મુલાકાત ધૂળેટીના દિવસે ઉત્સવના ઘરે થયેલી. એ દિવસે આર્યાન ખૂબજ હતાશ અને દુઃખી હતો. ૧-૨ દિવસ પહેલાજ એની “ગૅટ”ની પરીક્ષાનું પરીણામ આવ્યું હતું. જેમાં એ પાસ થઈ શકેલ નહીં જેથી એને હવે એમ.ફાર્મ.માં એડમીશન મળી શકે એમ હતું નહીં. ધૂળેટી એનો સૌથી ગમતો તહેવાર હોવા છંતા આજે એ સવારનૉ ઉત્સવના ઘરે બેઠો હતો અને આજે એને રમવાની ઇચ્છા ન હતી. બધા નીચે રંગો અને પાણીથી તરબોળ થતા હતા અને આર્યાન ત્રીજા માળે બાલ્કનીમાં બેઠો બેઠો ક્યાંક ખોવાઇને બેઠેલો હતો.
એટલા માંજ પ્રકૃતિનો ફોન આવે છે ” આર્યાન ક્યાં છે?”
આર્યાન ધીમા અને ઉદાસ અવાજે પ્રત્યુત્તર આપે છે ” હું ઉત્સવના ઘરે છું”
પ્રકૃતિ ઉતાવળમાં કહે છે કે ” મારે આજે તને મળવું છે. હું થોડી વારમાં આવું છું ત્યાં તને મળવા” અને ફોન મુકી દે છે.
આર્યાનનું મન હવે વિચારે ચડે છે કે પ્રકૃતિ કેવી લાગતી હશે. અને એને આવી હાલતમાં જોશે તો શું થશે? આર્યાને બાવા જેટલી દાઢી વધારી હતી અને કપડા ના પણ ઠેકાણા નહોતા. પણ પ્રકૃતિને મળવાની ઇચ્છા રોકી ના શક્યો અને પ્રકૃતિને ના પણ ના પાડી શક્યો મળવાની. એટલા માંજ ૧૫-૨૦ મિનિટમાં તો પ્રકૃતિનો ફોન આવે છે અને કહે છે
” આર્યાન જલ્દી નીચે આવ હું નીચે આવી ગઇ છું”
આર્યાન અને ઉત્સવ નીચે ઉતરતા-ઉતરતા આવતા હોય છે ત્યાંજ આર્યાનની નજર દૂર એક એક્ટીવા લઇને ઉભેલી છોકરી પર પડી.
છોકરી નમણી અને સાદા દેખાવ વાળી હતી. પ્રથમ નજરે જોતા કંઇ ખાસ આકર્ષીત વ્યક્તિત્વ આર્યાનને લાગ્યું નહીં. આર્યાનની ધારણા કરતા પ્રકૃતિ તદ્દન અલગ હતીં. સાદો ચહેરો , વાંકડીયા ખભા સુધીના વાળ ઘંઉવર્ણો વાન તથા પાતળૉ બાંધો. આર્યાન મનમાં થોડોક તો ખચકાયો
” આ છે પ્રકૃતિ?????”
બીજી બાજું પ્રકૃતિની ધારણા કરતા આર્યાન પણ તદ્દન અલગ હતો. આર્યાનનું શરીર થોડું વધી ગયું હતું અને પેટ થોડું બહાર આવતું હતું. ઉપરાંત સાદા અને લઘર-વધર વેશમાં જ હતોં. પ્રકૃતિને જ્યારે ખબર પડી કે આ બંન્ને છોકરાઓ માંથી એજ આર્યાન છે ત્યારે એને થયું કે
” આ આર્યાન????? આતો “કાકા” જેવો લાગે છે “ અને એની ધારણાઓના પંખીઓ મનના માળામાંથી તરત જ ઉડી ગયા
બંન્નેની આટલા દિવસો સુધીની ધારણાઓ પાણીમાં ગઇ અને એકબીજાને મળવાનું જે ગાંડપણ હતું એ એકજ પળમાં શમી ગયું. ત્યાર બાદ બંન્ને મળ્યા. આર્યાન પ્રકૃતિના કહેવા પર ધૂળેટી રમ્યો. થોડીવારમાં પ્રકૃતિને કુટુંબના બીજા સભ્યો જોડે બહાર જવાનું હોવાથી એ ત્યાંથી જતી રહી. પણ એ મુલાકાત પછી આર્યાન અને પ્રકૃતિ ને એવું થયું કે હવે વાત થાય તો ઠીક છે નહીંતર કંઇ નહીં. પણ એમ-નેમ ૨ દિવસ ગયા પણ બંન્નેથી રેહવાયું નહીં અને બંન્નેની ફોન અને મેસેજ દ્વારા વાતો પાછી ચાલું થઇ. ખબર નહીં શું પણ બંન્ને જણા વાતો કરતા તો ક્યારેય ખૂટતીજ નહીં અને પાછો એજ સીલસીલો ચાલું થયો જે પહેલા જેવો હતો. હવે બીજી બાંજુ અનીતાને ઇર્ષા થવા માંડી અને એણે પ્રકૃતિ અને આર્યાનના કાન ભરવાનું ચાલું કર્યું અને ઝઘડા કરાવ્યા. અને પરીણામે બંન્ને વચ્ચેનો વાતોનો એ દોર બંધ થયો. ૨-૩ મહિના આમજ વિતી ગયા અને આર્યાનનું ભણવાનું પત્યું.
આર્યાન અમદાવાદ ઘરે બેઠો હતો અને એક બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને આર્યાન થોડોક ખચકાતા ઉપાડે છે અને ત્યાંજ બીજી બાજુથી કોઇક છોકરીનો ખચકાતો અવાજ આવે છે
” આર્યાન કેમ છે? હું પૂજા બોલું છું, પ્રકૃતિની ખાસ મિત્ર.”
આર્યાન પેહલા થોડૉ આશ્ચર્યમાં પડે છે એ એને શું કામ પડ્યું પણ છેવટે પૂછે છે
” શું કામ પડ્યું મારૂં આજે? કેમની આ નકામા માણસની આજે યાદ આવી? “
પૂજા થૉડું અચકાતા બોલે છે “આર્યાન પ્રકૃતિનો કોઇ વાંક નથી”
અને ધીમે-ધીમે આર્યાનને સમજાવે છે કે કેવી રીતે અનીતાએ રમત રમીને બંન્નેને અલગ કર્યા અને એમની આટલી સારી મિત્રતામાં ભંગાણ કર્યું.
આર્યાન કંઇક વિચારીને કહે છે ” પૂજા મારે પ્રકૃતિ જોડે વાત કરવી છે. મારે કંઇક પૂછવું છે “
પૂજા થોડી ખચકાઈ અને વિચારતા બોલી ” હું કહિશ એને આર્યાન અને એ તને જરૂર ફોન કરશે બસ તું ગુસ્સેના થતો એ ગભરાય છે તારાથી”
પણ એના અધૂરા વાક્યમાં જ આર્યાન બોલ્યો ” પૂજા તું કહે કે ના કહે મને ખબર છે કે પ્રકૃતિ તારી બાજું માં જ બેઠી છે અને ક્યારની આપણી વાતો સાંભળે છે”
પૂજા થોડી હેતબાઇ ગઇ અને પ્રકૃતિને ફોન આપે છે. પ્રકૃતિ થોડી ખુશી અને થોડી ગભરામણમાં ફોન લે છે અને આર્યાનને કહે છે
” sorry આર્યાન, મેં ખોટો અનીતા પર વિશ્વાસ કર્યો અને તને ના કહેવાનું કીધું. please i am extremely sorry.”
આર્યાન ઊંડો શ્વાસ લેછે અને પૂછે છે ” તે મને ક્યારેય કેમના પૂછ્યું? આપણી મિત્રતા પર આટલોજ વિશ્વાસ ખાલી? “
અને પાછો ગુસ્સો કરે છે અને ના બોલવાનું બોલે છે. પ્રકૃતિ રોવા મંડે છે અને ફોન મૂકી દે છે. પાછા ૧-૨ મહિના જતા રહે છે એમ-ને-એમ. આર્યાન usa આવવાની તૈયારી કરવામાં પડી જાય છે. એક દિવસ સાંજે પ્રકૃતિનો sms આવે છે
” do you remember me?” આર્યાન ખુબજ શાંત અને ઠંડા મને પ્રકૃતિને ફોન કરે છે
” sorry dear, i am really sorry . મારે આમ વારે ધડિયે તારા પર ગુસ્સે થવા જેવું નહોતું. sorry for hurting you. “
એ દિવસે સાંજે અનીતાએ બંન્ને જણાને એકબીજા વિષે કેવી ખોટી વાતો કહીને ચડાવ્યા હતા એની ચર્ચાઓ થઈ અને ખુલાસા કર્યા અને ઘણાદિવસો પછી૨/૩ કલાક વાતો કરી. એ દિવસે બંન્નેના મનને એક અજબની શાંતી થઈ અને ખુબજ ખુશીથી વાતો કરી. એ પછી રોજની જેમ વાતો થવા માંડી અને આર્યાન અને પ્રકૃતિ દરેક વાત એકબીજાને કહેવા લાગ્યા. આર્યાન પ્રકૃતિને બહુજ સરસ મિત્ર માનતો હતો પરંતુ પ્રકૃતિનું વર્તન ધીમે-ધીમે બદલાવા માંડ્યું. આર્યાનને લાગ્યું કે પ્રકૃતિ મિત્રતાથી કંઇક આગળ વધી રહી છે. આર્યાનની જીદંગીમાં આ પહેલા પણ આવું ૫/૬ વાર બનેલું હતું કે સારી મિત્રતા પછી સામેના પાત્રએ જીદંગીભર સાથી બનવાની તૈયારી બતાવી હોય. પરંતુ આર્યાન દર વખતે ના પાડતો અને મિત્રતાને મિત્રતાના માપમાં જ રાખતો. પણ આજે પ્રથમ વાર એજ ઘટના જ્યારે પ્રકૃતિ સાથે થઈ રહી છે તો ના જાણે કેમ એને ગમ્યું. એણે આ વાત ઉત્સવ અને એની ગર્લફ્રેન્ડને કિધી કે પહેલીવાર આવું અજુગતો અનુભવ થાય છે
અને બંન્ને જણા ખુશ થઈને કહેતા કે ” Mr. Aaryan , you are in love “. પણ આર્યાન એ વાતને નકારતો.
ધીમે-ધીમે એને પ્રકૃતિમાં બધું ગમવા માંડ્યું. એનો અવાજ, એની આંખો , એની માસુમ હંસી , એની મસ્તીભરી આંખોની ચંચળતા…….. બધુંજ. ધીમેધીમે એણે પોતાની બોલવાની કળાથી પ્રકૃતિની આસપાસ લાગણીનું એવું વાતાવરણ ઉભું કર્યું કે
એક દિવસ પ્રકૃતિએ ના છુટકે આર્યાનને પુછ્યું ” Aaryan i love you… Do you love me? “.
સંજના ફટાક દઈને બાંકડા ઉપરથી ઊભી થઈને કહે છે “ રાજ WOW!!!! યાર great . આર્યાને તો ફટાફટ હા જ પાડી દીધી હશે નહીં? “ રાજ હસે છે અને કહે છે “ ના એવું કંઈ જ ન બન્યું. ઉલટું આર્યાને એ વખતે કોઇ જ જવાબ ના આપ્યો “
આર્યાન થોડો સ્તબ્ધ થઈ ગયો કારણકે એણે આટલું જલ્દી પ્રકૃતિ પૂછશે એવું સ્પનેય નોતું ધાર્યું.
એણે પ્રકૃતિને હા ન પાડતા કહ્યું કે
“ આપણે એક દિવસ રૂબરૂ મળીએ અને મારે તને ઘણું બધું કહેવું છે પછી નિર્ણય લઈએ તો કેવું રહે ? પ્રકૃતિ થોડી દુઃખી થઈ અને નિરાશ મને હા પાડી અને બંન્ને જણાએ ૧૫-ઓગસ્ટ ના મળવાનું નક્કી કર્યું. આર્યાનના મનમાં ઘણા એવા કારણો હતા કે જેનાથી એણે આ પહેલા પણ બધાને ના પાડી હતી.
અને એ કારણો આ વખતે પણ એને રોકતા હતાં. પણ આ વખતે દર વખતની જેમ સીધી ના ન પાડી
અને નક્કી કર્યું કે પ્રકૃતિને એ બધું જણાવશે અને પછી પ્રકૃતિ જે નિર્ણય લે એ અંતિમ રહેશે.
૧૫-ઓગસ્ટની સવારે ૧૧ વાગે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ધનંજય ટાવર પાસે આવેલા
CCD (cafe coffe day) માં મળવાનું નક્કી થયું હતું. આર્યાન ત્યાં પહોંચે છે ત્યારે પ્રકૃતિ પહેલેથીજ આવીને બેઠી હોય છે. આર્યાન એને દુરથી જ જોવે છે અને એની માસુમ હંસી અને પ્રેમાળ આંખો જોઇને મનમાં ડર લાગે છે કે એ જે આજે કહેવાનો છે એના પછી જો પ્રકૃતિ જો ના પાડશે તો?
આર્યાન એની સામે જઈને બેસે છે. પ્રકૃતિ હળવેકથી સુંદર સ્મીત આપીને આર્યાનને એની બાજુંમા આવીને બેસવાનું કહે છે. આર્યાન જીદંગીમાં ઘણી છોકરીઓ સાથે ફર્યો છે પણ આજે જેવો ખચકાટ એ જે અનુભવે છે એવો એણે ક્યારેય નથી અનુભવ્યો.
આજે પ્રકૃતિ ખાલી એની બાજુંમા બેસવા બોલાવતી હોવા છતાં એના હદયના ધબકારાની ગતી અચાનક વધવા માંડે છે. છતાંય એ ઊભો થાય છે અને પ્રકૃતિની બાજુંમા જઈને બેસે છે. પ્રકૃતિનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં લે છે
અને હદયની ગતીના આવેગો ખુબજ વધી જાય છે. અને બીજી જ પળે પ્રકૃતિ એનો બીજો હાથ એ બંન્ને હાથ ઉપર મુકે છે અને શાંતીથી પંપાળે છે ત્યારે લાગણીના દરેક તરંગો અને હદયની ગતી શાંત પડતી જણાય છે. અને આર્યાન એની જીદંગીમાં આવી અનંત લાગણીનો અનુભવ પ્રથમ વાર કરે છે જે કદાચ સૌથી સારો હતો. પ્રકૃતિ પ્રેમથી આર્યાનની આંખોમાં આંખ નાખી અને ખુબજ પ્રેમાળ સ્મીત આપતા પૂછે છે “ બોલ આર્યાન, શું કહેવું છે? જે પણ મનમાં હોય એ ખચકાયા વગર કહીદે આજે અને પૂછીલે. સહેજ પણ ગભરાવાની જરૂર નથી”
આર્યાનમાં આ જોઇને હિંમત આવે છે. પ્રકૃતિના બંન્ને હાથને પોતાન હાથમાં લેતા વાત ચાલું કરે છે “ પ્રકૃતિ તું મને પણ ગમે છે. જીદંગીમાં પ્રથમવાર હું કોઇ છોકરીને ના પાડવાનું કોઇજ કારણ શોધી શક્યો નથી. અને એટલેજ આજે તને મારી જીદંગીની દરેક એ હકિકત કહેવા માંગું છું જે તારે જાણવી જરૂરી છે અને જે મેં આજ સુધી કોઇને ક્યારેય કહી નથી. એ પછી નિર્ણય તારો જ હશે. મારી તો હા જ છે પણ મને એ ડર છે કે આ સાંભળ્યા પછી તારો નિર્ણય બદલાઈ શકે છે. પણ હું તને છેતરવા નથી માંગતો એટલે કહું છું”
આર્યાન એ પછી એની જીદંગીની અતિથી ઇતી સુધી કહિ સંભળાવે છે. આર્યાન આ બધી વાતો એટલે કહેતો હતોકારણકે એ પ્રકૃતિને એની જીદંગી કેટલી અલગ છે, આર્યાન જે દેખાતો હોય છે એ નથી, એની જીદંગીની હકિકતો, જવાબદારીઓ, ગંભીરતા અને સમસ્યાઓ કે જેનાથી આર્યાન આજ હસતા અને મસ્તીવાળા ચહેરા સાથે ૨૪ વર્ષથી લડે છે એનું ભાન કરાવા માંગતો હતો.
આર્યાન ૪-૫ કલાક આખી વાત કરે છે અને પ્રકૃતિને છેલ્લે કહે છે “ જો પ્રકૃતિ હું જીદંગીમાં એક જ વાર પ્રેમ કરી શકીશ એટલે તું જે પણ નિર્ણય લે એ વિચારીને લેજે. આ બધું તને એટલે કહ્યું કે પાછળથી તને ક્યાંક બહારથી ખબર પડે અને તને એવું ના લાગે કે મેં તને છેતરી. હું એક પારદર્શી કાચ જેવો જીદંગીભરનો પ્રેમાળ સંબંધ ઈચ્છું છું. તારી હા હશેતો મારા જેટલો ખુશ વ્યક્તિ દુનિયામાં કોઇ નહીં હોય. અને ક્યાંય પણ ખચકાટ હોય તો પ્રેમથીના પાડજે એનાથી આપણી મિત્રતાને કંઇ નહિં થાય. આર્યાન મિત્ર હોવા છતાં પણ તારી જોડે દરેક પરિસ્થીઓમાં તારી જોડે તને સાથ આપવા માટૅ તારી બાજું માં જ હશે.”
પ્રકૃતિ શાંતીથી આર્યાન સામે જોવે છે. ખુબજ ખુશ , આંખોમાં લાગણી અને વિશ્વાસ સાથે આર્યાનને કહે છે “ હું તૈયાર છું અને તું મારી જોડે હોઇશ તો દુનિયામાં જીદંગીના કોઇ પણ તોફાનમાં તારો સાથ આપીશ. તે મને ન છેતરીને પ્રામાણિક પણે આજે જે દરેક હકિકત કહી દિધી જેનાથી હું ૧% પણ વાકેફ નહોતી એનાથી તારા પરનો વિશ્વાસ ને તારા માટેનો પ્રેમ ખુબજ વધ્યો છે અને I love you so much. ”
અને આર્યાનના આંખોમાં ખુશીના પાણી દેખાઇ આવે છે . આમ ચાલુ થાય છે પ્રેમની અનંત દુનિયાની શરૂઆતની.
રાજ સંજનાને કહે છે બસ thats the end. સ્ંજના ખુબજ ઢીલી થઈ ગઈ હોય છે અને કહે છે “ રાજ આ કેટલો સરસ પ્રેમ, નાતો દેખાવ પર આધારીત, નાતો કોઇ બંધિશ. ખાલી પવિત્ર અનંત પ્રેમ.” આર્યાન આકાશ સામે જોઇને ક્યાંક ખોવાઈ ગયો હતો અને ખાલી ભારે સ્વરે એટલું જ કહે છે
“હા. ખાલી પવિત્ર અનંત પ્રેમ . લાગણીઓના દરિયામાં ખાલી એક વિશ્વાસના સઢે ચાલતી પ્રેમની નાવડીના એ બે જ મુસાફરો હતા. “
સંજના રાજ સામે જોઇને પૂછે છે “રાજ સાચું બોલતો એ પછી શું થયું?” ખુલ્લા આકાશના વાદળોમાં ખોવાયેલા ચંદ્રમાની કળા પરથી આંખો હટાવીરાજ સંજનાની સામે જોવે છે ત્યારે સંજનાને આર્યાનની આંસુઓમાં ડૂબેલી આંખો દેખાય છે. સંજનાની સામે એકિટ્શે જોવે છે અને આંખમાંથી આંસુના વહેણ લાગણીની ધારા સમાન નીકળતા હોય છે અને સંજનાને એ પોતાનું state id card હાથમાં આપે છે એમાં નામ લખ્યું હોય છે ” Mr. Aaryaan Raj “ અને સંજના સ્તબ્ધ થઈ જાય છે અને રાજની સામે જોવે છે એજ વખતે આર્યાનના ફોનની રીંગ વાગે છે અને આર્યાન ફોન ઉપાડતા બોલે છે
“ હા પ્રકૃતિ બોલ…..હા હું આવતા અઠવાડિયે આવું જ છું…….”
અને ફોન પર વાતો કરતો-કરતો દૂર ચાલતો જાય છે. સંજના હજી પણ સ્તબધતા સાથે મૂર્તીની જેમ આર્યાનને જોતી બેઠી હોય છે અને એની આંખોમાંથી હડ્સનના નીરની જેમ શાંત પ્રવાહે આંસુના વહેણની ધારા ચાલું હોય છે.
“હડ્સનના કિનારે” -અનાયાસ ઝિંઝુવાડીયા
આર્યાન આજે વર્ષો પછી આ જગ્યાએ આવ્યો છે. હડ્સન નદીનો આ કિનારો એના ભૂતકાળના સંસ્મરણો સાથે બહુ ગૂઢ રીતે સંકળાયેલો છે. હડ્સન નદીના પાણી આજે પણ એવા જ ચંચળ છે. હડ્સન આમ તો કહેવાની જ નદી છે, બાકીતો એનો પ્રવાહ ખૂબ જ મોટૉ, પહોળૉ તથા દરિયામાં આવતા મોજા જેવો છે. હડ્સન નદી આમ પણ ન્યૂયોર્કના છેડે તો એટ્લાન્ટિક સમુદ્રમાં સમાઇ જાય છે. તે કારણથી જ હડ્સન નદીનું સ્વરૂપ સામાન્ય નદીઓ કરતા કઇં અલગ છે. આ નદીનું પાણી આછું ભૂરું અને ખુબજ પારદર્શી છે.
આજે આ સંધ્યાકાળના સમયે આકાશ દૂર-દૂર આછું ગુલાબી છે અને પૂર્વેથી સતત ઠંડો પવન વાય છે. આકાશ અને સૂર્યની રમતની લાલિમાના પડછાયા સ્વચ્છ રીતે જોઇ શકાતા હતા. ખૂબજ સુંદર અને રમણિય છે આજની હડ્સનનૉ આ નજારો. કુદરતનું આ અનેરૂં સ્વરૂપ જોવાવાળાને એવું જ લાગે કે કુદરતના આ અનેરા રંગમાં ડૂબીને હડ્સનના કિનારે આમ જ જીવ્યા કરીએ. આર્યાન આજે કુદરતની આ અસીમ રમતના પડછાયા જે નભમાં દેખાઈ રહ્યા છે તેમાં ક્ષિતિજો પાછળ કંઇક શોધી રહ્યો છે. એને આજે સૂરજની આકાશને આછા ગુલાબી રંગે રંગવાની રમતમાં ભૂતકાળની યાદોના ચિત્રો તાદ્શ્ય થતા હતા. પૂર્વેથી વાતા આ પવનો જાણે હડ્સનના નીરમાંથી એ ચિત્રોને જીવંત કરતા હોય એવો અનુભવ થતો હતો. આર્યાન આ યાદોના ચિત્રોની જીવંતતામાં ખોવાઈ જાય છે.
” આર્યાન ઓ આર્યાન” જયેશે ધરમાં પ્રવેશતા જ બૂમો મારવાની ચાલુ કરી.
આર્યાન એના રૂમમાં એના પલંગ પર એના રવિવારના નિત્યક્રમ મુજબ નાહ્યા વગર લેપટોપ પર ” કાર રેસની ગેમ” રમવા બેઠો હતો. અને ત્યાંથી ધ્યાન હટાવ્યા વગર
” બોલ પટેલ, શું કામ છે? હું! ‘કાર રેસની ગેમ‘ રમવા બેઠો છું.”
પટેલ એટલે આખું નામ જયેશ પટેલ. એક વર્ષથી એચ-૧ વિઝા પર હતો પણ અત્યારે જુનો પ્રોજેક્ટ પત્યા પછી નવો પ્રોજેક્ટ હમણા મળ્યો નથી એટલે જલસારામ. પાંચ-છ મહિના પહેલા શિખર મારફતે ઘરમાં થોડાક દિવસ રહેવા અવ્યો હતો પણ પછી બધાની જોડે બહુજ મજા આવતા અને ફાવી જતા ત્યારથી આજ ધરમાં રહી ગયો હતો. પટેલ એની આદત મુજબ બૂટ પહેરીને સીધોજ આર્યાનના રૂમમાં પ્રવેશ્યો અને કહ્યું
” બડ્ડી, આજે ક્યાંક જઇએ, બહારનું વાતાવરણ બહુંજ સરસ છે.”
આર્યાન ને ધરમાં બધા બડ્ડી કહેતા હતા. આર્યાન હજી પણ ગેમમાં જ મગ્ન હતો અને લેપટોપની સ્ક્રિન પરથી નજર હટાવ્યા વગર જ જવાબ આપે છે કે
” બધા આવતા હોય તો જઇએ. મને તો કોઇ જ વાંધો નથી. પણ ૨ વાગ્યા છે બપોરના તો જલ્દી નક્કી કરજો“
આટલું બોલી આર્યાન પાછો કાર રેસની ગેમમાં ખોવાઇ ગયો. શીખર એ વખતે સામેના રૂમમાં એના પલંગ પર લેપટોપ સામે હેડફોન ભરાઈને બેઠો હતો. અને કોઇ જ શંકા વગર કહી શકાય કે એ યુ-ટ્યુબમાં વિડિયો જોતો હશે. શિખરને ધરમાં બધા “યુ-ટ્યુબ મેન” તરીકે જાણતા હતા. દિવસના ૨૪ કલાકમાં તમને જ્યારે પણ લેપટોપ સામે જોવા મળે તો એ યુ-ટ્યુબમાં જ ખોવાયેલો જોવા મળશે. જયેશનો પલંગ એ શીખરના પલંગની બાજુમાં જ હતો. જયેશ એના રૂમમાં પ્રવેશતા જ પલંગ પર બેસતા-બેસતા પૂછ્યું
” ચલને શેખુ કંઇક પ્રોગ્રામ બનાવીએ, ક્યાંક જઇએ, બડ્ડી પણ તૈયાર છે.”
શીખર યુ-ટ્યૂબના અનેરા વાતાવરણમાંથી બહાર નીકળતા કહે છે
” ચાલો-ચાલો જઇએને . આમ પણ આજે યુ-ટ્યૂબ પર વિડિયો જોઇ-જોઇને થાક્યો છું. લાગે છે કે મગજને થૉડી શાંતી આપવી પડશે.”
શીખર એ આકાશનો પીતરાઇ ભાઈ હતો. આકાશ એ દિવસે જોબ પર હતો. આર્યાન, શીખર, આકાશ તથા તેમના મિત્રો સપન, પંકિત , તેજસ તથા મિહિર બધા ૨ વર્ષ પૂર્વે અમેરિકા ભણવા સ્ટુડન્ટ એટલે કે એફ-૧ વીઝા પર આવ્યા હતા. અને ત્યારથી સાથે જ રહેતા હતા. મિહિર છેલ્લા ડિસેમ્બરથી એના મામાના ધરે રહેવા જતો રહેલો. અઠવાડિયામાં એકાદ વાર ફોન પર વાત થતી બાકી એ છેલ્લા ૨-૩ મહિનાથી રૂબરૂ કોઇને મળ્યો નથી. આજે ઘણા સમય પછી રવિવારે એક સાથે આર્યાન, પંકિત, તેજસ, સપન, શિખર અને જયેશ ધરે હતા. પંકિત પણ જયેશ અને શિખર સાથે એમના જ રૂમમાં રહેતો હતો. પંકિત સવારનો જ્યારથી જયેશ ઘરેથી ગયો તો એ આવ્યો ત્યાં સુધી લેપટોપમાં કંઇક મથતો હતો. આજ-કાલ ભાઇ કેનેડા તથા ઔસ્ટ્રેલીયા ના પી.આર. અને ઇન્ટરનેટ બીઝ્નેસ ઉપર સંશોધન કરી રહ્યા હતા. હમણા જ એનું માસ્ટર્સ પત્યું હતું અને તેણે એચ-૧ વિઝા માટે અરજી કરી હતી. ધરમાં તે એક જ વ્યક્તિ એવી હતી કે બહુજ વ્યસ્ત દેખાય. અને મગજથી એ “બિઝ્નેસ-માંઇડ” વાળો હતો. શિખર પલંગમાંથી ઊતરતા-ઊતરતા પંકિતને હલાવીને પુછે છે
” બધા ક્યાંક જવાનું વિચારે છે, તારી શું ઇચ્છા છે?”
થોડીવારતો પંકિતનું કંઇજ ધ્યાન નહોતું કારણકે એના મગજમાં હજી પણ ઔસ્ટ્રેલીયા ના પી.આર. ના નિયમો જ ચાલતા હતા. એટલે થોડીવાર રહીને પાછું એણે શિખરને પૂછ્યું
” શેખુ શું કહેતો હતો?”
શીખર બાથરૂમમાં દાઢી કરવાની તૈયારી કરતા-કરતા બોલ્યો
” ક્યાંય બહાર જવું છે? જયેશ અને બડ્ડીની બહુજ ઇચ્છા છે અને મારી પણ“.
એટલી વારમાં સપન એના રૂમમાંથી બહાર આવે છે અને પૂછે છે
” ચલોને યાર ક્યાંક બહાર જઇએ, ઘરમાં તો બહુજ કંટાળો આવે છે“.
શીખર ગાલ પર ‘શેવ-જેલ‘ લગાવતા કહે છે કે
“બાબા ક્યારના અમે એજ તો વિચારો કરીએ છીએ કે ક્યાંક જઇએ. બોલ ક્યાં જઇશું?”
સપન ને ધરમાં બધા બાબા ના નામે બોલાવતા. બાબા એ ધરનું એક અલગ જ વ્યક્તિત્વ હતુ. દેખાવે ભૂરો અને સ્વભાવે કડક. એની જીદંગી એના જ નીયમો પર ચાલે. અંગ્રેજીમાં કહીયે તો ” નો ફ્લેક્સીબીલીટી એટ ઓલ“. એને એના નિયમ વિરુધ્ધ થાય એ ગમતું નહીં પણ બધાની જોડે રહેવાનું એટલે એના જ નીયમો બીજા દ્વારા ડગલે ને પગલે તૂટતા. ખાસ કરીને પંકિતને બાબાને ગુસ્સે કરવાનું બહુંજ ગમતું. પંકિત અને સપન છેલ્લા ૬ વર્ષથી જોડે જ છે. ભારતમાં બેચલર્સ અને હવે અહી માસ્ટર્સ જોડે. પણ બંન્નેમાં જમીન- આસમાનનૉ ફરક હતો. સપન રસોડા બાજું ચાલતા ચાલતા શિખરને પ્રત્યુત્તર આપ્યો
” ક્યાંક શાંત જગ્યાએ જઇએ “
આ સાંભળતા જ આર્યાન રૂમમાંથી તરત જ બોલી ઊઠ્યો
” ચાલો ન્યૂપોર્ટ જઇએ અથવા હોબોકેન “
ન્યૂપોર્ટ એ આર્યાનની મન-પસંદ જગ્યા હતી. ત્યાંથી હડ્સન નદીના પેલે પાર ન્યૂયોર્ક શહેરના હ્રદય સમાન મેનહટ્નનો વિસ્તાર દેખાતો હતો. ત્યાં કોઇજ વાહનોના અવાજ નહીં. ખાલી હડ્સન નદીના પાણીના અવાજમાં બતકના ટોળાના અવાજ ભેગા થઇને એક અલગ જ સંગીત ઉભું કરતું હતું. ન્યૂપોર્ટની એ નીરવ શાંતીમાં એ સંગીતના લય અને તાલ માણવાની મજાજ કઇંક અલગ આવતી હતી. આર્યાન અને આકાશ ૬ વર્ષથી જોડે છે. આર્યાન ફાર્મસીનો વિધ્યાર્થી હોવા છતાં એની રૂચીઓ અલગ હતી. એણે અમેરિકા આવીને પોતાની ૨ વેબ-સાઇટ તૈયાર કરી હતી. જેના પર તે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખતો હતો. તે ઊપરાંત તે પોતે ભારતમાં નાટકોમાં અભિનય અને દિગદર્શન પણ કરી ચૂક્યો હતો. છેલ્લા એક વર્ષથી તેને ગુજરાતી ભાષામાં કવિતાઓ,શાયરીઓ અને વાર્તા લખવાનો શોખ જાગ્યો હતો. તે એક નોવેલ પણ લખી રહ્યો હતો. પણ આ બધાથી ઊલટું એ સ્વભાવે થોડોક આળસું હતો. આર્યાનનો જવાબ સાંભળી ને પંકિતે તરત જ કહ્યું
” ન્યૂપોર્ટ અને હોબોકેન તો દર વખતે જઇએ છીએ, આજે કોઇક બીજી જગ્યાએ જઇએ તો! પ્રગ્નેશભાઈ કહેતા હતા કે બેયૉન હડ્સન નદીના કિનારે જવા જેવું છે જે બહુંજ સરસ અને રમણિય છે. ચાલો ત્યાં જઇએ“
આર્યાન ચાલતો-ચાલતો રસોડા તરફ જાય છે. સપન બધા માટે ચ્હા અને જયેશ બધા માટે બટાટા પૌંઆ બનાવહો હતો. આર્યાન કાચના પ્યાલામાં દૂધ કાઢતા કહે છે
” ભાઇઓ પંકિત કહે છે કે બેયોન માં હડ્સનના નદી કિનારે જવાની મજા આવે એમ છે એવું પ્રગ્નેશભાઇ એને કહેતા હતા.”
સપન ધીમા તાપે ચ્હાને મૂકીને ગુગલમાં શોધવા માંડે છે સરનામું અને જવાનો રસ્તો. થોડીજ વારમાં જયેશને કહે છે લખ સરનામું
” ૧૬મી સ્ટ્રીટ પર એવન્યુ-એ ના અંતે છે. અને આપણે ૪૪૦ પર આગળ જઇને ઇ-૨૨મી એક્ઝીટ લેવાની છે.”
આર્યાન દૂધમાં બોર્નવીટા નાખીને હલાવીને સપનને પૂછે છે
” તેજસ શું કહે છે? આવાનો છે કે નહીં“
સપન ચ્હા ઊકાળતા જવાબ આપે છે કે
” મે ૨-૩ વાર પૂછ્યું પણ ભાઇને ઊંધવું છે. હવે તું પ્રયત્ન કરી જો.”
આર્યાનના નિયમમાં લગભગ પૂછવાનું આવતું નથી એટલે એની આદત મુજબ સપનના રૂમમાં ગયો જ્યાં તેજસ એ આકાશના પલંગ પર સૂતો હતો. આર્યાન જઇને તેજસનું ઓઢવાનું ખેંચીને કહે છે
” ચલ તેજસ ઊભો થા. તૈયાર થઇને બહાર જવાનું છે.”
તેજસ આળસ મરોડતા બગાસુ ખાતા-ખાતા પૂછે છે
” ક્યાં જવાનું છે? બહુજ સરસ ઉંધ આવે છે બડ્ડી.”
આર્યાન રૂમમાંથી બહાર નીકળતા જવાબ આપે છે
” તેજસ, ગમે ત્યાં જવાનું હોય પણ તારે તૈયાર થવાનું છે એનાથી મતલબ રાખને “
અને આટલું બોલતા-બોલતા એ એના રૂમમાં આવીને પાછો લેપટોપ પર ગેમ રમવા બેસી ગયો. થોડીજ વારમાં પટેલ આવે છે રૂમમાં અને આર્યાન ને કહે છે
” ચલ બડ્ડી નાસ્તો કરવા.”
આર્યાન ઉભો થઇને શિખર અને પંકિતને બોલાવા એમના રૂમમાં જાય છે પણ ત્યાં પંકિત હોતો નથી અને શિખર મોઢૂં રૂમાલથી સાફ કરતો હોય છે. આર્યાન તરત જ પૂછે છે
” પંકિત ક્યાં ગયો?”
શીખર રૂમાલ સૂકવતા જવાબ આપે છે
” આર્યાન તને ખબર તો છે એની આદત છે કે નાસ્તા અને જમવાના સમયે જ નાહવા જવાનું, તો ભાઇ બીજા બાથરૂમમાં નાહવા ગયા છે“
ધરમાં આર્યાન અને શિખરને બહું બનતું હતું. આર્યાન અને શિખર બંન્ને ગુજરાતી સાહિત્યના પ્રેમી હતા. આર્યાનને લખવાનો શોખ તો શિખરને વાંચવાનો શોખ હતો.ઘણીવાર રાત્રે તો શિખર અને આર્યાન ધરે જ ફ્લેવર વાળો હુક્કો બનાવતા અને આગળના મોટા રૂમમાં અંધારૂં કરી જગજીત સિંહ અને મનહર ઉધાસની ગઝલો સાંભળતા. આ હુક્કામાં ખાલી સાદી ફ્લેવર હોવાથી એની મજા બધા જ માણવા આવતા પણ શિખર અને આર્યાનનો છેક સુધી સાથ ખાલી સપન જ આપતો. બાકી બધા ૧ કલાકમાં સૂવા જતા રહેતા જ્યારે સપન,શિખર અને આર્યાન ૨-૩ કલાક શાંતીથી રાત્રે ગઝલો સાંભળતા અને જીદંગીની ચિંતાઓ અને વ્યથાઓને હુક્કાના ધૂમાડામાં ઊડાતા જોતા.
શિખર અને આર્યાન રસોડામાં જાય છે. ત્યાં સપન અને જયેશ જોડે બટાટા પૌંઆ અને ચ્હા લઇને બેઠા હતા. ખાસા સમયે રવિવારે આમ જોડે બધા નાસ્તો કરવા બેઠા હતા. છેલ્લા ૨ વર્ષમાં સાતેય જણાએ ખુશી અને મસ્તીથી દિવસો જોડે કાઢ્યા હતા. રાત્રે ૨-૩ વાગ્યા સુધી સાદો ફ્લેવર વાળો હુક્કો પીવો, પત્તા રમવા, ક્યારેક તો રાત્રે ૩ વાગ્યે ચ્હા બનાવવી, ખુબજ મસ્તી કરવાની અને ક્યારેક તો કોઇકના જન્મ-દિવસે એને ઢીબી નાખવાનો. વાતો કરીએ એટલી ઓછી પડે એમ હતું. આ છતાં બધાના મનમાં ક્યાંકને ક્યાંક એવા ડરની લાગણી હતી કે હવે શું કરીશું? આ સમય જ્યારે આપણે એચ-૧ કરાવીને, જોબ લઇને અને ભવિષ્યમાં લગ્ન કરીને સંસાર માંડીશું ત્યારે ક્યાંથી આવશે?. પરંતુ કોઇ ક્યારેય પણ આ વિશે ચર્ચા કરતું નહીં કારણકે બધાને ખબર છે કે ચર્ચાના અંતનું પરીણામ દુઃખદ જ હશે.
બધા ચ્હા-નાસ્તો કરીને તૈયાર થયા અને ઘરની બહાર નીકળ્યા. ઘરમાં ખાલી જયેશ પાસે જ ગાડી હતી. એ ભાઇએ કોઇકની પાસેથી વપરાયેલી ગાડી ૧૦૦૦ ડોલરના ભાવે લીધી હતી જેમાંથી ખાલી ૫૦૦ ડોલર જ આપ્યા હતા અને બાકીના ગાડીમાં વાંધા-વચકા કાઢીને કપાવી નાખ્યા હતા. ભલે એ ગાડીનું મોડેલ જૂનું હોય પણ એમના માટે એ બી.એમ.ડબલ્યુ કે મર્સીડીઝથી કાંઇ ઓછી નહોતી. આજ ગાડીમાં કેટલીય સફરો ગીત ગાતા-ગાતા, રમતા અને મસ્તી કરતા પૂરી કરી હતી. બધા શાંતીથી ગાડીમાં એ દિવસે ગોઠવાય છે. શાંતીથી એટલે કે ૪ જણાની જગ્યામાં એ દિવસે ૬ જણાએ સમાવાનું હતું. એકબીજાના અડધાના પગ પર અને અડધા સીટ પર જેમ-તેમ બેસીને આગળ-પાછળ થઇને પણ ૬ જણા બેઠા. પહેલા જ એવું થયું કે જયેશે જ્યારે ગાડી વાળીને રોડ પર લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ અમારી ગાડી પાછળ વાળાની ગાડીની વચ્ચે રસ્તો આખો બંધ કરીને ઊભી રહી ગઇ. પાછળ વાળા ને આના કારણે ખુબ જ ગુસ્સો આવ્યો અને જોર – જોરથી હોર્ન મારવા માંડેલો. પરંતુ એ ૬ જણા તો યુવાનીના જોશમાં પૂરે-પૂરા રંગાયેલા હતા તો એ ગાડીવાળાની અવગણના કરીને જયેશે ગાડીને રમરમાટ દોડાવી મૂકી અને પછી ક્યાંય સુધી એ ગાડીવાળાને આગળ આવવા ન દીધૉ.
રસ્તો શોધતા-શોધતા ૩૦મીનીટના બદલે ૧ કલાકે તો એ દિવસે બેયોન નદીના કીનારે અમે પહોંચ્યા. દૂરથીજ બહુજ મોટું પાર્કીંગ એ પછી મોટું ગાર્ડન અને એમાં લીલુંછમ્મ ઘાંસ. બાજુમાં જ ટેનીસ-કોર્ટ અને સમાંતરે લાંબુ વિશાળ મેદાન જેમાં ૨ ટીમો ફૂટબોલ રમી રહી હતી. આર્યાને જ્યારે પ્રથમ વાર આ નજારો જોયો તો એ ખુબજ ખુશ થઈ ગયો. નદીનો શાંત પણ સમુદ્રના મોજા જેવો પ્રવાહ, સામેજ જર્સી-સીટી પોર્ટ અને દૂર-દૂર સુધી ખાલી પાણી જ પાણી. પૂર્વેથી વાતો ધીમો-ધીમો પવન તથા સાંજના ૬-૩૦નો સમયે સૂરજ એ વાદળા અને આકાશની ક્ષિતિજો સાથે સંતાકૂકડી રમતો હતો. ઘરે પાછા જતા પક્ષીઓના કલરવ અને તદ્દન નીરવ શાંતિ. બધા આજ રમણીય સુંદરતા અને શાંતીના નીરવ સંગીતને માણતા હતા. ત્યાં જ આર્યાન બોલ્યો
” આવતા વર્ષે આપણે ક્યાં હોઇશું શું ખબર? ફરી ક્યારે આવી સુંદર જગ્યાએ જોડે આવી શકીશું કે નહીં? આ બધું યાદ આવશે, નહીં?”
શીખર પૂર્વેથી આવતા પવનો તરફથી જોઇને કહે છે
” બડ્ડી, આપણી જીદંગી આ હડ્સનના પાણી જેવી છે. એનું કામ વહેવાનું છે. એ એની ઇચ્છા હોય તો પણ અટકી શકે નહીં“
સપન હડ્સનના નીરને જોતા-જોતા કહે છે
“અને આ પાણીનેય ક્યાં ખબર હોય છે કે ફરી પાછા આજ કિનારે એને આવવા મળશે કે નહીં છતાં એ દરેક પળને કેટલી મસ્તીથી ઊછળી-ઊછળીને કિનારાને અથડાવાના બહાને ગળે મળીને માણે છે“
જયેશ આછા ગુલાબી આકાશની ક્ષિતિજો પાછળ આથમતા સૂરજને જોઇને કહે છે
“વિશ્વાસ રાખો કે આપણી જીદંગી આ સૂર્ય જેવી હોય. કે રોજ એના નિર્ધારીત સમયે આવાનું, હડ્સનના નીર જોડે આખો દિવસ વાતો કરવાની અને સાંજ પડે એટલે નભની ક્ષિતિજોમાં સંતાકૂકડી રમતા-રમતા એના આછા ગુલાબી ચિત્રો છોડી જવાના.”
આર્યાન શૂન્યમનસ્ક થઇને બધાને જોઇ રહ્યો હતો અને જયેશના વાક્ય પછી બધાના મૂડ થોડૉ હળવો કરવા માટે કહે છે
“મળીશું ભાઈ આપણે બધાં મળીશું અને એ પણ અહીં જ. પણ ફરક એટલો હશે કે આપણે એકની જગ્યાએ ૬ કારમાં આવીશું અને ૬ની જગ્યાએ ૧૨ થઇ ગયા હોઈશું અને એકબીજાને કાકા- કાકા કહેવા વાળા આપણી આગળ-પાછળ કેટલાય દોડતા હશે.”
આ સાંભળીને બધા ખડખડાટ હસવા માંડ્યા અને એ હસવાના પડધા હડ્સનના એ કિનારે ક્યાંક ખોવાઇ ગયા.
જે હસવાના પડઘા આજે આર્યાનને આટલા વર્ષોથી એજ હડ્સન નદીનો કિનારો યાદ અપાવે છે. આર્યાન અચાનક હસવા માંડે છે ત્યાં જ પાછળથી એક નાનો ટેણીયો આવીને આર્યાનને પપ્પા કહીને વળગી પડે છે. ત્યારે આર્યાનને ધ્યાન આવે છે કે આજે તો સાવ એકલો છે એ ૬ જણામાંથી. આજે તો એ એની પત્ની અને દિકરા અનાયાસ સાથે બેયોનની હડ્સનના આ કિનારે આવ્યો છે. એ અનાયાસને પોતાના ખોળામાં લે છે અને આથમતા સૂરજને બતાવે છે. એની પત્ની એની બાજુમાં આવીને આર્યાનનો હાથ એના હાથમાં લે છે અને બંન્ને અનાયાસને લઈને સૂર્યાસ્તના આકાશ પરના ગુલાબી પડછાયા સામે જોઇને બેસી રહે છે. પરંતુ આર્યાનના આંખો સામે એ આકાશ પર ભૂતકાળના ચિત્રો જીવંત દેખાતા હોય છે અને કાનમાં આજે પણ એ ૬ જણાના હાસ્યના પડઘા એટલા જ સ્પષ્ટ સંભળાય છે.
” જીદંગીનો સમય છે એક પાણીના વહેણ જેવો,
ઝરમર કરતો આવ્યો હતો અને ખળ-ખળ કરતો વહી જશે.
-
આવ્યો હતો ક્યારેક આજ હડ્સનના કિનારે હસતો-હસતો,
શું ખબર કે એ સમય યાદો બનીને રડતા-રડતા મૂકી જશે.
-
કહ્યું હતું કે મળીશું એક રોજ ફરી આજ નદીના નીરે,
વાગોળતા એ હસતી યાદો આજે શું ખબર આંખોને આમ વહેતી કરી જશે.
-
ગાળીશું પાછો એક દિવસ એવો ફરી ખુશૉઓથી,
એ અલવિદા કહેતા-કહેતા ફરી મળીશુંની એ ઝંખના હડ્સનના આજ કિનારે વહેતી જશે.”
