” નવી સવાર ” – અનાયાસ ઝિંઝુવાડીયા ( આંશીક )

દરેક મિત્રો ને દિવાળી ખુબ ખુબ મુબારક. અને હદય સભર નૂતન વર્ષાભિનંદન. દરેકની નવા વર્ષની દરેક સવાર એક નવી ખુશહાલી લાવે તેવી ઇશને પ્રાર્થના.
———————————————————————————————————————————————–
..
શબ્દોની પાંખે ઉડાણ ભરૂ હું આજે એવી,
ક્યારેક તો પહોંચીશ તમારા મનડાની પ્રીત સુધી,
લખું છું શમણાને કાગળના કટકે હું આજે એવા,
ક્યારેક તો આવશે એ કાલ બની મારા આંગણ સુધી.
..
દિવાળીએ પ્રગટે દિપ હદયમાં આપણા આજે એવા,
ક્યારેક તો બનશે અજવાળે નવી સવાર આપણી અંતીમ રીત સુધી,
ચાલો એકબીજાને હદયથી હદયે મળીએ આજે એવા,
ક્યારેક તો ભુલાવી અંતરના દ્વેષ પહોંચીશું આપણે માનવતાની રીત સુધી.
..
માંગુ નવું વર્ષ કાલથી દરેક્ની જીદંગીમાં આજે એવું,
ક્યારેક તો જોડાઇશું આપણે હદયથી હદયની પ્રીત સુધી,
જુકાવી શીષ માંગુ આશીષ ઇશ પાસે આજે એવા,
કાલથી જરૂર કરીએ સફર અવિરત માણસથી માનવી બનવા સુધી.
” એટ્લાન્ટીકની સફરે ” – અનાયાસ ઝીંઝુવાડિયા

અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર આખું પરસેવે રેબઝેબ હોય છે. બાજુમાં જુએ છે તો પ્રિયાનો હસતો ચહેરો ગાડી ચલાવતો દેખાય છે. સામે જ ગાડીમાં ઉપરની બાજુએ રહેલા નાના કાચમાં પોતાનો ભયભીત ચહેરો અને આંખો જુએ છે. મોઢા પરથી પરસેવો લૂછતા હળવેકથી પ્રિયાને પૂછે છે :
‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?’
પ્રિયાને થોડો ઝાટકો લાગે છે પણ ગાડી ચલાવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને કહે છે :
‘આર્યાન !! કેમ આમ પૂછે છે ? આપણે એટ્લાન્ટીક સીટી જઈ રહ્યા છીએ. કોઈક સપનામાં ખોવાઇ ગયો કે શું ?’ પણ એના આ વાક્યો પૂરા થતાં સુધીમાં એને આર્યાનની આંખોમાં રહેલો ભય સ્પષ્ટ રીતે દેખાઈ ગયો હોય છે.
‘કંઈ નહીં.’ આર્યાન કહે છે.
પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે, ‘સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે.’ આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં-જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે. પ્રિયા ‘ગાર્ડન સ્ટેટ પાર્ક-વે’ ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે. એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં જ આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે. પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે. એ રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે. પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે. એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે :
‘શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ?’
આર્યાન પાણીની બોટલ લઈને ગાડીમાંથી બહાર નીકળે છે અને મોઢું ધોવે છે. પ્રિયા પણ ગાડીમાંથી બહાર નીકળી રૂમાલથી એનો ચહેરો લૂછી આપે છે. પ્રિયા એને સીટ પર બેસાડે છે અને પાછી ગાડી ચાલુ કરે છે. આર્યાન સ્તબ્ધ બની ગયો છે. ….એને આંખ સામે હજુ પણ એ ખડખડાટ હસતા ધૂંધળા ચહેરા દેખાય છે જેમાં એક ચહેરો એનો પોતાનો પણ હોય છે. ત્યાં જ અચાનક એક ચીસ સંભળાય છે અને પછી છેલ્લે ખાલી એટલું જ દેખાય છે કે એ જમીન પર પડ્યો છે અને મોઢામાંથી તથા માથામાંથી લોહીની ધારા વહે છે. એની આંખોથી લોહીના ખાબોચીયામાં પડેલા એ જ બધા હસતા ચહેરાઓને અત્યારે લોહીમાં લથપથ પડેલા તે જોઈ રહ્યો છે અને એ ધૂંધળા દ્રશ્યમાં એની આંખો બંધ થઈ જાય છે…..’
એટલામાં જ પ્રિયા ‘તાજમહાલ કસીનો’ના પાર્કીંગમાં ગાડીને પાર્ક કરે છે. અંદર જતાં જતાં એ આર્યાનને કહે છે, ‘હવે મૂડમાં આવી જા. એ લોકો તને ત્રણ વર્ષથી મળવા માંગે છે તો છેક આજે મેળ પડ્યો છે. તને એમને મળીને બહુ જ મજા આવશે.’
આર્યાન કહે છે : ‘હા પ્રિયા, તું કેમ ચિંતા કરે છે ? પણ હા, ન તો મેં એમને ક્યારેય જોયા છે, ન તો એમના નામ કે કોઇ જ બાબતની મને ખબર છે !’ પ્રિયા આર્યાનના હાથમાં હાથ નાખી હળવેકથી હસતાં બોલે છે, ‘અરે કંઈ જ વાંધો નહીં, હમણાં અંદર જઈને પરીચય કરવાનો જ છે ને.’ અને બંન્ને આમ જ વાતો કરતાં કરતાં કસીનોના દરવાજામાં પ્રવેશ કરે છે. એ દુનિયા જ કંઈક અલગ છે. ચારેય બાજુ રોનક જ રોનક ! કોઈક હસતું તો કોઈક રોતું તો કોઈક ગંભીર. અહીં તમને જીદંગીમાં કુદરતે મનુષ્યમાં મૂકેલા બધા ભાવ જોવા મળી જાય. લોકો જીદંગીના જુગારની બાજી જીતવા નસીબને જુગાર પર લગાવા અહીં આવે છે. જેમાંથી દરરોજ કેટલાય લોકો નસીબના એ દાવ જીતતા હોય છે તો કેટલાક હારતા હોય છે. જેમ જેમ આર્યાન અને પ્રિયા અંદર ચાલતા જાય છે ત્યાં જ આર્યાનને પાછા પેલા કાલ્પનિક આછા-ધૂંધળા ચહેરા દેખાય છે કે જેમાં આવા જ એક કસીનોમાં એ જ ચહેરા એક ટેબલને ફરતે બેઠા છે એમાંનો એક ચહેરો તો એને સ્પષ્ટ દેખાય છે જે એનો હોય છે અને હાથમાં બિયર હોય છે તથા બધાં હસતા હોય છે.
આર્યાન વિચારોમાં જ ચાલતા ચાલતા અચાનક ઊભો રહી ગયો છે જેનું એને પોતાને કે પ્રિયાને ધ્યાન રહેતું નથી અને પ્રિયા આગળ નીકળી જાય છે. હજી આર્યાન કંઈક સમજી શકે તે પહેલા એને બૂમ સંભળાય છે, ‘આર્યાન….. !!!!’ આર્યાન સ્તબ્ધાવસ્થામાંથી બહાર આવે છે અને જે દિશામાંથી પ્રિયાની બૂમ સંભળાય છે એ જ દિશામાં ચાલ્યો જાય છે. કસીનોની વચ્ચોવચ્ચ એક બાર છે જેનો એક ખૂણો અંધકારમય છે અને ત્યાં આરામથી બેસવાની વ્યવસ્થા છે. આર્યાન પ્રિયા પાસે પહોંચે છે. પ્રિયા એને આગળ દસ-બાર લોકો બેઠા છે ત્યાં લઈ જાય છે. ત્યાં અંધારાના કારણે દૂરથી કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા, પણ જેવા નજીક જાય છે કે તરત પ્રિયા કહે છે :
‘મિત્રો ! આ છે મારા પતિ…. આર્યાન’
જેવો પહેલો બેઠેલો માણસ આર્યાન જોડે હાથ મેળવવા ઊભો થાય છે ત્યાં જ ‘બાર-કાઉન્ટર’ પરથી આવી રહેલા આછા પ્રકાશમાં એનો ચહેરો આર્યાનને દેખાય છે અને આર્યાન સ્તબ્ધ થઈ જાય છે. આર્યાન જેવો હાથ મેળવવા આગળ કરે છે ત્યાં જ સામેની વ્યક્તિ પૂછે છે :
‘કેમ છે આર્યાન ? મારું નામ…..’
‘સપન….. સપન શાહ….’ હજુ એ કંઈ બોલે એ પહેલા જ આર્યાન બોલી ઊઠે છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ? એ પછી આર્યાન બધા જોડે હાથ મેળવે છે અને બધાના નામ બોલતો જાય છે : ‘આકાશ… આકાશ દોશી, મિહિર દરજી , પંકિત….પંકિત સુતરીયા , જીમીલ દેસાઈ, જયેશ…. જયેશ પટેલ, તેજસ……તેજસ શાહ’
આર્યાન એક અજીબ આશ્ચર્યથી બધા સામે જોઈ રહ્યો છે તથા પ્રિયા અને એના મિત્રો આર્યાન સામે એટલા જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આર્યાન છેલ્લે બોલે છે : ‘હું ક્યાંકને ક્યાંક તમને લોકોને મળી ચૂક્યો છું…’ કોઈને કંઈજ ખબર નથી પડતી કે શું પુછવું કે શું કહેવું ? પ્રિયા આર્યાનને લઈને વચ્ચેના સોફા પર બેસી જાય છે. કદાચ પ્રિયા જેટલો આધાત કોઇને નહીં લાગ્યો હોય. એટલામાં જ આ સ્તબ્ધતા અને આશ્ચર્યભર્યા વાતાવરણને તોડવા સપન હસતાં-હસતાં મજાકમાં કહે છે : ‘વાહ પ્રિયા વાહ !! તેં તો અમારી બહુ જ વાતો કરી લાગે છે કે આર્યાન પહેલીવાર મળતો હોવા છતાં અમને નામ સાથે ઓળખી ગયો !’ પ્રિયા સપનની વાતને આધાર આપતું સ્મિત ચહેરા પર આપે છે કે જેથી બધા હસવા માંડે છે અને વાતાવરણ થોડું હળવું થાય છે પણ પ્રિયાને અંદરથી હજી એ જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે આર્યાન આ બધાને કેવી રીતે ઓળખે છે ?
બધા કેટલાય સમય પછી મળ્યા હોવાથી ખૂબ વાતો કરતા હોય છે જ્યારે આર્યાન હજુ પણ બધાને જોઈને આશ્ચર્યમાંથી બહાર નથી આવ્યો. એ ખાલી બધાની વાતોમાં સ્મિત આપીને ‘હા ! હા !’ કરતો રહેતો. પણ મનમાં એને પણ પ્રિયાની જેમ એજ પ્રશ્ન હેરાન કરતો હતો કે ન તો મને પ્રિયાએ એમનાં નામ કીધાં છે ન તો મને એમના ફોટા ક્યારેય બતાવ્યા છે, ન તો ક્યારેય એમના વિશે કોઈ વાત થઈ છે, તો પછી મને એમના નામ આવડ્યા ક્યાંથી ? એટલામાં સપન બોલે છે :
‘ચાલો, આજે ત્રણ વર્ષે મળવાની ખુશીમાં તમને બધાને આપણા જૂના દિવસોની એક વાત યાદ કરાવું. ખાસ કરીને આર્યાન-પ્રિયા અને બાકીના અમારા સાતની પત્નીઓને તો આ વાત ખબર નહીં જ હોય. આ વાત છે મારી, એટલે કે અમારા આઠ જણાની. અમે સાત અને એક આઠમો જેનું નામ છે બડ્ડી (buddy).’ બધા હાથમાં ગ્લાસ લઈને વાર્તા સાંભળવા ગોઠવાઈ જાય છે. સપન આગળ બોલે છે : ‘આ વાત છે આપણા આઠ મિત્રોની કે જે ભારતથી જોડે આવ્યા હતા, રહ્યા’તા જોડે, હસ્યા’તા જોડે અને રોયા’તા પણ જોડે !’ સપન ત્યાં બેઠેલા બાકીના છ મિત્રોને સંબોધીને કહે છે : ‘મિત્રો, જો તમને યાદ હોય તો આ વાત છે એ દિવસની જ્યારે આપણે બધા રાત્રે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા. જી હાં, આ વાત છે આપણી એટ્લાન્ટીક સીટીની સફરની… એ દિવસે સાંજે બડ્ડી , પંકિત અને તેજસ જર્સી સીટીની ઈન્ડિયન સ્ટ્રીટ પર ‘બંગાળી’ નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હતાં. રાતના સાડા નવ થયા હતા. હું, આકાશ, જીમીલ અને જયેશ સીધા નોકરીએથી ત્યાં આવ્યા હતા….’
બધા ધ્યાનમગ્ન થઈને યાદો વાગોળવામાં મશગૂલ થઇ રહ્યાં હતાં જ્યારે બીજી બાજુ આર્યાન એકીટશે વાત સાંભળતા સપન સામે જ જોઇ રહ્યો હતો. સપન વાતને આગળ વધારતા કહે છે, ‘એ રાતે જમવાનું પતાવતા આપણને અગિયાર વાગ્યા હતા. બધા જમીને જેવા રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા, એવો જ બડ્ડી બોલ્યો હતો કે કાલે તો બધાને રજા છે ને તો આજે એટલે કે અત્યારે જ એટ્લાન્ટીક સીટી જઈએ તો કેવું રહે ? બધાને તો જોઈતું હતું ને વૈદે કીધું જેવી સ્થિતિ હતી. થોડી જ વારમાં નક્કી થયું કે બધા એટ્લાન્ટીક સીટી જવા રવાના થશે.’ પંકિત હાથમાં રહેલા ગ્લાસમાંથી ચુસકી મારી બોલ્યો, ‘હા અને પછી આકાશ, જયેશ અને મિહિર નુવાર્ક-એરપોર્ટ પર ગાડી ભાડે લેવા ગયા અને આપણે બધા ઘરે ગયા હતા. રાતના બાર વાગ્યે ઘરે ગાડી આવી ગઈ અને શરૂઆત થઈ એ અદ્દભુત સફરેની…’
જીમીલ ત્યાંથી વાત આગળ વધારતા કહે છે : ‘એ દિવસે જયેશ ગાડી ચલાવતો હતો. સપન એની બાજુની સીટ પર બેઠો હતો. પાછળ આકાશ, તેજસ અને બડ્ડી. જ્યારે છેક પાછળ હું, મિહિર અને પંકિત બેઠા હતા. ‘બોલો અંબે માતની જય….’ ના નારાથી ગાડી ચાલુ થઈ અને જર્સી સીટીના સીપ એવન્યુથી રૂટ ૪૪૦ તથા રૂટ વન એન્ડ નાઈન પર થઈ પિસ્તાળીસ મીનીટમાં તો ગાર્ડન સ્ટેટ પાર્ક-વે પર પહોંચી ગઈ.’ મીહીર બે ઘૂંટ ભરતા બોલે છે, ‘મસ્ત ઠંડક ભરી એ રાત હતી. ધીમા ધીમા મસ્તી અને જોશ ભર્યા ગીતો વાગતાં હતાં. બધા જૂની-જૂની વાતો યાદ કરી એકબીજા જોડે મસ્તી કરતા હતા……’ પ્રિયા તથા બીજા બધાની પત્નીઓ આ વાતમાં ખૂબ જ રસ લઈને સાંભળી રહી હતી.
ત્યાં જ આર્યાન ગ્લાસમાંથી એક ઘૂંટ ભરીને બોલે છે : ‘બડ્ડી શાંતીથી બેઠો-બેઠો ગીત ગુણગુણાવતો હોય છે અને એટલામાં તેજસ અંતાક્ષરી ચાલુ કરે છે…..’ આર્યાનના મોઢે આ વાક્ય સાંભળતા ત્યાં બેઠેલા બાકીના બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાત તો સાત મિત્રો અને બડ્ડીની હતી, તો આર્યાનને ક્યાંથી ખબર પડી ? પ્રિયા તો આર્યાનને આઘાતથી જ જોઈ રહી હોય છે કારણકે પહેલા બધાનાં નામ અને હવે એમની વાર્તા ? આર્યાન વાતને આગળ વધારતાં કહે છે :
‘અંતાક્ષરી ચાલુ કર્યા પછી તો એક પછી એક અવ્વલ દરજ્જાના બાથરૂમ ગાયકોના બેસૂરા રાગોના અવાજ સૂમસામ ગાર્ડન સ્ટેટ પાર્ક-વેના સન્નાટામાં પ્રસરે છે. બધા એ રાતે એમની વિડમ્બણાઓ ભૂલાવી મદમસ્ત બનીને અલગ અલગ સૂરો આલાપવામાં મશગૂલ હતા. જયેશ પણ જુવાનીના જોશના મસ્તીભર્યા એ રંગમાં ગાડીને ૧૧૦ માઇલ/કલાકની ઝડપથી દોડાવતો હતો. આમ ને આમ મસ્તીભર્યા વાતાવરણમાં એકાદ કલાક બીજો નીકળી ગયો. કોઈકને નોકરીની ચિંતા તો કોઈકને અમેરીકામાં ટકી રેહવાની ચિંતા. પણ એ રાત જ અલગ હતી. બધા મિત્રો દુઃખના રંગો ભૂલાવી મસ્તી અને આનંદના મેધ-ધનુષમાં આનંદપૂર્વક મોજીલા બની નાચતા હતા. ધીમે ધીમે આ યૌવન રંગે રંગાયેલું વાતાવરણ શાંત પડ્યું અને ધીમે ધીમે બધાને ઊંઘ ચઢી. સપન આગળની સીટમાં જાગતો બેઠેલો અને બડ્ડી સન્નાટામાં કોઈક વિચારમાં ખોવાયેલો ઝડપના કાંટા સામે જોતો હતો જે ૧૦૦ માઇલ/કલાકની સ્પીડ નીચે ઉતરતો જ નથી ! થોડીવારમાં સપન પણ ઊંધી ગયો અને બડ્ડીની આંખો ક્યારે બંધ થઈ ગઈ એ એને પણ ખબર ન રહી. જયેશ એકલો ગીતો સાંભળતો મંઝીલ તરફ આગળ વધી રહ્યો હતો. બધા એમની કાલનું ભવિષ્ય કેવું હશે એના સપનાઓમાં ખોવાઈ ગયા હતા. ત્રીસેક માઈલનું અંતર કાપ્યું હશે ત્યાં જ ચીચીચી….ઈઈઈ…સસસસ…. એવો જોરથી ગાડીમાંથી અવાજ આવ્યો. બધા એકદમ ગભરાઈને બેબાકળા બનીને ઝબકીને જાગી ગયા. પરંતુ જેવી આંખો ખૂલી એવો જ જીવ જાણે તાળવે ચોંટી ગયો. સામે દેખાતા દ્રશ્ય પર કોઈ પણ આંખને વિશ્વાસ નથી આવતો. એમની આગળ માત્ર ૧૫૦ ફૂટ દૂર એક કાળા રંગની હોન્ડા-સીવીક એની આગળ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયેલી દેખાય છે અને એ કાળા રંગની ગાડીની પાછળ એમની ગાડી છે જે ફક્ત સો-એક ફૂટ જ દૂર છે. જયેશે બ્રેક મારી ત્યારે એ ૧૨૦ માઇલ/કલાકની ઝડપે ચાલી રહી હતી અને આટલી ઝડપે બ્રેક મારવાના કારણે ગાડી આખી રસ્તા પર ઘસડાતી અને લસરાતી એ કાળા રંગની ગાડી અને ટ્રક તરફ આગળ વધી રહી હતી. બધાની આંખો પહોળી અને મોઢાં ખુલ્લા રહી ગયા હતાં અને મૃત્યુ ખાલી સો ફૂટની દૂરી પર દેખાઈ રહ્યું હતું જે એમની તરફ સતત આગળ વધી રહ્યું હતું…’
‘સોનેરી કાલના સપનાના ઊગતા સૂરજને એ સોળ આંખો આથમતી જોઈ રહી હતી. મીહીર અને જીમીલ ભયના માર્યા સીટની પાછળ ભરાઈને મોઢું નીચે નાખીને બેસી ગયા હતા. તેજસ અને આકાશના મોઢામાંથી ‘જયેશશશઅઅઅ…..’નામની ચીસ નીકળી ગઈ હતી. સપન અને જયેશની આંખોમાં મૃત્યુની અણધારી પળ નજીક આવતી દેખાતી હતી. જ્યારે બડ્ડી તો સાવ સ્તબ્ધ થઈને જાણે સમય રોકાઈ ગયો હોય એમ એમની ગાડીને મૃત્યુની ખીણ તરફ ઘસડાતી જોઈ રહ્યો હતો. પણ અચાનક કોણ જાણે એ આઠમાંથી કોના નસીબની રેખાઓ કામ કરી ગઈ અને જયેશે દબાવેલી બ્રેકના પરીણામ રૂપે એમની ગાડી અકસ્માતવાળી ગાડીથી દસેક ફૂટના અંતરે લોહચુંબકની જેમ રસ્તા સાથે ચોંટી ગઈ. જયેશના જીવમાં જીવ આવ્યો અને માથું સ્ટિયરીંગ પર મૂકી બેસી ગયો. સપને હાશનો શ્વાસ લઈને માથું સીટ ઉપર ટેકવી દીધું. બધા હજી સુમ્મ થઈને રહી ગયા હતા. આકાશ અને બડ્ડી ગાડીમાંથી બહાર નીકળ્યા અને બહારનું દ્રશ્ય જોતાજ બંન્નેના રૂંવાડા ઊભા થઈ ગયા. આગળની ગાડી એમની ગાડીથી દસેક ફૂટ જ દૂર હતી જ્યારે પેલી ગાડીનો એવો જોરદાર અકસ્માત થયો હતો કે કાળી ગાડી આગળ ટ્રકમાં આખી ઘૂસી ગઇ હતી અને લગભગ ૧૦-૧૫ફૂટ જ ભાગ બહાર દેખાતો હતો. એન્જિનના અવાજો સિવાયએ અંધારાના સન્નાટામાં કોઈ જ અવાજો ન હતા. બડ્ડી સિગારેટ કાઢીને સળગાવા જાય છે તોય મૃત્યુને દસફૂટથી જોયેલી કંપારીમાં એના હાથ હજુ પણ ધ્રુજતા હતા. આકાશ ૯૧૧ (અમેરિકન પોલીસ માટેનો ફોનનંબર) કરે તે પહેલાં જ એમ્બ્યુલન્સ અને પોલિસની ગાડીઓ ત્યાં આવી ચઢી હતી. થોડીક બધાની પુછતાછ કરી અને બરોબર તપાસ કરી કે કોઈને સારવારની જરૂર છે કે નહીં ? ત્યારબાદ દસ જ મિનિટમાં એ બધા પાછા રવાના થયા એટ્લાન્ટીકના પથ પર. ત્યારબાદ ચાલીસ મિનિટમાં એ રાતે બધા એમની મંઝીલે પહોંચી ગયા હતા. પરંતુ એટલાન્ટીક સીટી પહોંચ્યા પછી પણ બધા ચૂપચાપ હતા. આંખોમાંથી મૃત્યુની ઝલક હજી જતી ન હતી.’
આર્યાન આટલું બોલી અટકે છે. સપન અને મિહિરની સામે જુએ છે. બધા બહુ જ ગંભીર અને સ્તબ્ધ દેખાય છે. આર્યાન એક નવો ગ્લાસ લાવે છે અને ઘૂંટડો ભરીને વાત આગળ વધારે છે : ‘એ દિવસે મિહિર અને બડ્ડી બંન્ને ‘બાર- કાઉન્ટર’ પર જાય છે બે બિયર લે છે અને છેલ્લા બે વર્ષોમાં ન કરી હોય એવી જીદંગીની હકીકતોની ખુલાસાપૂર્વક વાતો એ દિવસે કરે છે. ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધે છે એમ બધા મૃત્યુની નજીકથી જોયેલી ક્ષણો ભૂલાવા કસીનોની રંગતમાં ખોવાવા માંડે છે. એમ ને એમ સવારના આઠ વાગે છે. રવિવારની સવારના એ સૂરજને જોવાની ખુશી જેટલી એ દિવસે એમને હતી કદાચ આ પહેલા ક્યારેય એમણે અનુભવી ન હતી. થોડો ઘણો નાસ્તો કરીને બધા ગાડી લઇને સાઉથ-જર્સી જવા રવાના થયા જ્યાં બહુ જ સુંદર દરિયાકિનારે એમણે આખો દિવસ ગાળ્યો. પાણીમાં ન્હાયા અને ખૂબ મસ્તી કરી. એમની આ જ મસ્તીમાં ગઈકાલની અકસ્માતવાળી વાત ક્યાંય ભૂતકાળ બનતી જતી હતી. રાત્રે નવ વાગે બધા પાછા ગાડીમાં ગોઠવાયા અને જર્સી-સીટી પાછા આવા રવાના થયા. જયેશ થાક્યો હોવાથી બડ્ડીએ ગાડી ચલાવાનું નક્કી કર્યું. બધાની આંખોમાં હવે થાક હતો. શનિવાર સવારથી આજે રવિવારની રાતના સાડાનવ વાગ્યા હતા અને હજી કોઈએ આરામ કે સરખી ઊંઘ લીધી નહોતી. થોડી જ વારમાં બધા ઊંધવા માંડ્યા અને ગાડીમાં છેલ્લે બડ્ડી પોતે અને એના કિશોરકુમાર સાહેબના ગીતો જ જાગતા હતા ! બડ્ડી ગીતો ગાતાં-ગાતાં ગાડીને રમરમાટ રસ્તા પર ચલાવી મૂકી હતી. કલાકમાં ૧૦૦એક માઇલ પછી બડ્ડી ફ્રેશ થવા માટે ગાડીને ઊભી રાખે છે. મોઢું ધુએ છે, બિયર પીએ છે અને સીગરેટ સળગાવે છે. ત્યાં સુધીમાં બાકીના બધા પણ ફ્રેશ થઇ જાય છે અને બધા પાછા ગાડીમાં ગોઠવાય છે.’
‘રાતના અગિયાર વાગ્યા હતા અને 140 માઈલ બાકી હતા. બધા થોડીવાર ગીતો સાંભળતા વાતો કરે છે પણ અંતે થાકનો વિજય થતા પાછા સૂઈ જાય છે. બડ્ડીને પણ હવે થાક રંગ બતાવતો હોય છે એને આંખો થોડી-થોડી બળવા લાગે છે. એ એક બીજી સિગારેટ સળગાવે છે અને બારી ખોલીને તે પીએ છે. પણ ૧૫-૨૦ મિનિટમાં સહનશક્તિ સાથ છોડી દે છે અને એની આંખો બંધ થઇ જાય છે. એને એ ધ્યાન પણ નથી હોતું કે ગાડી એ વખતે ગાર્ડન-સ્ટેટ પાર્ક-વે પર ૧૩૦ માઈલ/કલાકની ઝડપે ચાલતી હતી ! એ જેવી આંખો બંધ કરે છે એવામાંજ અચાનક એને ગઈકાલનું દ્રશ્ય દેખાવા માંડે છે….. એ લોહીલુહાણ કાળી ગાડીમાંથી કઢાતી લાશો…. એના અને મૃત્યુ વચ્ચેનં ખાલી દસ ફૂટનું એ અંતર…. આ બધું જોઈ એના હદયના ધબકારાની ગતી વધી જાય છે અને અચાનક જોરથી કોઇક ગાડીનો હોર્ન સંભળાય છે. બડ્ડીની આંખો ખુલે છે તો પોતાની ગાડીને ૧૩૦ માઇલ/કલાકની ઝડપે જુએ છે પણ એને કંઈક સમજણ પડે કે એ કંઈ વિચારીને કશુંક કરે એ પહેલાં ગાડી રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર એ જ ગતિએ અથડાય છે અને હવામાં ઊછળે છે. એને કંઈ જ સમજવાનો કે વિચારવાનો સમય નથી મળતો. એ જોરદાર ઝટકાથી બધા ગભરાઈને ઊઠી જાય છે પણ બહુ જ મોડું થઈ ગયું હોય છે. બધાની આંખો પહોળી થઈ જાય છે અને મોઢામાંથી ચીસો નીકળી જાય છે. ગાડી હવામાં પચાસેક ફૂટ ઊછળે છે અને બધાને કંઈ પણ ખબર પડે એ પહેલાં ગાડી હવામાં જ બે-ત્રણ ગુલાંટી ખાઈને ઊંધી થઈને નીચે પડે છે. બડ્ડી રસ્તાની એક બાજુએ ગાડીથી થોડેક દૂર ઊંધો પડ્યો હોય છે. એને એના મોઢાની નીચે લોહીનું ખાબોચિયું ભરાયેલું દેખાય છે અને એના માથામાંથી લોહીનો રેલો કપાળ અને આંખો પરથી થઈ ખાબોચિયું બનાવતો દેખાય છે. એને એના મિત્રો ગાડીની આજુબાજુ એની જેમ જ કણસતા અને લોહીલુહાણ દેખાતાં હતાં. ગાડી ઊંધી પડી પડી બળતી હતી. ધીમે ધીમે શરીર અને શ્વાસ બંન્ને સાથ છોડવા માંડે છે. એની પાંપણો ભારે થાય છે અને એને છેલ્લે પ્રિયા કે જે એની જીવનસંગીની બનવાની હોય છે એનો માસૂમ ઉદાસ ચહેરો દેખાય છે અને કાનમાં એના અવાજના વાકયો ગૂંજે છે : “આર્યાન ! તું મને એકલો મૂકીને ક્યાં જાય છે ? હું શું કરીશ તારા વગર ?” અને બધું જ જાણે કે અંધકારમાં વિલિન થઇ જાય છે.’
આર્યાન આ વાક્યો બોલતા બોલતા ચૂપ થઈ જાય છે એની આંખોમાંથી આંસુઓ નીકળતા હોય છે. એ જ્યારે માથું ઊંચુ કરીને જુએ છે તો આજુબાજુની દરેક વ્યક્તિ રડતી હોય છે. આર્યાન બધાની સામે જુએ છે અને કહે છે : ‘મિત્રો, મને એ ખરાબ ડ્રાઈવિંગ માટે માફ કરી દેજો હું ખૂબ જ…. ખૂબ જ દિલગીર છું… આ એ વાક્ય છે જે હું એ રાતે ચાહતા હોવા છતાં પણ બોલી શક્યો નહીં….’ અને આર્યાનની આંખોમાંથી આંસુઓની ચોધાર વર્ષા થવા માંડી. બધા આર્યાનની નજીક આવ્યા અને કહ્યું : ‘બડ્ડી, તું આજે પણ માફી માંગતા સારો નથી લાગતો. ચાલ, આજે ત્રણ વર્ષે મળ્યો છે તો ગળે લાગી જા…..’ અને બધા એને ભેટી પડે છે.
બધા આજે ખુશ છે કે આર્યાન એટલે કે બડ્ડીની યાદશક્તિ આજે ત્રણ વર્ષે પ્રિયાના વિશ્વાસે પાછી આવી ખરી. પ્રિયા બધાનો ખુબ ખુબ આભાર માને છે કે આજે એના પતિ આર્યાનની યાદશક્તિ પાછી લાવવાના છેલ્લા પ્રયત્નમાં બધાએ એનો સાથ આપ્યો અને છેક અહીં એટલાન્ટીક સીટી સુધી આવ્યા. બધા ધીમે ધીમે જૂની યાદો સાથે હસવા અને મસ્તી કરવા માંડ્યા અને આર્યાન હસતાં-હસતાં એની પોતાની જૂની જીદંગીમાં પાછા લાવા બદલની ખુશીમાં પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો છે. ધીમેથી તે પ્રિયાની નજીક આવે છે અને કહે છે : ‘હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ મને આટલો અપાર અને અનંત પ્રેમ કરવા બદલ તારો ખુબ-ખુબ આભાર…..’
સ્વાગતના રંગો
આગમનના એંધાણ થાય છે જ્યારે એના આગમનના,
બદલાય છે રૂખ આ વસંતના પવનના,
ખીલે છે ફૂલો કળીયે- કળીયે એવા,
જાણે સ્વાગતના રંગો ખીલવે છે કુદરત મારા પ્રેમના.
“આગમન” – અનાયાસ ઝિંઝુવાડીયા

આજે ખુશીઓના રંગ બની આવ્યા તમે,
જીદંગીને આજે વસંતનો અવસર બનાવ્યો તમે,
ફૂલો ખીલ્યાતા ખુશીના ઘણી આવતી જતી પાનખરમાં,
પ્રેમનું ફૂલ ખીલાવી જીદંગીને આજે વસંતનું અનેરૂ રૂપ દેખાડ્યું તમે.
આજે અવાજ હદયનો બની આવ્યા તમે,
મનડાને પોતાના અવાજની ઓળખાણ કરાવી તમે,
બેહરાશ ભરી જીદંગીયે અવાજ તો ઉઠતા હતા ઘણા અંતરના,
હદયનો સાદ સંભળાવી જીદંગીને આજે અંતરના સાદને પ્રતિસાદ આપતા શીખવાડ્યું તમે.
આજે કલપ્નાનું ચિત્ર બની આવ્યા તમે,
સપનાઓ અને વાસ્તવીકતાના અંતરનો ભેદ સમજાવ્યો તમે,
ઘુમવાતો નીકળ્યા હતા ઘણી વાર કલ્પનાઓના ચિત્રોના પથમાં,
એજ કલપ્નાઓના ચિત્રોમાં આવી જીદંગીમાં સપના જોવાની સાર્થકતા સમજાવી તમે.
આજે આશા ના કિરણની જ્યોત બની આવ્યા તમે,
અંધકારમાં જીવનને ખુદનો હસતો ચહેરો બતાવ્યો તમે,
ખુદનો ચહેરો જ જીદંગી ભુલી ગઈ હતી જગતની આ ભીડ-ભાડમાં,
એજ ભીડમાં એક વિસામો બની જીદંગીને પોતાના મૂળ ચહેરા જોડે મુલાકાત કરાવી તમે.
“કાલે” – અનાયાસ ઝિંઝુવાડીયા

આજે દુઃખોનો સાથી બન્યો છે તો કાલે સુઃખોનો સાથી પણ બનીશ તું,
જીવનના ખાલી પ્યાલાને, ભરજે ખુશીઓના મધુરસથી તું.
..
આજે અહીંયા આવવા નીકળ્યો છે તો કાલે ત્યાં જરૂર પહોંચી જઈશ તું,
મૃત્યુ નિશ્ચીત મુસાફરીને, હસતા હસતા જીવી લેજે તું.
..
આજે આંસુ આવ્યા આંખે છે તો કાલે હોઠો પર સ્મીત પામીશ તું,
દોડા-દોડ કરી થાકે ત્યારે, થોભજે એકાદ વિસામે શાંતીથી તું.
..
આજે રૂપીયો મેળવવા ઘવાયો છે તો કાલે મરહમ કોઈકનો મેળવીશ તું,
રૂપીયો અઢળક મેળવે જ્યારે, જોજે જીદંગીના ભુલાવે તું.
..
આજે દુઃખોએ હાર્યો છે તો કાલે ખુશીઓ કોઇકની જીતીશ તું,
પ્રેમના એક મૃગજળને પામવાને, સાચા પ્રેમને ના ભુલાવીશ તું.
..
આજે એક મુકામે રડ્યો છે તો કાલે બીજા વીસામે હસીસ જરૂર તું,
સમય-સમય ના ખેલમાં, એકેય પળોના ગુમાવીશ તું.
..
આજે ઝંખે છે જે આંખોએ તો કાલે મનડાએ પણ ઝંખીશ તું,
સાચા પ્રેમની ભુખમાં, હદયની ખોટી બાજી ન રમતો તું.
..
આજે આખરે કંઇક પામ્યો છે તો કાલે જરૂર કંઇક ગુમાવીશ તું,
ઇચ્છા-સંતોષની રમતોમાં સંજોગોના નામ થકી, આપણાના જ મનડા ન દુભાવતો તું.
..
આજે આ માટીમાં રચાયો છે તો કાલે આ માટીમાં જ સમાઇશ તું,
ચુકવવા માટીના આ ઋણને, રાખ બની સોડમ ભરજે તું.
..
આજે પાપો બેફામ કરે છે તો કાલે પૂણ્યોના હિસાબ શું કરીશ તું,
સરવાળા બાદબાકીના સરવૈયા ભરી એક જ આ જીદંગીને, જોજે અંતે ખોટમાં ન લઇ જાય તું.
“અટકળ” – અનાયાસ ઝિંઝુવાડીયા

..
ભાગતો-ભાગતો આજે ક્યાં જઇશ તું ,
અંતે અહિંયા જ ક્યારેક પાછો ન આવે તું ,
જીવવા જે જીદંગી મથ્યો છે તું,
ભાગતા એની પાછળ થાકી ન જતો તું.
..
આંખો-આંખોમાં જે કહેવા મથ્યો છે તું,
સમજણ પાડતા મનડાને મોડો ન પડતો તું,
અપનાવે છે જે પ્રેમની પરીભાષા તું,
અંતે અફસોસ ન કર્તો મનડાની આંખોએ તું.
..
હસતા-હસતા જે સપના ઝંખે છે તું,
રડી ન પડતો ક્યારેક એને મેળવતા તું,
ઝંખનાના જે વાયરામાં ઊડ્યો છે તું,
રોવડાવતો નહીં ક્યારેય પણ હસતા મનડાને તું.
..
કહેતા-કહેતા આજે જ્યાં અટક્યો છે તું,
અટકતો નહીં કાલે ત્યાંજ પૂરૂં કહેતા તું,
અટકાયેલા શબ્દે આજે ન મુંજાઈશ તું,
શબ્દોની અટકળમાં મુંજવણને ક્યારેક તો કાલમાં અટકાવીશ તું.
“એકલો” – અનાયાસ ઝિંઝુવાડીયા
…
પૂછ્યા વગર આવ્યો છે તો કિધા વગર જતો પણ રહિશ,
સપનાઓનું જીવન એવુ આ છે,
અંતે તો બધું અહીં મૂકીને જતો રહિશ.
..
આંખોએ જેની ડૂબ્યો છે તો યાદોએ એની રહી પણ જઇશ,
સંજોગોની રમત આતો એવી છે,
છેલ્લે તો કોઇકના આંસુ બની વહી જઈશ.
..
લાગણીઓએ જેની બંધાયો છે તો છેલ્લે તસવીર બની રહી પણ જઇશ,
ભટકાય મૃત્યુ એવા પાણીમાં છે,
તરતા તરતા કીનારે જ ક્યાંક ડૂબી જઇશ.
..
ભેગુ કરવા મથ્યો છે તો દોડા-દોડ કરી થાકી પણ જઇશ,
અંતે તો એકલોજ રહેવાનો એ મંઝીલે છે,
ઉપર કોના માટે ભેગું કરી તું લઈ જઈશ.
” કહું છું ક્યાં હું કે “– – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

કહું છું ક્યાં હું કે તારી આંખોમાં મારા સ્મીતની છબી હોવી જોઇએ,
પણ ભાગતી જીદંગીની આ રાહોમાં કોઇ ના કોઇ વિસામે હદયમાં તારા ,આપણા પ્રેમની એક છબી તો હોવી જોઇએ.
.
કહું છું ક્યાં હું કે ખુશીઓમાં તારી મારા સાથની છબી હોવી જોઇએ,
પણ થાકે જ્યારે તું લડીને સંજોગોની રમતૉથી તો આંસુઓમાં તારા, મારી યાદોની એક છબી તો હોવી જોઇએ.
.
કહું છું ક્યાં હું કે ઝહેનને સમજવા મારા તારી પળો મને સમર્પીત હોવી જોઇએ,
પણ બેસે તું જ્યારે એકાંતે મનડા સાથે વાતો કરવા તારા, હોઠો પર સ્મીતમાં મારા ઝહનની એક પળ તો હોવી જોઇએ.
.
કહું છું ક્યાં હું કે જીદંગીના પ્રાણ બનીને તું સદા મારી રહેવી જોઇએ,
પણ જ્યારે જોવે તું મને શૈયાએ પોઢેલો આંખોમાં તારા, આંસુઓમાં મારી ઝંખનાનું એક આંસુ તો હોવું જોઇએ.
” તારા આગમને ” – અનાયાસ ઝિંઝુવાડીયા

*
તારા આગમનના એંધાણ થયા હ્દયના દ્વારે જ્યારે આજે,
આંસુભરી લાંબી રાત વહી જાણે, ઓટ ના આગમને વિસર્યા હોય ભરતીના પાણી આજે.
*
બંધાયા છે મારા હદયથી તારા હદયના તાર જ્યારે આજે,
વર્ષો પછી મનડું ખીલ્યું મારૂં જાણે, પૂનમનો ચંદ્રમાં નીકળ્યો હોય આજે.
*
તારા અંતરના વહાલને મનડું મારૂં પામ્યું જ્યારે આજે,
મનડું મારૂં ખીલ્યું જાણે, વસંતના ફૂલોની રંગત ખીલી હોય આજે.
*
જુની યાદો ભુલાવા મન થયું મક્કમ જ્યારે આજે ,
તારી આંખોના ઉંડાણે રહું હું જાણે, દરીયાના મોજાનો અવાજ વર્ષો સુધી શંખલામાં રહેતો હોય આજે.
*
હરીને ઇચ્છા એક વ્યક્ત કરૂં હું જ્યારે આજે,
માંગુ મારૂં જીવન પ્રેમના પાલવડે તારા જાણે, સંધ્યાના નભમાં ખીલતું કુદરત હોય આજે.
*
” આજે આ જીદંગી ” – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

..
કેવી હાલતમાં છે આજે આ જીદંગી,
ક્યારેક ખુશીઓ તો ક્યારેક દુઃખોથી ભરેલી છે આ જીદંગી.
આજે તો યાદોની ગણતરીએ છે આ જીદંગી,
ક્યારેક મિત્રો તો ક્યારેક દુશ્મનોથી ભરેલી છે આ જીદંગી.
તારા પ્રેમના હવાલે હતી મારી આ જીદંગી,
ક્યારેક તારી આંખોએ તો ક્યારેક તારા સ્મીતે ખીલતી હતી આ જીદંગી.
આજે તો મા નો વહાલ યાદ કરે છે આ જીદંગી,
ક્યારેક ગરમ-ગરમ રોટલી તો ક્યારેક પુરણપોળી યાદ કરે છે આ જીદંગી.
ગઇ કાલના બાળપણને ઝંખે છે આ જીદંગી,
ક્યારેક લખોટીઓ તો ક્યારેક છાપો ગણતી હતી આ જીદંગી.
એટલેજ મન કહે છે કે હે આંશિક સાચેજ આજે કઈ હાલતે છે આ જીદંગી,
હવે તો ખાલી નોટો તો ક્યારેક સિક્કા ગણે છે આ જીદંગી.
“ભૂલી જાય છે એ કે… ” – અનાયાસ ઝિંઝુવાડીયા ( આંશિક )

..
સમય સમયની આ વાત છે,
પ્રેમને સમજવાની આ રાત છે,
નીકળ્યો છે મનડાને પ્રીતે જોડવા તારી,
ભૂલી જાય છે એ કે આતો ખાલી સપનાઓની રાત છે.
-
સમય સમયની આ વાત છે,
સત્યો સમજવાની આ રાત છે,
ખુંદવા નીકળ્યો છે ફક્ત જીવનમાં ખુશીઓ એકલો,
ભૂલી જાય છે એ કે આતો ખાલી અનુભવોની રાત છે.
-
સમય સમયની આ વાત છે,
લાગણીઓ સમજવાની આ રાત છે,
ડૂબી ગયો છે ખાલી એક જ બિંદુએ એવો,
ભૂલી જાય છે એ કે આની આગળ રેખાઓની રમતની તો હજુ બાકી લાંબી રાત છે.
-
સમય સમયની આ વાત છે,
ખુદને સમજવાની આ રાત છે,
ભાગ્યો જાય છે દોડા-દોડ પરચૂરણ ભેગું કરવા પાછળ એવો,
ભૂલી જાય છે એ કે અસ્તિત્વની આ રાત પછી ઉપરની દુનિયામાં ફરી એક નવી શરૂઆત છે.
-
સમય સમયની આ વાત છે,
મનુષ્યને સમજવાની આ રાત છે,
ભાગ્યો છે એક પળમાં આંસુઓના સમાધાન શોધવા એવો,
ભૂલી જાય છે એ કે દુઃખોની આ રાત પછી સુઃખની એક આનંદમય સવાર છે.
.
“શબ્દોના અભાવે “–અનાયાસ ઝિંઝુવાડીયા (આંશીક)

..
પ્રેમના પાલવડે તારા જીવતો હતો હું,
તારા હોઠો પરની હસી જોઇ ખીલતો હતો હું.
.
આજે તને યાદ કરતા આંખે ભીનો થયો છું હું,
શું કરૂં તારી આંખોના મારણે જ મરવા ટેવાયેલો છું હું.
.
તારા પ્રેમના સાગરને વર્ણવા ઉર્મીઓની આવે છે આજે ભરતી એવી,
પણ આજે શબ્દોના અભાવે લાચાર બન્યો છું હું.
.
એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,
પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું.
..
“નથી ખબર પડતી આજે કે” — અનાયાસ ઝિંઝુવાડીયા

..
અસ્તિત્વની દોડમાં કૅટલું ભાગ્યો છું હું,
નથી ખબર પડતી આજે અંતે કે શેની પાછળ આ આંધળી દોડ લગાવતો હતો હું?.
.
જીદંગીને સમજવા કેટલો મથ્યોતો હું,
નથી ખબર પડતી આજે અંતે કે મથી-મથીને પાસે મેળવ્યું છે શું?.
.
તારા મનડાની લાગણીઓ કેટલી ઠુકરાવતો હતો હું,
નથી ખબર પડતી આજે અંતે કે તારા પ્રેમને ગુમાવી જગમાં શું જીત્યો છું હું?.
.
બનવા જગનો રાજા કેટલા પ્રયત્નો કરતો હતો હું,
નથી ખબર પડતી આજે અંતે કે માંડ રંક બની રહ્યો છું હું તો અસ્તિત્વની દોડમાં અત્યાર સુધી કરતોતો શું હું?.
.
જીદંગીના સરવાળે આંકડા મોટા કરવા નીકળ્યોતો હું,
નથી ખબર પડતી આજે અંતે કે સરવાળે તો ખોટમાં જ ગયો તો આટલી ગણતરીઓ કરતો તો શેની હું?.
..
“તરસે છે” – અનાયાસ ઝિંઝુવાડીયા

.
.
થયો નહીં કદાચ એટલો પ્રેમ તારાથી મને,
યાદો તો જીરવે છે હજુ પણ આ મન,
બોલતો હવે ભુલાવું કેમનો તને?
.
પાપણના પલકારે રાખ્યો તો પ્રેમ આપણો સજાવી જ્યારે મેં,
ખબર શું હતી કે તુટસે એજ પાપણ,
બોલતો હવે એજ પાપણે પાછી માંગુ કેમની તને?
.
ખબર ન હતી કે જીદંગી સંજોગોની રમત હવે એવી રમે છે,
કે આવી છે આ વિરહની અનંત રાત,
બોલતો હવે મનાવું કેમનું આ મનડું જે એક ઝલકને જોવા તરસે છે તને?
.
.
” આ જીદંગી”- અનાયાસ ઝિંઝુવાડીયા

.
.
જીદંગીમા ક્યારેક મળે છે જીદંગીને એક જીદંગી,
પછી એ જીદંગીના સહારે નીકળે છે આ જીદંગીની પૂરી જીદંગી.
પરંતુ જો જીદંગીની રાહ પર સાથ છોડે આ જીદંગીનો જો એ જીદંગી ,
તો પછી જીદંગીને પણ ભારે પડે છે વિતાવવી આ પૂરી જીદંગી.
